પોતાની વાણીના અસ્ખલિત પ્રવાહને વિરામ આપતાં પણ શીખો…!

લાડકી

સંબંધોને પેલે પાર – જાનકી કળથિયા

શું તમારી આસપાસ અતિ બોલકણા લોકો છે? પોતાનું બોલવાનું શરૂ કરે એટલે ફુલસ્ટોપ ક્યારે મૂકવું એનાથી અજાણ લોકો સાથે ડીલ કઈ રીતે કરો છો? ફરજિયાતપણે જો આવા લોકો સાથે રહેવાનું થાય તો એના બકબકિયા સ્વભાવથી કઈ રીતે બચી શકાય?
પોતાનો બોલકણો સ્વભાવ અને હર પળે વ્યક્ત કરવાની ટેવ માણસને ઘણા રોગોથી દૂર રાખે છે. આ વાત જેટલી સાચી છે એટલું જ સાચું એ પણ છે કે એક હદથી વધારે બોલ બોલ કરવાની આદતને આસપાસના લોકો ગાંડામાં ગણી કાઢે છે. એટલે જ્યાં ને ત્યાં લવારી કરતા અને મફતમાં સલાહો આપતા લોકોને એ વાતનો અહેસાસ થવો જરૂરી છે કે સામા પક્ષે નોંધ નથી લેવાઈ રહી. આપણી આસપાસ કેટલાક લોકો એવા પણ હોય છે જે વાત કરવાની શરૂઆત કરે તો એનાથી દૂર ભાગવાનાં બહાનાંઓ આપણે શોધવા લાગીએ છીએ. આવા લોકોનું આપણી આસપાસ હોવું એ જ મોટી સમસ્યા સમાન હોય છે. અથથી ઇતિ સુધીની કથાઓ માંડીને કહેનાર વ્યક્તિ સામેવાળાની સહનશક્તિની અવગણના કરે ત્યારે સાલું લાગી આવે છે.
આપણું નજીકનું સંબંધી હોય કે પછી ઘરનું કોઈ સભ્ય, કલિગ્સ હોય કે મિત્ર, પડોશી હોય કે પછી આપણે જેની સાથે ફરજિયાત ડીલ કરવાની છે તેવા લોકો કે પછી સોશિયલ મીડિયાના વર્ચ્યુઅલ મિત્રો – આમાંથી ઘણાનો સ્વભાવ અતિ વાતોડિયો હોય છે. આવી વ્યક્તિ આપણી આસપાસ પણ દેખાય તો એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ.
આવો લપિયો માણસ રસ્તામાં ક્યાંક મળી જાય તો એની નકામી લાંબી લાંબી વાતો સાંભળવી એના કરતાં રસ્તો જ બદલી નાખવો વધુ યોગ્ય હોય છે. કોઈ કામથી એમને મળવાનું થાય તોય વિચારવું પડે કે આનાથી સમયસર છૂટી શકાશે કે નહીં? વોટ્સએપમાં મેસેજ આવે ને જો આપણે ભૂલથી રિપ્લાય કરી દીધો એટલે ધડાધડ નોટિફિકેશન ચાલુ. આવા લોકોનો કોલ આવે તો ગ્રીન બટનને ટચ કરવા આંગળીય આનાકાની કરતી હોય. રસ્તા પર અથવા જાહેર સ્થળોમાં જો આવા લોકોની સરપ્રાઈઝ મુલાકાત થાય ત્યારે એમાંથી છટકવાની તકો શોધવી પડે. સોશિયલ મીડિયામાં પણ એટલી પાયા વિનાની દલીલો કરે કે જાણે પોતે એક જ મહાન અને વિદ્વાન છે. બાકી બધા તુચ્છ હોય એ હદે વર્તે. ઓફિસમાં સાથે કામ કરતો સહકર્મચારી એના ઘરથી લઈને પડોશીના ઘર સુધીની વાતો કરે.
એમને આપણે જો એમ પૂછીએ કે ‘તમને પાણીપૂરી ભાવે?’ તો એ માણસ છેલ્લે પાણીપૂરી ક્યારે ખાધી, કોની સાથે ખાધી, કેટલી ખાધી, ક્યાં ખાધી, કેટલા રૂપિયાની નોટ આપી ને કેટલા રૂપિયા ફેરિયાભાઈએ પાછા આપ્યા જેવી બધી જ બાબતોનું આંખે દેખ્યું વર્ણન કરશે. આપણાથી ભૂલથીય જો પુછાઈ ગયું કે ‘અવાજ કેમ અલગ છે? કાંઈ થયું છે?’ તો સુપરફાસ્ટ એક્સપ્રેસની સ્પીડે એની દરેક તકલીફો વર્ણવી દેશે, જેમ કે છેલ્લે શું જમ્યા હતા, ડોક્ટરે શું કીધું, કેટલા દિવસની દવા આપી, અરે એનો કલર, સાઈઝ ને ટેસ્ટ પણ જણાવી દેશે. વળી રિપોર્ટ ખિસ્સામાં રાખી ફરે જેથી કોઈ પૂછે એટલે સીધી જ પેલી કેસેટ રિપીટ કર્યા રાખે. આપણને એવું થાય કે યાર આને ન પૂછ્યું હોત તો સારું.
ઓફિસમાં એક બહેનના આવા અતિ વાતોડિયા કહી શકાય એવા સ્વભાવથી સૌ કોઈ કંટાળી ગયા હતા. કામ ન કરે એટલું બોલ બોલ કરે. પોતાનામાં રહેલા ગુણો કોઈ ન પૂછે તોય પ્રદર્શિત કરે. પૂછ્યા વગર એની સાથે ઘટેલી ઘટનાઓ દરેક સમક્ષ ઠાલવ્યા કરે. વાતને એટલી મારીમચડીને રજૂ કરે કે મૂળ મુદ્દો તો સાઈડ આઉટ થઈ ગયો હોય. અરે, ઘણી વાર તો બીજા પોતાનું કામ ભૂલી જાય એટલી હદે બોલ્યા રાખે. લંચ ટાઈમે દરેક કલિગ્સ એનું પતાવીને ઊભા થઈ ગયા હોય, પણ આ બહેન અડધેય ન પહોંચ્યાં હોય. કોઈને અમુક વસ્તુ માફક નથી આવતી એવું જાણ્યા પછી પણ સતત આગ્રહ કરે. કોઈના પૂછ્યા વગર જ વણજોઈતી સલાહ આપ્યે રાખે. ઈવન એને કોઈ ટોનમાં સમજાવવાની કોશિશ કરે કે આટલું બધું ન બોલાય તોય એને કાંઈ ફેર પડે નહીં.
એક બહેન એના નજીકના સગાના આવા અતિ બોલકણા સ્વભાવથી ત્રસ્ત થઈ ગયેલા. એ હદે કે એની સાથેના તમામ સંબંધો પર પૂર્ણવિરામ મૂકવા પર ઊતરી આવેલા, પણ સંબંધ તોડી શકાય એમ નહોતો. દરેક શક્ય એટલા ઉપાયો કરી જોયા પણ બધું એળે ગયું. એટલે મગજને ૩૬૦૦ ઘુમાવીને બુદ્ધિનો જોરદાર ઉપયોગ કર્યો. પેલાં વાતોડિયણ બહેન સાથે જ્યારે પણ ડીલ કરવાની થાય ત્યારે એ બહેનની જેમ આ બહેને બોલવાનું ચાલુ કરી દીધું. નાનકડી વાતને એટલી ગોટાળે ચડાવે કે પેલાં બહેન સુન્ન થઈ જાય. બસ ત્યારનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. આ ઘટના સાંભળ્યા પછી મને એક બીજી ઘટના યાદ આવેલી. એક ભાઈને સૂએ ત્યાં સુધી ઈયર ફોન કાનમાં રાખવાની કુટેવ. કંઈક ને કંઈક સાંભળ્યા કરે. કોઈની વાતમાં ધ્યાન પણ ન આપે. એમનાં વાઈફ આનાથી બહુ કંટાળી ગયેલાં. એટલે મેં એમ જ મજાક ખાતર કહેલું કે ‘તમેય કાનમાં ઈયર ફોન લગાવવાનું ચાલુ કરી દો, પણ એ બંધ રાખવાના’. નવાઈની વાત એ કે એ ભાઈની કુટેવ તે પછી સાવ નીકળી ગયેલી.
એટલે ઘણી વાર ‘લોઢું લોઢાને કાપે’ અને ‘ઝેર ઝેરને મારે’ જેવી કહેવતો ખૂબ કામ કરી જાય. માટે જ કેટલીક સમસ્યાઓના નિવારણ માટે આપણે ખુદ સમસ્યારૂપ બનવું પડે. આ અને આના જેવા આપણી આસપાસ રહેલા આવા વ્યક્તિત્વનો સામનો ફરજિયાતપણે કરવાનો થાય ત્યારે ખરેખર આપણી સહનશક્તિની લિમિટ કેટલી છે એ મપાઈ જાય છે. એટલે સૌથી પહેલાં તો આવા લોકોથી શક્ય એટલું અંતર જાળવવું પડે. એની સાથે ફોર્મલ રિલેશન સિવાયની અભિવ્યક્તિ બિલકુલ ટાળવી જોઈએ. બીજું એ કે એને સતત ઇગ્નોર કરવાની શરૂઆત કરી દો. એ પણ સામૂહિક રીતે. એનાથીય જોઈએ એવો ફરક દેખાતો નથી તો જે લોકો પોતાની નકારાત્મક ઊર્જાનો શબ્દોનો મારો આપણી તરફ ફેંકે છે એના કરતાંય ડબલ સ્પીડથી જાત જાતની ને ભાત ભાતની કથાઓ કે વાર્તાઓ બનાવી સામે પક્ષે પ્રહાર કરવાનું ચાલુ કરી દો. એને બોલવાનો મોકો મળશે તો બોલશેને… બસ, આપણે એ મોકો જ નથી આપવાનો. આવી વ્યક્તિ આપણી પાસે આવી રહી છે એની જાણ થાય કે તરત જ મોબાઈલ કે પુસ્તક અથવા પોતાનું કામ લઈને બેસી જાઓ. શક્ય હોય તો માથું હલાવી હકાર અને નકારમાં જવાબ આપો. એ શક્ય ન હોય તો હમ્, ઓકે, જી જેવા શબ્દોમાં સાવ ટૂંકા જ જવાબ આપો. કેટલાક અંશે આવી સમસ્યા સોલ્વ થઈ જશે.
——-
ક્લાઇમેક્સ
અર્થ વગરનું અકારણે બોલીને તથા આપણને ડિમોટિવેશનનો આભાસ કરાવતા, શરીર અને મનની ઊર્જા વેડફતા લોકોને આપણાથી કાયમી ફરજમુક્ત કરી દેવા…

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.