આજે આટલું જ -શોભિત દેસાઈ
બાકી ગુજરાતી કવિઓએ પરમપૂજ્ય બાપુને ચરણે શબ્દોના પ્રસાદ ઓછા નથી ધર્યા…
“હસમુખ પાઠક ગાંધીજીના મરણોત્તર ‘રાજઘાટ પર’ ટહુક્યા જ છે…
આટલાં ફૂલો નીચે
ને
આટલો લાંબો સમય
ગાંધી
કદી સૂતા નથી
ગોળમેજી પરિષદ પહેલા મહાસમર્થ ‘ઝવેરચંદ મેઘાણી’એ બાપુને કાલાવાલા ધર્યા જ હતા…
છેલ્લો કટોરો ઝેરનો આ: પી જજો, બાપુ!
સાગર પીનારા! અંજલિ નવ ઢોળજો, બાપુ!
અણખૂટ વિશ્ર્વાસે વહ્યું જીવન તમારું:
ધૂર્તો-દગલબાજો થકી પડિયું પનારું:
શત્રુ તણે ખોળે ઢળી, સુખથી સૂનારું:
આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ!
કાપે ભલે ગર્દન! રિપુ-મન માપવું, બાપુ!
સુર-અસુરના નવયુગી ઉદધિ-વલોણે,
શી છે ગતાગમ રત્નના કામી જનોને?
તું વિના, શંભુ! કોણ પીશે ઝેર દોણે!
હૈયા લગી ગળવા ગરલ ઝટ જાઓ રે, બાપુ!
ઓ સૌમ્ય-રૌદ્ર! કરાલ-કોમલ! જાઓ રે, બાપુ!
કહેશે જગત: જોગી પણા શું જોગ ખૂટ્યા?
દરિયા ગયા શોષાઈ? શું ઘન-નીર ખૂટ્યાં?
શું આભ સૂરજ-ચંદ્રમાનાં તેલ ખૂટ્યાં?
દેખી અમારા દુ:ખ નવ અટકી જજો, બાપુ!
સહિયું ઘણું, સહીશું વધુ: નવ થડકજો, બાપુ!
ચાબુક, જપ્તી, દંડ, ડંડા મારના,
જીવતાં કબ્રસ્તાન કારાગારનાં,
થોડાઘણાં છંટકાવ ગોળીબારના-
એ તો બધાંય જરી ગયાં, કોઠે પડ્યાં, બાપુ!
ફૂલ સમાં અમ હૈડાં તમે લોઢે ઘડ્યાં, બાપુ!
શું થયું – ત્યાંથી ઢીંગલું લાવો-ન લાવો!
બોસા દઈશું – ભલે ખાલી હાથ આવો!
રોપશું તારે કંઠ રસબસતી ભુજાઓ!
દુનિયા તણે મોંયે જરી જઈ આવજો, બાપુ!
હમદર્દીના સંદેશડા દઈ આવજો બાપુ!
જગ મારશે મે’ણાં: ન આવ્યો આત્મજ્ઞાની!
ના’વ્યો ગુમાની – પોલ પોતાની પિછાની!
જગપ્રેમી જોયો! દાઝ દુનિયાની ન જાણી!
આજાર માનવ-જાત આકુલ થઈ રહી, બાપુ!
તારી તબીબી કાજ એ તલખી રહી, બાપુ!
જા, બાપ! માતા આખલાને નાથવાને,
જા વિશ્ર્વહત્યા ઉપરે જળ છાંટવાને,
જા સાત સાગર પાર સેતુ બાંધવાને-
ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ!
વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ!
ચાલ્યો જજે! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ!
છેલ્લો કટોરો ઝેરનો પી આવજે. બાપુ!
અને પ્રાંત:સ્મરણીય રમેશ પારેખ તો કંઈ નવા જ અંદાજમાં બાપુની વિચારધારાને ઝગમગાવે છે…
ગાંધીજીની છબીવાળી ટપાલટિકિટની પછવાડે
મેં જીભથી થૂંક લગાડ્યું તો ટિકિટમાંથી ગાંધીજી સફાળા બોલ્યા:
‘અરે, અરે! પાણીને બદલે થૂંક?’
‘ઓહો, બાપુ આ તમે બોલ્યા?
આટલા વર્ષે?’ મેં પૂછ્યું.
‘ગોબરા, ટિકિટ ચોડવા પાણી કેમ ન વાપર્યું?’ બાપુએ પૂછ્યુું.
‘પાણી કેવી રીતે વાપરું, બાપુ!
અહીં ખાદીની ને ગાદીની છત છે,
પણ પાણીની અછત છે.
અહીં ભલભલી મૂછોનાં પાણીયે સુકાઈ ગયાં છે.
લોકો પાણીની અવેજીમાં
થૂંક વાપરીને
લાખો ગેલન પાણીની બચત કરે છે.’ મેં બચાવ કર્યો.
‘તારાં વચનોમાં
ટિસ્યુ-સંસ્કૃતિની ગંધ આવે છે, ગોબરા!
લાપસીમાં ઘી નખાય, ઘાસલેટ નહીં.’ બાપુ તાડૂક્યા.
‘તમે મને ગોબરો કહો છો, પણ બાપુ!
પેલા ટપાલખાતાવાળા તમારી છબી પર
રદ્દીકરણનાં થપ્પા ઠોકીને તમારું મોં કાળું કરે છે,
એનું કંઈ નહીં?’ મેં નમ્રપણે કહ્યું.
‘દીકરા, એ તો મારા પ્રિય દેશવાસીઓ
મારું મોં કાળું કરવા સુધીની આઝાદી ભોગવી રહ્યા છે-
તેની જાહેરાત છે! વાસ્તવમાં ટપાલખાતું તો મારું
બ્યુટીપાર્લર છે, જ્યા મારા ચહેરાની બ્યુટીટ્રીટમેન્ટ થાય છે!’
બાપુએ ડિસ્કો-હાસ્ય કર્યું.
‘બાપુ, વાતને આમ હસવામાં કાઢી નાખો મા.’ મેં નારાજીથી કહ્યું.
‘ભાઈ, હસવું બસ. જ્યારે કલેશનો ઉપાય ન જડે
ત્યારે બધું હસી કાઢવું.’ બાપુ ગંભીર થઈ ગયા. બોલ્યા:
‘જો રોજરોજ સંદેશાની રાહ જોતાં પ્રેમીજનોને, સીમાડાની
રક્ષા કરતા જવાનોની માતાઓને, બહેનોને, પત્નીઓને,
સંતાનવિયોગે ઝૂરતાં મા-બાપોને હું સુખની ચબરખીઓ વહેચું છું-
ટપાલટિકિટમાં બેસીને.
મારા મૃત્યુ પછી પણ મારું જીવનકાર્ય – મનુષ્યને
મનુષ્ય સાથે જોડવાનું – અટક્યું નથી.
મારા મોં ઉપર પડતા રદ્દીકરણના કાળા થપ્પાઓ તો
કાળાં કાળાં ચુંબનો છે, મારા વહાલીડાઓનાં!
મારા યત્કિંચિત સેવાનો બદલો!’ બાપુએ વ્હાલથી
મારી પીઠે હાથ પસવારતાં કહ્યું:
‘તું પણ આમાંથી કંઈક શીખ, ભાઈ!’
આજે આટલું જ…