વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ
સરદાર હરિસિંહ નલવા વિશે સાંભળતા, વાંચતા અને જાણતા આશ્ર્ચર્ય થાય કે આ હીરો કેમ ભૂતકાળની ભૂતાવળમાં જ રહી ગયો અને સાવ ભૂલાઈ ગયો. નલવાની પ્રશસ્તિમાં કાદિર બકશ ઉર્ફે કદરયાર, હરિસિંહ મિશ્રા અને રામ દયાલ સહિતના કવિઓએ ૧૯મી સદીમાં ખૂબ લખ્યું છે પણ આ નામને લોકમાનસ અને લોકજીભે અમર રાખવામાં આપણે નિષ્ફળ રહ્યા.
નલવાના એક પરાક્રમ જાણીએ તો બીજાને ભૂલી જઈએ અને બીજાને વાચીએ તો? મુંઘેરની શૌર્યભરી કમાલમાં આગળ વધીએ. ઇ. સ. ૧૮૨૧ની ૧૯મી ડિસેમ્બરે મુંઘેર કિલ્લાનો દરવાજો તોપગોળાથી જમીનદોસ્ત કરાવીને હરિસિંહ અંદર ઘૂસી ગયા.
મુંઘેરના નવાબ હાફિઝ અહમન ખાન માટે આ મોટો આંચકો હતો, પરંતુ પાંચ હજાર પઠાણ સૈનિકોની તાકાતના જોરે જીતી જવાનો ઘમંડ હતો મનમાં, પરંતુ ખાલસા સૈનિકોની વીરતા, કાબેલિયત અને ફના થઈ જવાની તત્પરતા સામે ઘમંડ તૂટવા માંડ્યો. પઠાણો મૂળા-ગાજરની જેમ કપાવા માંડ્યા હતા. યુદ્ધ સૈનિકોની સંખ્યા કે શસ્ત્ર-દારૂગોળાથી લડાતા-જીતાતા નથી એ સાબિત થતું જોઈને નવાબ ગભરાઈને બેગમનિવાસ અર્થાત્ અંત:પુરમાં જઈને છુપાઈ ગયા. આને કેવા નવાબ કે કેવા વીર કહેવા? યુદ્ધમાં હરિસિંહનો હાથ ઉપર હતો. તેઓ અંત:પુર પર હુમલો કરીને નવાબને બહાર ખેંચીને લાવી શક્યા હોત. પણ, ના એવું ન કર્યું. લડાઈના ઉન્માદ કે જીતના ગુમાન પર સંસ્કાર, માનવતા અને સ્ત્રી દાક્ષિણ્ય કાયમ છવાયેલા રહ્યા. નલવાએ પોતાના સૈનિકોને સખત શબ્દોમાં આદેશ આપ્યો કે રાણીવાસ પર કોઈ હુમલો નહીં કરે. આની સાથે તેમણે અંત:પુરના દરવાજા પર અને આસપાસ સખત પહેરો લગાવી દીધો. કલ્પના કરી જુઓ કે અંદર ડરથી થરથરતા નવાબને જોઈને એની બેગમો શું વિચારતી હશે?
નવાબને છુપાયેલા રહેવા દઈને નલવાએ બાકીના ભાગ પરથી રહ્યાં સહ્યાં શત્રુઓને મારી હટાવીને કિલ્લા પર પૂરેપૂરો કબજો જમાવીને એની ટોચ પર ખાલસા રાજનો ઝંડો ફરકાવી દીધો. પોતે જીવ બચાવી લીધો હોવાના ભ્રમમાંથી બહાર આવતા નવાબને વાર ન લાગી. એ પરાજીત નવાબ હતો અને પોતાના જ રાણીવાસમાં કેદ હતા. કોઈ વિકલ્પ ન દેખાતા અંતે હાફિઝ અહમદ ખાને બે વિશ્ર્વાસુ થકી નલવા સમક્ષ માફીનામું કે કાકલૂદી મોકલી: ‘મારા કર્યા પર મને પસ્તાવો છે. મહેરબાની કરીને મને અભયદાન આપો અને બેગમો સાથે સલામતપણે જવા દો.’
હરિસિંહે એમની અરજ સાંભળી પણ પોતાની શરતે. પોતાના ખાસ માણસો સાથે નવાબ અને એના પરિવારને મહારાજા રણજિત સિંહ પાસે મોકલી દીધા કે જેથી તેઓ યોગ્ય નિર્ણય લઈ શકે. નવાબ દીનતાપૂર્વક હાથ જોડી કરગર્યા કે મને માફ કરી દો. મહારાજાએ માત્ર જીવતદન ન આપ્યું પણ ડેરા ઇસ્માઈલ ખાન પ્રાંતમાં મોટી જાગીર પણ આપી દીધી. આને બદલે નવાબ જીત્યો હોત તો તેણે શું કર્યું હોત એની કલ્પના કરવા માટે મગજને તસ્દી આપવાની જરૂર નથી. આ જ બન્ને શત્રુ વચ્ચેનું મુખ્ય અંતર હતું.
અન્ય વિજેતાની જેમ નલવા પણ મુંઘેરને લૂંટીને ખેદાનમેદાન કરીને પ્રજાને પોતાના નસીબ પર રડતા છોડીને આગેકૂચ કરી શક્યા હોત. તેમણે નવાબનાં શસ્ત્રો, દારૂગોળા મોટી પ્રમાણમાં મેળવી લીધાં, પરંતુ એકેય સ્ત્રી કે પુરુષ પર અત્યાચાર થવા ન દીધા. ઉલ્ટાનું આ વિસ્તારમાં પીવાના પાણીની ભારે સમસ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું. લોકોની તરસ છિપાવવા માટે તેમણે ઠેર-ઠેર કૂવા ખોદાવ્યા. આ કૂવામાંથી નીકળતું મીઠું પાણી પીને પ્રજાજનોની આંતરડી ઠારીને ભાવિનો વિચાર કરાયો.
મહારાજા રણજીત સિંહ સાથે લાંબી ચર્ચા-મંત્રણા બાદ સરદાર અમરસિંહ સિધ્ધાવાલિયાને ગવર્નર પદે બેસાડીને હરિસિંહ લાહોર જવા માટે રવાના થઈ ગયા. લાંબા પ્રવાસ, અને સતત યુદ્ધ અને યુદ્ધમાં સફળતા બાદ તન-મનને આરામની જરૂર પડે પણ નલવાના નસીબમાં એ બધું નહોતું. હજી તો ૧૮૨૨ની ૨૭મી જાન્યુઆરીએ લાહોર પહોંચ્યા ને નિરાંત અનુભવે એ અગાઉ વધુ એક પડકાર માથું ઊંચકીને સામે આવીને ઊભો રહી ગયો. આ નાનીસૂની કસોટી નહોતી પણ નલવા એમાંય અણિશુદ્ધ રૂપે સફળ થઈને બહાર નીકળવાના હતા. એમાંથી ખૈબર પખ્તુનના પ્રાંતમાં હરિપુર જિલ્લો નલવાનો હતો, જ્યાં તાજેતરમાં પાકિસ્તાનીઓએ હરિસિંહ નલવાની પ્રતિમાની તોડફોડ કરી.
હરિપુર જિલ્લાની રચના માટેના પરાક્રમ પર આફરીન પોકારવા અગાઉ થોડું આ સ્થળ વિશે જાણીએ. હાલ પાકિસ્તાનમાં એન.ડબ્લ્યુ.એફ.પી. (નોર્થ વેસ્ટર્ન ફ્રન્ટિયર પ્રોવિન્સ) તરીકે આ વિસ્તાર અફઘાનિસ્તાન સાથેની સરહદ નજીક છે. એની રાજધાની પેશાવર છે. એમાં આવેલા ૨૬ જિલ્લામાં ક્યારેક એક સ્થળ હતું હનીરા જેનું મૂળ નામ હતું ઉર્ગ. આ ઉર્ગ કેવી રીતે હનીરા બની ગયું એનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે.
એવી માન્યતા છે કે ઇસ્વીસન પૂર્વેની સાતમી સદીમાં ગાંધાર (વધુ ઓળખની જરૂર ખરી?) અહીં હતું. ઇસુના જન્મના ૨૦૦ વર્ષ અગાઉ અહીં બૌદ્ધ ધર્મ લોકપ્રિય થયો હતો. અહીં મૌર્યોના પતન બાદ કુષાણ શાસકોનું રાજ્ય આવ્યું. ઇરાનીઓએ આક્રમણ કર્યું એટલે જરથ્રુસ્ટના અનુયાયીઓ પણ બન્યા. લગભગ અગિયારમી સદીમાં મોહમ્મદ ગજનીએ બૌદ્ધો તથા ઇરાની શાહને પરાસ્ત કર્યા બાદ રાજ જમાવ્યું. ત્યાર બાદ અહીં તુર્ક અને આરબો વધવા માંડ્યા. દિલ્હીમાં મોગલ સલ્તનતનું જોર વધતા અહીં ધર્માંતર થકી મુસ્લિમોની સંખ્યા વધતી રહી.
આટલું જાણી લીધા પછી હરિપુર જિલ્લો સ્થપાવાની રસપ્રદ ગાથા માણીશું. (ક્રમશ:)