Homeમેટિનીબાળકો માટેનાં નાટક અને ફિલ્મ બનાવવી છે એક્શન ફિલ્મ પણ કરવાની ઇચ્છા...

બાળકો માટેનાં નાટક અને ફિલ્મ બનાવવી છે એક્શન ફિલ્મ પણ કરવાની ઇચ્છા છે: પ્રતીક ગાંધી

મુલાકાત -અમિત આચાર્ય

અભિનેતા પ્રતીક ગાંધી વૅબ સિરીઝ ‘સ્કેમ ૧૯૯૨: ધ હર્ષદ મહેતા સ્ટોરી’માં શીર્ષક ભૂમિકા ભજવીને ઘરે-ઘરે જાણીતું નામ બની ગયો છે, પરંતુ તેને આ સફળતા રાતો રાત મળી નથી. શિક્ષક પિતાનો પુત્ર પ્રતીક ગાંધી ૨૦૦૪માં અભિનેતા બનવા માટે મુંબઈ આવ્યો હતો.
મુંબઇ આવ્યા પછી ત્રણ મહિના સુધી તેમના પિતરાઈ ભાઈ સાથે રહ્યો હતો. ત્યાર બાદ ગાંધીએ વિલે પાર્લે (પૂર્વ)માં જૂની હાઉસિંગ સોસાયટીમાં એક નાનું ઘર ભાડે લીધું. વધારાના ખર્ચ તરીકે પાંસઠસો રૂપિયાના માસિક ભાડાં સાથે.
અભિનય ક્ષેત્રે કામ મળે એવી તકની રાહ જોવી પોસાય તેમ ન હતી. તેથી થિયેટરમાં કામ મળવાની આશાને જીવંત રાખીને તેણે નોકરીની જાહેરાતો માટે અખબારો સ્કેન કરવાનું શરૂ કર્યું. નવા સ્નાતકો સહિત ઔદ્યોગિક અને ઉત્પાદન ઇજનેરો માટે ખાલી જગ્યા જોયા પછી તેણે નેશનલ પ્રોડકટીવિટી કાઉન્સિલ (એનપીસી) ને ઈમેલ કર્યો, પરંતુ એ વખતે ડાયલ-અપ ઈન્ટરનેટના દિવસોમાં ઇમેલ બે વાર બાઉન્સ થઈ ગયો.
જો કે, ત્રીજી વખત તે નસીબદાર રહ્યો અને તેણે કંપની માટે ફ્રીલાન્સ પ્રોજેક્ટ મેળવ્યા હતા. તેણે નાટ્યજગતમાં વર્ષો સુધી કામ કર્યું છે.
જ્યારે તેની પાસે કોર્પોરેટ કંપનીમાં નોકરી હતી, ત્યારે તેને ગુજરાતી ફિલ્મમાં પ્રથમ બ્રેક મળ્યો હતો. તેણે એ ફિલ્મમાં કામ કરવા માટે કંપનીમાંથી બાવીસ દિવસની રજા પણ લીધી હતી. ફિલ્મ હિટ થયા બાદ પણ એણે નોકરી છોડી ન હતી. ત્યાર બાદ અભિનય ક્ષેત્રે જ કારકિર્દી બનાવવા માટે વર્ષે પચીસ લાખના પગારની નોકરી છોડી દીધી હતી. તેણે ‘મુંબઇ સમાચાર’ સાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે ‘મેં હજુ સુધી એક્શન ફિલ્મ નથી કરી તો એ મારે કરવી છે અને બાળકો માટે બાળનાટક કરવા છે.’ તેની હાલમાં જ રજૂ થયેલી ગુજરાતી ફિલ્મ ‘વ્હાલમ જાઓને’ને ક્રિટિક્સોએ અને પ્રેક્ષકોએ ખૂબ જ
વખાણી છે.
‘વ્હાલમ જાઓ રે’ ગુજરાતી ફિલ્મ વિશે
આ ફિલ્મ ‘કોમેડી ઓફ એરર’ વિષય પર આધારિત વાર્તા છે. આ ફિલ્મમાં મારી સાથે ટિકુ તલસાણીયા, સંજય ગોરડિયા, કેવિન દવે, ઓજસ રાવલ, જયેશ મોરે જેવા કોમેડી જોનરના દિગ્ગજ કલાકારો અને મારી સહ-અભિનેત્રીમાં દિક્ષા જોશી છે. આ એક સિચ્યુએશનલ કોમેડી ફિલ્મ છે. આપણને બધાને એક ખૂબ જ ખરાબ આદત છે કે આપણે આપણા ભૂતકાળને વર્તમાનમાં લઇ આવીએ છીએ અને ભવિષ્ય સુધી ક્યારેય પહોંચી જ નથી શકતા. આ વાતને ફિલ્મ ‘વ્હાલમ જાઓ રે’માં રમૂજી રીતે રજૂ કરવામાં આવી છે.
ગુજરાતી ફિલ્મોને બહોળા પ્રમાણમાં પ્રેક્ષકવર્ગ હજી પણ મળતો નથી?
ગુજરાતી ફિલ્મોને બહોળા પ્રમાણમાં પ્રેક્ષકવર્ગ હજી પણ મળતો નથી. એનાં ઘણાં બધાં કારણો છે. બહુ જ અદ્ભુત ફિલ્મ બની હોય અને પ્રેક્ષકવર્ગ એ જોવા નથી ગયો એવું પણ બન્યું નથી. બધો જ વાંક પ્રેક્ષકોનો છે એવું કહેવું પણ સાચું નથી. હાલમાં પ્રેક્ષકોને જોવા માટે એટલું બધુ ક્ધટેન હાજર છે કે એમને ઘરેથી થિયેટર સુધી ખેંચી લાવવા માટે વાર્તા અને માવજત પણ અદ્ભુત હોવી જોઇએ. જો કે, સારી ફિલ્મો માટે હવે પ્રેક્ષકો પાછા થિયેટરો તરફ વળ્યાં છે ખરા. એની સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે છેલ્લાં બે વર્ષમાં આપણને બધાને ઘરે બેસીની ફિલ્મો જોવાની આદત પડી ગઇ છે. ઓટીટી પ્લેટફોર્મ પર બધી જ ફિલ્મો રજૂ થઇ જ જાય છે, એના કારણે પ્રેક્ષકો માટે ફિલ્મો થિયેટરમાં જ જોવી એવી જિજ્ઞાસા ખતમ થઇ ગઇ છે.
ફિલ્મ થિયેટરમાંથી ઊતરી જાય એ પહેલાં જોવા જવું એવી માનસિકતા હવે રહી નથી, કારણ કે એમને ખબર જ છે કે ફિલ્મ મોડી-વહેલી ઓટીટી પ્લેટફોર્મ પર આવી જ જવાની છે.
પાત્ર ભજવવાની ઇચ્છા
મેં હજુ સુધી કોઇ મારધાડવાળી (એક્શન) ફિલ્મ કરી નથી. તો મારે એવી ફિલ્મ કરવી છે. પહેલાં મને લાગતુ હતું કે મારે અમુક પ્રકારનાં પાત્રો ભજવવાં છે, પરંતુ એ શક્ય બનતું નહોતું. જો કે, હવે ભગવાનની કૃપાથી ઘણા બધા નિર્માતા-દિગ્દર્શકો ફિલ્મોમાં નવા-નવા પ્રયોગો કરતા થઇ ગયા છે. મારા સદ્નસીબે મને ગુજરાતી અને હિન્દી ફિલ્મો તથા વૅબ સીરિઝમાં અલગ- અલગ પાત્રો ભજવવાની તક મળી છે.
નાટકોમાં તો હું નવાં નવાં પાત્રો ભજવતો જ રહું છું. નવા વિષયો સાથેના શૉ પણ થઇ રહ્યા છે, પરંતુ ઘણાં વર્ષોથી કોઇ સારાં બાળનાટકો ભજવાયાં નથી. તો મારી બહુ ઇચ્છા છે કે એવાં નાટકો ભજવાય, જેમાં બાળકોને ખૂબ જ મજા પડે. બહુ જ સારી સારી વાર્તા એમના સુધી પહોંચે. હું નાનો હતો ત્યારે છકો-મકો, અડુકિયો-દડુકિયો સહિત ઘણાં હિન્દી બાળનાટકો પણ ભજવાતાં હતાં અને તે અમે
જોતા હતા.
ઘણા વર્ષોથી સારાં બાળનાટકો ક્યાંય ભજવાયાં નથી. બધુ જ અંગુઠાના ટેરવા પર ચાલે છે. બાળકોને માટે લાઇવ ફિલ એક્સક્લુઝિવ થઇ ગઇ છે. જો એમને અલગ-અલગ વિષયોવાળા નાટક બતાવવામાં
આવે તો, એમને જરૂરથી ગમશે એવો મને વિશ્ર્વાસ છે. હું પણ સારા વિષયની શોધમાં છું, જેના પરથી સારું બાળનાટક બની શકે.
આગામી ફિલ્મો
મારી આગામી હિન્દી ફિલ્મમાં ખુશાલી કુમાર સાથેની ‘દેઢ બીઘા જમીન’ રજૂઆત માટે તૈયાર છે. તાપસી પન્નુ સાથે ‘વો લડકી હૈ કહાં’ અને વિદ્યા બાલન સાથેની એક ફિલ્મ બનીને તૈયાર છે. એનું નામકરણ હજી થયું નથી. જે ટૂંક સમયમાં રજૂ થઇ શકે છે. આ બધી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. એમાંથી કઇ ફિલ્મ પહેલાં રજૂ થશે એ મને પણ ખબર નથી.

RELATED ARTICLES

Most Popular