Homeધર્મતેજસમસ્ત વિશ્ર્વના તાપ અને સંતાપને દૂર કરવા અનંત કાળથી ગંગા અવિરત વહી...

સમસ્ત વિશ્ર્વના તાપ અને સંતાપને દૂર કરવા અનંત કાળથી ગંગા અવિરત વહી રહી છે

જૈન સાધુની હિમાલય યાત્રા  -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી મ.સા.

ગુરુદ્વારા (ગંગાકિનારે)
વૈ.સુ. ૬, શનિવાર તા. ૨૧-૪-૨૦૧૮
સૂરજના સોનલ વરણાં કિરણો કાળાં ધોળાં વાદળાઓમાંથી ચળાઈને ધરતી પર ગંગા-જમની ઝાંય પ્રગટાવી રહ્યા હતા. વરસાદી વાતાવરણમાં સૂરજ સુવર્ણરજને પ્રસરાવવા પ્રયત્ન કરી રહ્યો છે. સવાર સરસ છે. લગભગ સૂર્યોદય સમયે નીકળ્યા છીએ. વહેલા અંધારામાં નીકળવાનું કોઈ કારણ નથી. નથી કોઈને નવકારશી વાપરવાની કે નથી કોઈની ચા ઠંડી થતી. નથી લાંબો વિહાર કે નથી ગરમી. બસ અલગારી યાત્રામાં અંધારું શા માટે આડે આવે? પરમાત્માની આજ્ઞાના પાલનમાં અદ્ભુત આનંદ છે. સવારની નવપલ્લવિત નિર્દોષ શ્રુષ્ટિ મનને સ્વસ્થ કરવા સમર્થ બને. અમે પ્રાત: વેળામાં આગળ વધ્યા નહેરને કિનારે કિનારે. નહેર’ય કઈ નાની ન હતી. નદી જ જોઈ લો. થોડું થોડું પાણી વહેતું’તું. ચિત્રવિચિત્ર વનસ્પતિઓ પહેલીવાર જોવા મળી હતી. ૬ કિ.મી. ચાલ્યા ત્યાં મુજફફરનગર-બિજનોર હાઈવે આવ્યો, ત્યાંથી ૨ કિ.મી. આગળ ચાલ્યા ત્યાં તો ‘ગંગા…’!!!
ઓ હો હો હો… ગંગા
હા… ગંગા
ગંગા અમારી સામે હતી આંખો માનવા માટે તૈયાર નથી.
આ પુણ્યવતી પાવન મંદાકિની નજરની સામે છે. અમે ગંગા કિનારે છીએ, ધવલધારાને વહન કરનારી પતિતપાવની ભાગીરથી અસંખ્ય વર્ષોથી આ ધરતીનાં માનવોને પાવન કરી રહી છે.
આ એ જ ગંગા છે અષ્ટાપદની પ્રદક્ષિણા દઈ… પગ પખાળી…
સમસ્ત વિશ્ર્વના તાપ સંતાપને દૂર કરવા અસંખ્યકાળથી અવિરત વહી રહી છે.
આ એ જ ગંગા છે.
જેની પુલીંદ રજકણમાં વીર પ્રભુનાં પગલાની છાપ હજું ક્યાંક સચવાઈ રહી હશે.
આ એ જ ગંગા છે જેમાં અર્ણિકાપુત્ર આચાર્યના રોમરોમમાંથી નીકળતા કરુણાના પુદ્ગલો આજે પણ સ્ફુરાયમાન છે.
આ એજ ગંગા છે. જેણે ગાંગેય દેવવ્રત
ભીષ્મપિતામહ જેવા મહાપુરુષની ભેટ આ આર્યાવર્તાને આપેલી છે.
હજુ તો ઘણું છે પણ કેટલું લખવું સમસ્ત ભારતવર્ષનો ઈતિહાસ ગંગાના ઉપકારોથી ભર્યો ભાદર્યો છે.
ઓ ગંગા! તને લાખ લાખ નમસ્કાર કારણ કે તારી જ ગોદમાં શાંતિનાથ, અરનાથ, કુંથુનાથ, પાંચ પાંડવો, શ્રી કૃષ્ણ જેવા મહામાનવો રમ્યા છે. ઉછર્યા છે અને વિશ્ર્વમાં ઉત્તમ આદર્શોની સ્થાપના કરી છે. ધન્ય ગંગા ધન્ય ગંગાજળ, જુઓ ગંગા અમારી સામે જ છે. કેટલાંય વર્ષો પહેલા વારાણસી-ઇલાહાબાદમાં આ મંદાકિનીને જોઇ હતી. લગભગ ૨૦ વર્ષ પછી અહીં મળી, એ પણ આવા ભવ્ય સ્વરૂપે. ધવલધારા વાહિની પુણ્યસલીલા ગંગા જોઇ જોઇને આંખો ધરાત નથી. છેક હિમાલય ઉપરથી ૩૦૦-૩૫૦ કિ. મી. નાચતી કૂદતી ઊતરતી અહીં પહોંચી છે અને હજુ લગભગ ૨૦૦૦ કિ. મી. નો પ્રવાસ આગળ બાકી છે. સ્વર્ગની ગંગા તો કેવી હશે ખબર નથી પણ આ ધરતીની ગંગાએ તો ધરતી પર સ્વર્ગ ઊભું કર્યું છે. ગંગા ઉપર ૧ કિ.મી. લાંબો પુલ છે. પ્રદૂષણરહિત ગંગાના કાંચ જેવા લીલાછમ જળ, જળ નથી પણ અમૃત છે.
આર્યાવર્તની મમતા ગંગાસ્વરૂપે વહી રહી છે. ગંગાની તરંગભંગીમાને મન ભરીને માણી પણ આ વિશાલ પુણ્યસલીલા નાનકડા મનમાં કયા પ્રતિષ્ઠિત થાય. અમે તો આગળ વધ્યા ગંગાના કિનારે કિનારે આગળ કોઇ ગામ આવશે તો રોકાઇ જઇશું, કંઇક તો આવશે. શરૂઆતમાં તો રોડ સારો હતો પછી તો ઊબડ-ખાબડ, ખાડા ટેકરા, પથરાવાળો રસ્તો ચાલુ થઇ ગયો. જે હોય તે ગંગા અમારી સાથે હતી. એનો કલકલનાદ અનાહતનાદની ગરજ સારતો હતો. જેમ જેમ આગળ વધતા હતા તેમ તેમ નદીનો પટ મોટો થતો હતો. એક જગ્યાએ તો નદીનો પટ લગભગ ૬ કિ.મી. પહોળો થઇ ગયો. આખી ગંગા જળ ભરેલી હોય સાગર લાગે. જાણે ગંગાસાગર. અહીં આટલી મોટી છે તો આગળ કેટલી મોટી હશે? માત્ર કલ્પના કરવી રહી.
રસ્તામાં મળતા પથિકને આગળનું ગામ પૂછ્યું તો ૧૦ કિ.મી. રાવલી ગામ છે એવું જાણ્યું. આગળ ચાલ્યા લગભગ ૬ કિ. મી. ચાલ્યા હતા. ૪ કિ.મી બાકી હતું. હવે કોઇથી ચાલી શકાય તેવું ન હતું. રોડનો કાંકરીચાળો વધી ગયો હતો. રસ્તામાં એક ગુરુદ્વારા આવ્યું, એમાં જ અમે તો રોકાઇ ગયા. સામે ગંગા, ગંગાકિનારે અમારું સ્થાન. ન્યાય ભણતા ત્યારે ‘ગંગાયા ઘોષ:’ સાંભળેલું. બસ અમે આજે એ ‘ઘોષ’માં જ હતા.ગંગા કાંઠે શીખનું ગુરુદ્વારા એકલુંઅટુલું ઊભું હતું. એક બાજુ શેરડીનાં ખેતરો, બીજી બાજુ ગંગાકાઠે પોપુલરવૃક્ષની હારમાળા અને એની પાછળ ગંગા. આખો દિવસ આનંદ-આનંદ વ્યાપ્યો. લાભુભાઇ ૨ કિ. મી. ગામમાંથી દૂધ અને કાચા પૌંઆ લઇ આવ્યા. એકાસણા થઇ ગયા. સાંજે તો ગંગાની રેતીમાં જ ચાલવાનું થયું? કાંકરીયા રોડ પર કોણ ચાલે? ધવલવેળુ ખૂબ સરસ હતી. સફેદ દૂધ જેવી રેતીમાં અબરખના ઝીણા ઝીણા કણ અનેરી આભા ઉપસાવતા હતા. એક જગ્યાએ તો અમે ગંગા કાઠે અડધો કલાક બેઠા કલકલનાદની સાથે અનાહતને એકાત્મગત કરવાનો ઉપાય ખૂબ સરસ લાગ્યો. સફેદ દૂધ જેવા નિર્મળ જળમાં આટલું આકર્ષણ કેમ હશે? ખબર નથી.
આદિશ્ર્વરદાદાની ચરણધુલીમિશ્રિત પુણ્યવતી ધરતી આજે અમને આકર્ષિત કરી રહી છે. એમાં આશ્ર્ચર્ય શું? આદિશ્ર્વરદાદાએ જ તો અમને અહીં બોલાવ્યા છે. નીકળ્યા હતા તો દક્ષિણ જવા અને આજે ઉત્તરાંચલમાં ગંગાકિનારે બેઠા છીએ. કોણે વિચારેલું કે આટલા જલદી અહીં પહોંચીશું? પ્રભુ! અમે છેક હિમાલય સુધી આપને ભેટવા આવી રહ્યા છીએ. વ્હાલા! જો આપની કૃપા થાય તો અષ્ટાપદના દર્શનની ભાવના પણ આત્માના પ્રદેશે પ્રદેશે વ્યાપી છે. હવે તો અષ્ટાપદ અહીંથી દૂર નથી, ઘણા નજીક પહોંચી ગયા છીએ. કદાચ કંઇક અણસાર મળે… માર્ગ મળે…થોડોક ઇશારો મળે… એ ભાવના પૂરી થાય તો અમને પહોંચતા વાર નહીં લાગે વિભુ!
સાંજે ૪ કિ. મી. ચાલવાનું હતું. સહેજાદાપુર પહોંચ્યા ત્યાં પહેલાથી જ ઘનશ્યામસિંહ કરીને એક ભાઇ વ્યવસ્થા માટે તૈયાર હતા. અમે પહોંચ્યા તે પહેલા જ તેમને સમાચાર મળી ગયા. અમારા માટે આવાસ અને ભોજનની વ્યવસ્થામાં લાગી ગયા. ખરેખર આશ્ર્ચર્ય લાગે, અમે જે રસ્તો લીધો છે એ રસ્તે હજુ સુધી કોઇ સાધુ-સાધ્વી પધાર્યા નથી. નદી કાંઠે ચાલવા માટે સારો રોડ પણ નથી અને રસ્તો બતાવનાર વ્યવસ્થાપકો પણ આ રસ્તો બતાવતા નથી. તેઓ કોઇ પણ સાધુ-સાધ્વી આવે તો હાઇવે રોડ પરથી જ ચલાવે, ભલે ૫૦ કિ.મી. વધારે ચાલવું પડે પણ વ્યવસ્થા તો થઇ જાય. પણ અમારા માટે અહીં પણ સરસ અનુકૂળતા ગોઠવાઇ ગઇ. સાંજે ભોજનની તૈયારી ચાલતી હતી. ઘનશ્યામભાઇ અમને મળવા આવ્યા. અમને પૂછયું, ‘મહારાજ’ ભોજનમાં શું ચાલશે? અમે કહ્યું અમે સાંજે ભોજન કરતા નથી.
અમારે તો બપોરે એક વાર જ ભોજન કરવાનું વ્રત છે. સાંજે પાણી સિવાય દૂધ, ફળ-ફ્રૂટ કે ભોજન કંઇ લેવાય નહીં. તેમણે ઘણો આગ્રહ કર્યો, દૂધ લેવા માટે ઘણી વિનંતી કરી પણ એ શક્ય બન્યું નહીં, છેવટે કલ્પને જમવા મોકલ્યો.
પ્રતિક્રમણ પછી પાછા તે ભાઇ આવ્યા. જૈન સાધુનો પરિચય પૂછ્યો, વારંવાર વિનંતી કરી કે “પ્રભુ ! પાછા પધારજો. અમારા ગામમાંથી કંઇ જ આહાર પાણી લીધા વિના આ રીતે ચાલ્યા જાવ તે અમારા ગામનું દુર્ભાગ્ય કહેવાય. પાછા પધારીને જરૂર અમારા ઉપર ઉપકાર કરજો. આપના જેવા મહાત્માના આશીર્વાદ મળશે તો અમારા જીવનમાં સુખશાંતિ રહેશે.
અમે પણ અહિંસા ધર્મની વાત કરી. પરોપકાર ભાવના વધુ તેજસ્વી બને એવા બે શબ્દો કહી વિદાય કર્યા. જૈન સાધુ આ ધરતી પર પધારે તો ઘણો મોટો ઉપકાર થઇ શકે તેમ છે.
અમે હમણાં તો ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડની સીમા પ્રદેશમાં વિચરણ કરી રહ્યા છીએ. અહીં જુદી જાતની હિન્દી બોલાય છે. સમજવા માટે બે મિનિટ અટકવું પડે કેટલાક શબ્દોનો ધ્વનિ જુદી રીતે બોલાય તો કેટલાક શબ્દોના કાના માત્રા બદલીને બોલાય, મજા આવે. (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular