લગ્ન કર્યા પછી છૂટા થવું કેટલા અંશે યોગ્ય?

લાડકી

સંબંધોને પેલે પાર -ટીના દોશી

શું વધતાં જતાં ડિવોર્સના લીધે લગ્નસંસ્થા પર જોખમ ઊભું થયેલું જણાય છે? શું છૂટાછેડા શબ્દ પ્રત્યે હજુ પણ સૂગ અનુભવાય છે? બે વ્યક્તિ નહીં પણ બે કુટુંબોને જોડતી લગ્નસંસ્થામાં વધતાં જતાં ડિવોર્સ કેસના લીધે અને સ્વતંત્રતાથી જીવવાની અભિલાષાના લીધે ચિત્ર-વિચિત્ર પ્રથાઓને અનુમોદન મળે છે. સાથોસાથ લગ્ન જેવા પવિત્ર સંસ્કાર ઉપર સવાલો ઊભા થાય છે.
ચીની મુસાફર હ્યુ-એન-ત્સંગના મત મુજબ ભારતીય સ્ત્રી બીજી વખત લગ્ન કરતી નથી. એનો સાફ મતલબ થાય કે આ સ્ટેટમેન્ટ જ્યારે અપાયું હશે ત્યારે પુરુષો ચોક્કસ બીજા, ત્રીજા કે ચોથા લગ્નો કરતાં હશે. પણ સ્ત્રીઓ માટે રિમેરેજનો વિકલ્પ નહિ હોય. છેક ૧૮૫૬માં વિધવા પુન: લગ્નનો કાયદો આવ્યો અને ત્યારપછી પણ સામાજિક રીતે સ્વીકૃતિ મળતાં બીજા ૧૦૦ કરતાં વધુ વર્ષો નીકળી ગયા. આના પર અલગથી ઘણુંય લખી શકાય. એને સાઈડમાં રાખીને હાલના સમયની આ સમસ્યા પર ફોકસ કરીએ.
આપણે ત્યાં છૂટાછેડાનો દર ૧ ટકા આસપાસ છે. જે અન્ય વિકસિત દેશોની તુલનામાં ઘણો ઓછો છે. જેમ કે સ્વિડનમાં ૫૪.૯ ટકા, યુએસએમાં ૫૪.૮ ટકા, રશિયામાં ૪૩.૩ ટકા, યુકેમાં ૪૨.૬ ટકા જેટલો ઊંચો ડિવોર્સ રેટ છે. ઈવન આપણાં પડોશી દેશ શ્રીલંકામાં પણ આ દર આપણાથી ઊંચો છે. આનું કારણ હિંદુ ધર્મમાં લગ્નને સંસ્કાર માનવામાં આવે છે. ભવોભવનું બંધન ગણાય છે જેમાં એક વખત બંધાયા પછી છૂટવાનો અવકાશ નથી. પવિત્ર લગ્નસંસ્થા એમાંથી છૂટવાનો કે છટકવાનો વિકલ્પ જ નથી આપતી. તો પ્રશ્ર્ન એ થાય કે નીચો દર હોવા છતાં છૂટાછેડા બાબતે આપણે કેમ ખોટી બુમરાણ મચાવીએ છીએ?
તો જવાબ એ છે કે આપણે લગ્નને સંસ્કાર ગણીએ છીએ. જ્યાં બે પાત્રો જ નહીં, પણ બે પરિવારો વચ્ચેનો સંબંધ સ્થાપિત થાય છે. લગ્નના વિવિધ હેતુઓમાંનો એક હેતુ એ છે કે લગ્ન બાદ દંપતી સાથે મળીને ધાર્મિક કાર્ય કરી શકે છે. એટલે લગ્નવિચ્છેદને અહીં અવકાશ નથી. બીજું એ કે લગ્ન ભારતમાં ઊંચો ડિવોર્સ રેટ ધરાવતાં ટોપ ૫ રાજ્યોમાં ગુજરાત આવે છે. વળી સોલોગામી મેરેજ જેવી પાયાવિહોણી પ્રથાને અનુમોદન આપનાર પ્રથમ કિસ્સો પણ ગુજરાતમાં ધ્યાને આવ્યો છે. એટલે આ સમસ્યાને બિલકુલ લાઈટલી લઈ શકાય એમ નથી.
સાવ સામાન્ય ગણાય એવી બાબતમાં એક ભાઈના બે વખત ડિવોર્સ થયા. એમના બંને અનુભવો શાંતિથી સાંભળ્યા. એમને સાંભળ્યા પછી હું એવા તારણ પર પહોંચી કે આ ભાઈએ હવે લગ્નનું નામ લેવું જોઈએ નહીં. ભરણપોષણ બાબતે હજુએ લડે છે. અને ખાસ વાત એ કે તેઓ ફરી લગ્ન માટે તૈયાર જ છે. જ્યારે એક બહેનના ડિવોર્સ એમની અનિચ્છાએ થયા. કોઈ જ વાંક વગર કેટકેટલો ત્રાસ સહન કર્યા પછી ભાઈઓએ મળી ડિવોર્સ માટે રાજી કર્યા. હવે એ બહેન કે જેનો કોઈ જ વીક પોઈન્ટ નહોતો એ લગ્નથી દૂર ભાગવા લાગ્યા. વળી એમની સાથે બનેલ ઘટનાના લીધે એમની નાની બહેને પણ લગ્ન કરવાનું માંડી વાળ્યું.
આ બંને સ્થિતિ ખૂબ વિચાર માગી લે તેવી છે. જો વ્યક્તિની પરિસ્થિતિ જ એવી બની ગઈ હોય કે જ્યારે ડિવોર્સ એકમાત્ર વિકલ્પ બચ્યો હોય ત્યારે ડિવોર્સ એ કોઈપણ એંગલથી ખરાબ કૃત્ય નથી. આ વાસ્તવિકતાને સમજવી ખૂબ જરૂરી છે. પરાણે અને મન મારીને કરીને જીવવું એવી અર્થહીન સોચમાંથી બહાર આવવાનો સમય આવી ગયો છે. નિભાવવાની ક્ષમતા હદ બહાર વટી જાય અને મન મારીને મોઢું હસતું રાખવું પડે એના કરતાં તો ખરેખર હસીને જીવન વિતાવી શકાય એવી પળોના સાક્ષી બનવું વધુ બેટર છે. એટલે કોઈપણ જાતની સૂગ અનુભવ્યા વગર આ કષ્ટદાયક સંબંધ પર પૂર્ણવિરામ મૂકીને નવી લાઈન દોરવાની શરૂઆત ઝડપથી કરી દેવી જોઈએ. કારણ કે એકલાં રહીને કે પોતાની જાત સાથે લગ્ન કરીને કાઈ જ ઉખાડી શકાતું નથી. છેવટે તો આપણે અન્યો પર ડીપેન્ડેડ જ છીએ એ વાત મગજ અને હૃદય બંનેને ખોળામાં બેસાડી સમજાવી દેવી.
લગ્ન એક સંસ્કાર જ છે. એને નિભાવવાનો હરએક પ્રયાસ કરવો જોઈએ. પણ જો સંસ્કાર મટીને ત્યાં શોષણની સીમાઓ વટી ગઈ હોય તો એમાંથી સોંસરવું નીકળી જવું ઉત્તમ છે. આ સમસ્યામાં ડિવોર્સ લેનાર બે પાત્રો અને એના પરિવારો એકબીજાને જે રીતે વગોવે છે એ બંધ કરી દેવું જોઈએ. ઘણીવાર તો મોટીબેન પાછી આવેલી હોય તો નાના ભાઈ બહેનોના લગ્ન થવામાં પણ વિલંબ થાય છે. લોકો ન કહેવાનું સંભળાવતા હોય છે. અહીંથી આગળ વધીને ઘણીવાર તો વ્યક્તિના ચારિત્ર્ય સુધી સંભળાવી દેવાય છે.
જોકે ડિવોર્સ એ લગ્નસંસ્થા સામે વધુ ખતરનાક ત્યારે પુરવાર થાય જ્યારે ડિવોર્સ લીધા પછી વ્યક્તિ ફરી લગ્નજીવનની શરૂઆત કરવાથી ભાગે છે. એટલે ડિવોર્સ કરતાં વધુ અસરકારક પરિબળ તો એની અસરો છે જેમાંથી બહાર નીકળતા નીકળતા વ્યક્તિ લગ્નજીવનમાં ફરી પાછા ફરવાનું વિચારી શકતો નથી. આ રીતે વિચારીએ તો ડિવોર્સ એ દુ:ખી દાંપત્યજીવનનો અંત આણી સુખી દાંપત્યજીવનની શરૂઆત કરવા માટેનો બેસ્ટ વે છે એ ન ભૂલવું જોઈએ.
ડિવોર્સ એ અચાનક બનતી ઘટના નથી. એની શરૂઆત તો ક્યારનીયે થઈ ગઈ હોય છે જે નાના મોટા અણબનાવોમાં દેખાય આવે. પતિ-પત્ની વચ્ચે જોવા મળતું દુનિયાનું બેસ્ટમ બેસ્ટ ટ્યુનિંગ કોઈ નજીવા કારણસર તો ન જ ખતમ થવું જોઈએ. એ બંને પાત્રો વચ્ચેનો સંબંધ અનહદ રહસ્યોથી ભરેલ છે. આ રહસ્યો પરથી પરદો ઉઠાવવાની ખોટી મથામણ ટાળીને એને વધુને વધુ રોમાંચક કઈ રીતે બનાવી શકાય એ અંગે વિચારવું જોઈએ. લગ્ન પહેલાં માતાપિતાની ફરજ એ પણ છે કે લગ્ન બાદ ઊભી થતી પરિસ્થિતિને ટેકલ કરી શકે એવી ટ્રેનિંગ બંનેને આપવી. કેટલાંક અંશે પોતાના ખીલેથી છોડી પણ મુકવા જેથી દુનિયાદારીનું ભાન થઈ શકે, એકબીજાને જરૂરિયાતના સમયે ટેકો આપી શકે. છેલ્લા શ્ર્વાસ સુધીનો સગો આપણો પાર્ટનર જ હશે એ વાત મનના સ્ટેમ્પ પેપર ઉપર ઘાટી શાહીથી લખી રાખવી. જીવનરૂપી નાવમાં હલેસાં મારવા માટે પણ કોઈક તો જોઈશે જ આ વાત પણ હૃદયના ખૂણે બેસ્ટ શિલ્પકાર બનીને જાતે જ કોતરી રાખવી. લડવા-ઝઘડવા અને મનનો ભાર શબ્દોમાં ઠાલવવા માટે, ઇવન ગાળોની અભિવ્યક્તિ માટે પણ પાર્ટનર એ બેસ્ટ વિકલ્પ છે એ ન ભૂલવું જોઈએ.
———-
ક્લાઇમેક્સ
દરેક સંબંધમાં અલ્પવિરામ મુકવા કરતા બહેતર છે કે પૂર્ણવિરામ મૂકી, નવેસરથી શરૂઆત કરી આગળ વધવું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.