Homeઉત્સવઆજે બોલવું છે

આજે બોલવું છે

આજે આટલું જ -શોભિત દેસાઈ

સૌપ્રથમ તો આ લેખ જે તમારી પાસે ૨૯ જાન્યુઆરીએ આવશે. ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના દિવસે જેમની હત્યા કરવામાં આવી એ મોહનદાસ કરમચંદ ગાંધી- ગાંધીજીને જુદા ત્રાજવે તોલતો લેખ છે, એ ભક્તો, ચાહકો, અનુયાયીઓ ખાસ ધ્યાનમાં લે અને હું શોભિત દેસાઇ જે માનું છું એ જ લખ્યું છે એ પણ… પણ પ્રચંડ ગાંધીજી જે બોલતા એ સૌપ્રથમ પોતે અમલમાં મૂકતા એ ગુણને અંજલિ આપતી બે પંક્તિઓ, એમના પછીના, આજના અને હવે પછીનો સમગ્ર નેતાવર્ણ અનુસરવાના હઠાગ્રહ સાથે મૂકું છું…
તું એકલો છે, બની જઇશ આખી સેના તું,
અશક્ત, રાંક પ્રજાઓનું બળ બની તો જો !
પણ થોડાક અપવાદોને બાદ કરતાં આવું કરવામાં સમાજવ્યવસ્થાનો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર પછીનો પાંચમો વર્ણ નેતાવર્ણ સરિયામ નિષ્ફળ ગયો છે, એ દુ:ખ તો છે જ. પણ ૬૭ વરસની કાળી રાત પછી પરોઢ થયું છે, એનો આશાવાદ પણ છે. એટલે આજે હત્યાના ૭૩મા નિર્વાણદિને મિશ્રભાવ સાથે એટલું જ કહેવું છે કે …
ગાંધી! તું સરિયામ નિષ્ફળ નીવડયો…
ફક્ત તું અપવાદ છે, વ્યાપક નથી.
હવે… બધું જ ગાંધીને જુદા ત્રાજવે તોલવામાંથી આવવાનું છે એ ચેતવણી સાથે આગળ વાંચવું.
તો સૌપ્રથમ તો અહિંસા અને એ પણ નિર્વીર્યતાથી ભરેલી અહિંસા તો હિંસાનો જ એક અલગ પ્રકાર છે. અને મારા અને આપણા હિંદુ ધર્મમાં એનો કશે ય કશો બોધ નથી કરાયો. રામ રાવણ વધ માટે અને કૃષ્ણ કંસસંહાર માટે શસ્ત્રબદ્ધ થયા જ હતા, પરશુરામે અમુક કારણોસર હિંસા આચરી જ હતી. બીજા કેટલા દાખલા આપું?! મારા અંગત મંતવ્ય અનુસાર અંગ્રેજો સુભાષ બોઝના યુદ્ધટંકારથી અને અલગતાગ્રસ્ત હિંદુઓ/ભારતીયોની એકત્ર થવા વિકસતી માનસિકતાથી ગભરાઇ ગયા હતા. એમને મોટો ડર એ પેસી ગયો હતો કે ક્યાંક આ ૨૫-૩૦ કરોડની જનતા જાગીને એમને અને એમના દેશને છિન્નભિન્ન ન કરી નાખે. લૂંટેલા ખજાનાઓ પાછા ન ખૂંચવી લે, માટે એમણે પેલા લંપટ, લાલચુ, લોલુપ ગુજરાતી જયચંદ ઝીણાને સાધ્યો, એને ગાંધી દ્વારા બિનજરૂરી, અમર્યાદ મહત્ત્વ અપાવડાવ્યું અને દેશ તોડી નાખ્યો. વિશ્ર્વસત્તા બની શકે એવા દેશમાંથી કાયમનું તરભાણું લઇને ભીખ માગતી બે કંગાલિયત ઊભી કરી દીધી, આટલી બધી કુદરતી સંપત્તિ થોડાક જ ચાંચિયા હજમ કરી શકે એવી કુવ્યવસ્થાનું નિર્માણ થયું અને આનું ‘શ્રેય’ જાય છે… જી હા… ગાંધીને. આ એ જ અહિંસા છે જે ૧૯૭૩માં દુષ્યંતકુમારને આવું લખતાં પ્રેરે છે કે
ન હો કમીઝ તો પાંવો સે પેટ ઢક લેંગે
યે લોગ કીતને મુનાસિબ હૈં, ઇસ સફર કે લીયે!
હિન્દુસ્તાન ! તારો જય હો. ખમીસ ન હોય તો પગથી પેટ ઢાંકી સૂઇ જાય એવા લોકો તને પ્રજા તરીકે મળ્યા છે. ક્રાંતિનું એલાન કરવાની ખુદની અમાપ શક્તિથી સાવ અજાણ્યા એવા ચેતનાવિહીન સહનશીલ, અહિંસક લોકો… જય ગાંધી…
અને અહિંસામાં માનનારો ક્યારેય ઉપવાસ કરી શકે? ઉપવાસ એ તો અહમનો અત્યંત મુત્સદ્ીગિરીસભર વિસ્તાર છે. હમણાં જ મેં મારા નાનાભાઇની પત્નીને કહ્યું હતું કે જે દિવસે એને ઉપવાસની ઇચ્છા થાય એ ‘ટંક’ પૂરતા એણે ૧૦ ભૂખ્યાને જમાડી લેવા. આંતરડી ઠાર્યાનું મોટું પુણ્ય જો એ હોય તો એના ચોપડે જમા થાય કે નહીં એ મુદ્દો જ જવા દઇએ… ૧૦ તૃપ્ત શરીરોમાં બેઠેલો એ તમને વંદન કરશે. કામ કરવું તો એવું કે એ આપણને વંદન કરે… આપણે શું એને વંદન કરવાના?! ઉપવાસ કરીને… વાત આગળ વધારીને કહું કે ઉપવાસ અને એ પણ માંગપૂર્તિ સાથેનો તો બહુ મોટી હિંસા છે, ખુદની. અંગે્રજીમાં બે સરસ શબ્દો છે. ૧) જઅઉઉઈંજઝ એટલે પરપીડન અને ૨) ખઅજઘઈઇંઈંજઝ અટલે આત્મપીડન. પીડન બન્નેમાં છે એટલે જ આત્મપીડન એ હિંસા જ છે, ખુદની… અને જો એમ હોય તો પછી કોઇ પણ, અહિંસાના સમર્થક હોવાનો દાવો કઇ રીતે કરી શકે?!
મારા ઉપર ભાવવધારાના બોજ લદાતા ગયા… હું કૈં ના બોલ્યો. મારા ઉપર સીધી/આડકતરી તકલીફોના ડુંગર ચણાતા જ ગયા… હું કૈં ના બોલ્યો. મને ભોળવીને મારી માનસિકતા ઉપર અનૈતિક વિચારધારાઓના ઝંડા ખોદાતા જ ગયાં… હું કૈં ના બોલ્યો. મને સતત ભોળવી મારું સત્ત્વ છીનવી લેવાતું જ ગયું… હું કૈં ના બોલ્યો. મારી નિર્વીર્યતાની જાહેર હરાજી બોલાવાતી જ ગઇ… હું કૈં ના બોલ્યો.
કારણ??? મેં ૨ ઑક્ટોબર,૧૮૬૯ના દિવસે જન્મેલા અવતારપુરુષ દ્વારા સૂચવાયેલી-અનુસરાયેલી જીવનશૈલી અપનાવી છે.
હજી તો ૨-૩ રવિવાર ઊજવવાના છે આપણે આ મુદ્દે… પણ આજે, આટલું જ …

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular