હા, જવલ્લે જ થયું હોય તેવું બને કે ભારતની જર્સી તમે પહેલીવાર પહેરો ને સો રન ફટકારો અને જ્યારે છેલ્લીવાર પહેરો ત્યારે પણ સો રન ફટકારો. જોકે આજની બર્થ ડે સેલિબ્રિટીના નામે ઘણા બીજા પણ રેકોર્ડ છે, તો ચાલો તેમના જન્મદિવસે શુભકામનાઓ સાથે તેમણે ક્રિકેટજગતને આપેલી ઘણી રોમાંચક ક્ષણોને પણ યાદ કરીએ.
આજે જન્મદિવસ છે ભારતીય ક્રિકેટ ટીમનું ઘણા લાંબા સમય સુધી સફળ સૂકાન સંભાળનાર ક્રિકેટર અને ખૂબ જ સારા બેટ્સમેન મોહંમદ અઝહરુદ્દીનનો. આઠમી ફેબ્રુઆરી, 1963માં હૈદરાબાદ ખાતે જન્મેલા અઝહરે 1984માં ઈંગ્લેડ સામે પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી અને 110 રન ફટકારી સૌને અંચબામાં નાખી દીધા હતા. પહેલી જ મેચમાં શતક કરી તે ક્રિકેટપ્રેમીઓમા જાણીતું નામ થઈ ગયો. 1989માં કેપ્ટન બન્યા બાદ તેમની કેપ્ટન્સી હેઠળ રમાયેલી 174 વન ડે મેચમાંથી ભારતે 90 મેચમાં વિજય મેળવ્યો હતો. 1992-1996 અને 1999 એમ ત્રણ વર્લ્ડ કપ સમયે તેમે ભારતીય ટીમનું સૂકાનીપદ સંભાળ્યું હતું. 99 ટેસ્ટ મેચમાં તેણે ભારત માટે 6,215 રન કર્યા છે. તેમે પોતાની છેલ્લી ટેસ્ટ મેચમાં પણ શતક મારી હતી.
મુરદ્દાબાદ લોકસભાની બેઠક કોંગ્રેસ તરફથી લડી તે 2009માં સાંસદ પણ બન્યો હતો. તાજેતરમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામા દેખાયો હતો.
અર્જુન એવોર્ડ અને પદ્મ શ્રી મેળવનારા આ ક્રિકેટરનું નામ એક સ્કેન્ડલમાં જોડાયું અને તેના રમવા પર 2000ની સાલમાં પ્રતિબંધ લાગી ગયો. આફ્રિકન ક્રિકેટર હેન્સી ક્રોનીયેનો તેણે બૂકી સાથે પરિચય કરાવ્યો હોવાનો આક્ષેપ તેના પર કરવામાં આવ્યો જોકે આ આક્ષેપો પુરવાર ન થતાં પ્રતિબંધ હટાવાયો પણ ખરો.
વ્યક્તિગત જીવનમાં પણ પત્નીને તલ્લાક આપી પ્રેમીકા અને અભિનેત્રી સંગીતા બિજલાની સાથેના તેના સંબંધો હંમેશાં ચર્ચામાં રહ્યા. બન્નેએ લગ્ન પણ કર્યા પણ પછી થોડા સમયમાં છૂટા પડી ગયા. ખૂબ જ શર્માળ અને ખાનદાની અઝહરના પ્રેમસંબંધ અને પત્ની નૌરિન સાથેના તલ્લાકે તે સમયે મીડિયા સહિત સામાન્ય જનતાનું પણ ધ્યાન ખેંચ્યું હતું.
જોકે આજે પણ તેના ચાહકો તેને એક એવા બેટ્સમેન તરીકે યાદ કરે છે જે ગમે તેવા બેડ બોલને સિક્સરમાં ફેરવી શકે છે. તો આપણે પણ આપી દઈએ આ સ્ટાલિશ બેટ્સમેનને જન્મદિવસની શુભકામના.