Homeઉત્સવશેરબજારને સમજવા માત્ર બિઝનેસ ન્યૂઝ કે ચેનલ નહીં, કોન બનેગા કરોડપતિ પણ...

શેરબજારને સમજવા માત્ર બિઝનેસ ન્યૂઝ કે ચેનલ નહીં, કોન બનેગા કરોડપતિ પણ જોવું જોઈએ!

નોલેજ, ફાસ્ટેસ્ટ ફિંગર, લાઈફ લાઈન્સ, ક્વિટ જેવા શબ્દો સમજવામાં સાર

સ્પેશિયલ -જયેશ ચિતલિયા

કોન બનેગા કરોડપતિ(કેબીસી) નામના ટી.વી. કાર્યક્રમમાં વિવિધ સવાલોના જવાબો આપી સામાન્ય વ્યક્તિને પણ કરોડપતિ બનવાની તક મળે છે, જેમાં કરોડપતિ ભલે બહુ જુજ કે નહીંવત લોકો બને, પરંતુ લખપતિ તો તેની હોટ સીટ પર આવીને કે ઘેર બેસીને પણ ઘણાં બને છે. એ જ રીતે શેરબજારમાં ભલે કરોડપતિ બહુ ઓછા લોકો બની શકે , કિંતુ લાખોપતિ બનવાની સંભાવના ઊંચી રહે છે, અલબત, આ માટે કોન બનેગા કરોડપતિ ગેમના રૂલ્સની જેમ શેરબજારના પણ કેટલાક નિયમો સમજીને તેનું યોગ્ય પાલન કરવું પડે.આ બંને આમ તો એક એવા મંચ છે, જયાં બુદ્ધિ, સમજદારી અને અભ્યાસ જરૂરી છે. આજે કેબીસીમાંથી શીખવા મળતી શેરબજારની એબીસી જાણવા- સમજવાના પ્રયાસ કરીએ.
ફાસ્ટેસ્ટ ફિંગર, વહેલો તે પહેલો
કરોડપતિ ગેમ શોમાં હોટ સીટ પર બેસવા માટે સૌપ્રથમ ત્રણ સવાલના જવાબ આપવાના હોય છે, જેમાં જે કોઈ સાચો તેમ જ સૌથી વહેલો જવાબ આપે તેની પસંદગી થાય છે તેમ શેરબજારમાં પણ વહેલો પ્રવેશ કરનાર લાભમાં રહે છે, આ વહેલાના જુદા જુદા અર્થ થઈ શકે. એક જયારે બજારમાં ભાવો ખૂબ નીચા હોય
ત્યારે, એટલે કે તેજી વેગ પકડે એ પહેલા અને બીજો અર્થ એ કે નાની ઉંમરે-યુવાનીમાં કમાતા થાવ કે શેરો ખરીદીને જમા કરતા જવું.આમ અહીં ગામ કરતા વહેલો માર્કેટમાં એન્ટ્રી લઈ લેનારના સફળ થવાના ચાન્સ મોટેભાગે ઉજળા રહે છે. ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ ગુરુ વોરેન બફેટ વિશે એક વાત ખૂબ પ્રચલિત છે, તેમણે ૧૧ વરસની ઉમંરે ઈન્વેસ્ટમેન્ટ શરૂ કરી દીધું હતું. એ સમયે તેઓ અખબાર વિતરણનું કામ કરતા હતા.
ચાર ઓપ્શન્સ અને લાઈફ લાઈન
કેબીસીમાં દરેક સવાલ માટે ચાર વિકલ્પો મળે છે અને તે પછી પણ જવાબ ન આવડે તો લાઈફ લાઈનની મદદ મળે છે, જેમાં વ્યક્તિને તેના મિત્રની, પ્રેક્ષકોની અને નિષ્ણાતની મદદ મળી શકે છે.જોકે આ સહાય એક જ વાર મળે છે. જયારે શેરબજારમાં આ મદદ જેટલીવાર અને જેની પણ જોઈએ તેની મળી શકે છે. આપણે આપણા નિકટના જાણકાર મિત્રને કે નિષ્ણાતને પૂછી શકીએ છીએ તેમ જ ઓડિયન્સ પોલ તરીકે આપણે જાહેર જનતાના પ્રવાહને પણ જોઈ શકીએ છીએ. ફિફટી-ફિફટી જેવો વિકલ્પ પણ છે. અર્થાત, તમે સ્પષ્ટ ન હો તો આ ચાન્સ પણ લઈ શકો.
શેરબજારમાં વૈકલ્પિક સાધનોમાં શેરો મળે, ઈટીએફ (એકસચેંજ ટ્રેડેડ ફંડ ), ઈન્ડેકસ મળે, મ્યુ.ફંડની ઈકિવટી યોજનાઓ પણ આમ તો શેરબજારનો જ ભાગ ગણાય , એ જ રીતે ડેરિવેટીવ્ઝમાં ફયુચર્સ અને ઓપ્શન્સ જેવા સટ્ટાકીય સાધનો પણ મળે. ઈન શોર્ટ, શેરબજારમાં રોકાણ કરતી વખતે માત્ર શેરો જ ખરીદવા જરૂરી નથી, બલકે શેર જેવી વૃદ્ધિની સંભાવના ધરાવતાં સાધનો પણ અજમાવી શકાય અને આ બધાં માટે વિવિધ માધ્યમો મારફત સાદી સલાહથી માંડી એકસપર્ટ એડવાઈસ સદા મળતી રહે છે.
ક્વિટ-પ્રોફિટ બુકિંગ
કરોડપતિ ગેમ શોમાં હોટ સીટ પર બેસનારને સૌપ્રથમ રમત શરૂ થતા પહેલા વિવિધ લેવલ સમજાવવામાં આવે છે, ગેમ રમનાર વ્યક્તિ કયા લેવલે જવાબ ન ખબર હોય તો તેને કેટલાં નાણાં મળી શકે અને ખોટો જવાબ આપે તો કેટલાં નાણાંનું નુકશાન થઈ શકે એ સમજાવવામાં આવે છે. તેને મિનિમમ પ્રોફિટ-ઈન્કમ લેવલ પણ કહેવામાં આવે છે, એ જ રીતે શેરબજારમાં પણ રોકાણકારો પોતે સોદા કરતી વખતે પોતાનુ પ્રોફિટ લેવલ નકકી રાખી એ લેવલે તેને બુક કરી શકે છે, આ જ રીતે પોતાને લોસ થતી હોય તો સ્ટોપ લોસનું લેવલ પણ નિયત કરી શકે છે, જેથી તેની ખોટ પણ અમર્યાદિત વધી ન જાય. કેટલીકવાર ગેમ શોનો સ્પર્ધક ચોકકસ તબકકે પોતાને જવાબ ન આવડતો હોય તો એ સમયે જેટલી જીત થઈ છે તે રકમ સ્વીકારી લઈને ગેમ ક્વિટ કરી શકે છે, તેમ શેરબજારમાં રોકાણકાર કે ટ્રેડર પોતાનો નફો લઈને એ સ્ક્રીપ્સમાંથી કે બજારમાંથી એકિઝટ લઈ શકે છે. લાલચ બુરી ચીજ હૈ એવો સંદેશ કેબીસીની ગેમ પણ આપે જ છે.
સમજણ, ધીરજ અને અભ્યાસ જરૂરી
કોન બનેગા કરોડપતિના ગેમ શોમાં ભાગ લેતી વખતે જેમ સ્પર્ધકે જનરલ નોલેજ ભેગું કરવાની તૈયારી કરવી પડે, અભ્યાસ કરવો પડે, ટૂંકા સમયમાં નિર્ણય લેવાની કળા કે આવડત કેળવવી પડે તેમ શેરબજારમાં પણ બજારને સમજવાની તૈયારી અને અભ્યાસ કરવા જરૂરી છે. બજારમાં કયારે એન્ટ્રી લેવી કે એકિઝટ લેવી એ સમજ કેળવવી આવશ્યક છે. કેબીસીમાં સીધો ભાગ નહીં લઈ શકનાર વ્યક્તિ જેમ ઘેરબેઠાં લખપતિ બનવાની સ્પર્ધામાં ભાગ લઈ શકે છે અને તેમાં સવાલનો સાચો જવાબ આપીને પણ ચોકકસ રકમ જીતી શકે છે તેમ શેરબજારમાં સીધો પ્રવેશ નહીં કરનાર વ્યક્તિ મ્યુ.ફંડ ના માધ્યમથી શેરબજારની તેજીનો કે વૃદ્ધિનો લાભ લઈ શકે છે. તેના વિવિધ ફંડ મારફત કે એસઆઈપી (સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન) જેવી યોજનાઓ મારફત પણ શેરબજાર-ઈકોનોમીની ગ્રોથસ્ટોરીનો લાભ પ્રાપ્ત કરી શકે છે.
લોંગ ટર્મ અને નિયમિત રોકાણની કમાલ
જો ઉપરમુજબ કેબીસી અને શેરબજાર સમજાય તો સફળતા નિશ્રિત બની શકે. આ શેરબજારમાં વહેલાસર કે નાની ઉંમરે સારી કંપનીઓના શેરો જમા કરતા રહીએ તો લાંબે ગાળે અવશ્ય સારું વળતર મળે, બીજું, શેરબજારમાં સીધી એન્ટ્રી ન લેવી હોય તો મ્યુ.ફંડના માધ્યમથી એસઆઈપી, એસટીપી, ઈન્ડેકસ ફંડ, ઈટીએફ જેવાં સાધનોમાં નાની -નાની મૂડીનું નિયમિત રોકાણ કરતા રહીએ તો પણ લાંબે ગાળે એ રોકાણ લાખોમાં પરિવર્તિત થઈ શકે છે. દા.ત. દરમહિને પાંચ હજાર રૂપિયાની એસઆઈપી કરો તો પણ દસ વરસે તમે લખપતિ બની શકો છો, માત્ર આ રોકાણનું ટોટલ કરશો તો દસ વરસે છ લાખ રૂપિયાની મૂડી આમ પણ થઈ જશે. કિંતુ વળતર સાથે આ મૂડી ખાસ્સી મોટી થઈ શકે છે, જે મેળવીને તમે પોતાને લાખોપતિ ફીલ કરો એમ બની શકે .વીપ્રો, ઈન્ફોસિસ, રિલાયન્સ, લાર્સન, તાતા મોટર્સ, તાતા સ્ટીલ, હિંદુસ્તાન યુનિલીવર, કોલગેટ સહિત અનેક એવી કંપનીઓ છે, જેમાં લોંગ ટર્મ રોકાણ ધરાવીને લોકો લાખોપતિ-કરોડપતિ થયા છે. સંખ્યાબંધ સ્કીમ્સ છે, જેમાં માત્ર નિયમિત ઈન્વેસ્ટમેન્ટ કરીને રોકાણકાર કંઈપણ ખોટું કર્યા વિના સંપત્તિવાન બની શકે છે. છેલ્લે આદરણીય બચ્ચનસાહેબના શબ્દોમાં કહીએ તો આપકા ઈસ મંચ પર (સ્ટોક માર્કેટ) સ્વાગત હૈ, ઔર આપ યહાંસે બહોત સારી ધનરાશિ જીત કર જાયે યે ઉમ્મીદ હમ કરતે હૈ. ભારતીય ઈકોનોમી નવી ઊંચાઈ સર કરવા થનગની રહી છે. યોગ્ય માર્ગદર્શન, વિવેક, અભ્યાસ અને સમયને સાથે રાખી ચાલશો તો સંપત્તિસર્જન સંભવ છે. ઉ

RELATED ARTICLES

Most Popular