જેની પાસે જવાથી શાંતિ અને શીતળતાનો અનુભવ થવા લાગે તેને સંત સમજવા

ધર્મતેજ

માનસ મંથન -મોરારિબાપુ

શાંતિ પમાડે તેને સંત કહીએ રે,
એના દાસના દાસ થઈને રહીએ રે…
તન-મનના તાપ મિટાવે,
સંત શરણે જો આવે…
મારાં શ્રાવક ભાઈ-બહેનો, શાંતિ જેણે પરણી હોય તે સંત. હિમાલય પોતે જો ઠંડો હોય તો જ વાતાવરણને ઠંડું કરી શકે. સૂરજ કેમ નથી કરી શકતો વાતાવરણ ઠંડું ? કારણ કે પોતે જ ધગે છે. એમ જેને અંદરથી શાંતિ મળે. એ.સી. કમરો હોય તો જ ઠંડક મળે. સંતો શાંતિના મંદિર હોય છે. એની પાસે જવાથી આપણા ઉત્પાતો થોડા સમય માટે કેમ શાંત થઇ જાય છે? કબીર સાહેબનો લોકો ભયંકર વિરોધ કરતાં હતા તો પણ વિરોધ કરનારા પણ તેમની પાસે થોડો સમય જતા તો વિરોધ શાંત થઇ જાતો. એને એમ લાગે કે બેસવા જેવું છે ! તન-મનના તાપ મિટાવે… શાંતિ જેને વરી હોય બાપ ! વરમાળા લઈને શાંતિ નીકળી હોય અને તેમાં પસંદ થયો હોય તે સંત. કોઈનેય પસંદ ન કરે, કેટલાયે રૂપાળા બેઠાં હોય પણ એમાં જ્યારે કોઈ સાધુ મળી જાય એને ઈ વરે. એનું વરણ કરે જે શાંતિનો ધારક છે, શાંતિ જેની ક્ધિકરી છે, શાંતિ જેની છાયા છે. શાંતિ જેની સાથે ફેરા ફરે એ સંત. એવી જ રીતે શીતલતા પણ સંતનું એક લક્ષણ છે. જેનામાં શીતલતા હોય. શાંતિ અને શીતલતામાં ફર્ક છે. શાંતિ ભીતરી અવસ્થા છે, માણસ અંદરથી શાંત હોય. આપણે બહારથી શાંત બેઠાં રહીએ એ પૂરતું નથી, અંદરથી કેટલા શાંત રહીએ છીએ તે મહત્ત્વનું છે. વર્ષો પહેલાની કથામાં ક્યારેક હું એક વાર્તા કહ્યા કરતો.
આ જાપાનમાં બનેલી વાત છે. તમે જાણો છો કે જાપાનમાં વારંવાર ધરતીકંપ થાય છે. જાપાનના એક સંત બહુ ખ્યાતિ પ્રાપ્ત. જે લોકો એમને બોલાવે તેને ત્યાં જાય અને સત્સંગ કરે. એક દિવસ આ સંત એક પરિવારને ત્યાં સત્સંગ માટે જાય છે. પચાસ-સો માણસો સત્સંગમાં બેઠાં હતા. સુંદર વાતાવરણમાં સત્સંગ ચાલતો હતો. એમાં એવું થયું કે ઓચિંતો ધરતીકંપ થયો. જાપાન માટે ધરતીકંપ સ્વાભાવિક. એટલે બધા માણસો બહાર ભાગ્યા. વારંવાર આવતા ધરતીકંપથી ખૂબ ટેવાયેલા એટલે બહાર જઈ ખુલ્લામાં જઈને ઊભા રહ્યા. આ તરફ પેલા સંત જેનાં ઘરમાં ગયા હતા એ તો ત્યાં એમ ને એમ બેસી રહ્યા, બીજા બધા તો જીવ બચાવવા બહાર ભાગી ગયા. સત્સંગમાં બેઠેલા ક્યારે ભાગે એ નક્કી નહીં.
આમ ને આમ લગભગ એકાદ કલાક વીત્યો હશે. બધું શાંત થયું અને લોકોને લાગ્યું કે હવે કોઈ ખતરો નથી એટલે બધા પાછા આવ્યા. જોયું તો પેલા સંત તો એમ ને એમ, શાંત બેઠેલા. એમની ભીતરી શાંતિ ગજબની. બધાને બહુ નવાઈ લાગી કે આપણે તો ધરતીકંપથી ટેવાયેલા પણ સંતને તો વધારે ડર લાગવો જોઈએ એ કેમ ભાગ્યા નહીં ? એટલે બધાએ એમને પૂછ્યું કે બાપજી, એક શંકા પડે છે. આટલો મોટો ધરતીકંપ થયો, એથી અમેં તો બધા જીવ બચાવવા ભાગ્યા. તમે કેમ ન ભાગ્યા ? એટલે એ સંતે સહજપણે હસતાં-હસતાં બહુ સરસ જવાબ આપ્યો ; ધરતીકંપ થાય ત્યારે બધા ભાગે છે. હું નથી ભાગ્યો એમ નથી, બધા જ ભાગે, માત્ર દિશાનો ફેર છે. તમે બધા બહાર ભાગ્યા અને હું અંદર ભાગ્યો. અંદર જઈને એવી જગ્યાએ બેસી ગયો કે જ્યાં હવે કોઈ કંપનને કે ધરતીકંપને સ્થાન નથી. કથા વિવેક પેદા કરે છે; અને જીવનમાં વિવેકનો જન્મ થવો એટલે જ લોઢા જેવા જીવનનું સુવર્ણમય બનવું. રામકથાનો એક ઉદ્દેશ છે કે, સત્સંગથી વિવેક પેદા થાય છે. મેં મારા જીવનમાં જોયું છે કે જે લોકોએ સત્સંગ ક્યારેય નથી કર્યો, એ લોકોમાં કેટલીયે ક્ષમતા હોય, પરંતુ વિવેક હોતો નથી. વિવેક માટે તમારે સત્સંગ કરવો પડશે. તમે કોઈ પણ ક્ષેત્રમાં હોવ, તમારી પ્રગતિ, ઉન્નતિને મારા સલામ, પરંતુ વિવેક માટે સત્સંગ અનિવાર્ય છે. નહીંતર વિવેક આપણે ચૂકી જઈએ છીએ. બળવાન વ્યક્તિમાં વિવેક ન હોય તો બળ લોઢું છે ! વિદ્યાવાન વ્યક્તિમાં વિવેક ન હોય, જો એમણે વિવેકરૂપી દીકરાને જન્મ ન દીધો હોય, તો વિદ્યા વાંઝણી છે ! દુનિયાની કોઈ પણ કલા ચાહે ગાયન હો, વાદ્ય હોય, નૃત્ય હોય, એમાં વિવેક ન હોય તો એ કલા લોઢું છે. હું પણ પોતાને એમાં સામેલ કરું, હું બોલતો રહું છું, શબ્દનું સેવન મારો શ્ર્વાસ છે, પરંતુ કથાકારમાં વિવેક ન હોય તો એની કથા લોઢું છે. ધનવાન પાસે ધન હોય અને વિવેક ન હોય તો ધન લોઢા જેવું છે. દુનિયાભરમાં જેટલી પણ સત્તા હોય, વિવેક ન હોય તો સત્તા લોઢું બને છે. સત્તા અને પદાધિકારીઓ પાસે વિવેક નથી હોતો તો તરત જ પકડમાં આવી જાય છે કે સત્સંગનો અભાવ છે. આપણો સૌનો સેતુ બનશે વિવેકથી.
‘રામચરિતમાનસ’ માં ગોસ્વામીજી કહે છે-
सीतलता सरलता मयत्री । द्विज पद प्रीति धर्म जनयत्री ॥
ए सब लच्छन बसहिं जासु उर । जानेहु तात संत संतत फुर ॥
બાપ ! શીતલતા એ સંતનું લક્ષણ છે. પાકેલા સાધુને તમે જુઓ તો કેટલા શાંત દેખાય ! જાણે એમ લાગે કે શાંતિ રૂપ ધારણ કરીને અવતરી છે ! જેની પાસે જવાથી આપણને કોઈ પણ તાપ ન લાગે, એનો પ્રભાવ પણ આપણને ન તપાવે. ધ્યાન દેના, નહીંતર ઘણાં સંતોનો પ્રભાવ એટલો બધો હોય કે એની પાછળ આપણે જઈએ તો તપીએ. શીતળતા એવી છે કે, આપણે ભલે ન બોલી શકીએ, વાત ન કરી શકીએ, પણ એના સંગમાં આપણે રડી પડીએ. આપણને ઠંડક થવા લાગે. આવી જેની શીતળતા-એક વાઈબ્રેશન શરૂ થઈ જાય છે. આપણા આચાર્યો ઉદ્વેગ કરવાની ના પાડે છે. સંત એ છે જે બધાને શીતળતા આપે. શાંતિ જેને પરણી હોય તે સંત. જે નામપરાયણ હશે તે શાંત રહી શકશે. હર સ્થિતિમાં શાંતિ બનાવી રાખો. અને એની કસોટી તો જ્યારે આપણા પર પડે ત્યારે થાય. આપણે તો વાત વાતમાં અશાંત થઈ જઈએ છીએ. સિદ્ધી આવી જાય તે સિદ્ધિ, સીધાપણું જેનામાં આવે તે સાધુ. વિનોબાજી કહેતા કે, હિમાલય જેવી વિભૂતિઓ થાય પણ ખીણના માણસોને તો માથું ઊંચું કરીને જ જોયા કરવું ને? (સંકલન: જયદેવ માંકડ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.