શિવ રહસ્ય -ભરત પટેલ

ગત સપ્તાહ સુધીનો સારાંશ: સ્વર્ગલોક ખાતે દેવર્ષિ નારદ દ્વારા અપાયેલી ચેતવણી બાદ દેવરાજ ઈન્દ્ર ભયના ઓથાર નીચે આવી જાય છે કે કુમાર કાર્તિકેયને કેવી રીતે રોકવા? કુમારને અટકાવવા દેવરાજ ઈન્દ્રને એક યુક્તિ સૂઝે છે. તેઓ પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિયને આદેશ આપે છે કે તમે કુમાર કાર્તિકેય પર આક્રમણ કરો અને દક્ષિણ દિશા તરફ જતાં રાકો. દેવરાજ ઈન્દ્રનો આદેશ મળતાં જ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો કુમાર પર આક્રમણ કરે છે. ચતુર કુમાર કાર્તિકેય અલૌકિક (આભાસી) દોરડાથી દસેય ઈન્દ્રિયોને બંદી બનાવતાં ઈન્દ્રિયો કુમાર કાર્તિકેયની માફી માગે છે. વિજયી મુદ્રામાં કુમાર કાર્તિકેય કહે છે, ‘તમને લોકોને બહુ ઘમંડ હતુંને કે તમે કોઈના પણ મન પર નિયંત્રણ મેળવી શકો છો. જુઓ મેં મારા મનને નિયંત્રિત કરી તમને બંદી બનાવી છે. હવે બતાવો કે કોનું ઉત્થાન અને કોનું પતન?’ ભયના ઓથાર નીચે આવેલી ઈન્દ્રિયો પોતાની રક્ષા કાજે ઈન્દ્ર દેવનું આવાહન કરે છે. કુમાર કાર્તિકેયને સમજ પડતાં તેઓ દસેય ઈન્દ્રિયોને છોડી દે છે અને કહે છે, ‘જાઓ, તમારા ઈન્દ્રદેવને કહો કે હિંમત હોય તો સામે આવીને યુદ્ધ કરે.’ મામલો ગંભીર જણાતાં દેવરાજ ઈન્દ્ર ત્યાં આવે છે, તેમને જોઈ કુમાર કાર્તિકેય કહે છે, ‘તમે ભૂલી ગયા છો દેવરાજ ઈન્દ્ર કે જેનું મન મહાદેવની સેવામાં સમર્પિત હોય, જેમનું જીવન મહાદેવના આશીર્વાદથી પરિપૂર્ણ હોય, જે મહાદેવના નિર્ધારિત માર્ગ પર અગ્રેસર હોય છે તેઓ ઈન્દ્રિયોના નિયંત્રણમાં નહીં, પણ તેમના નિયંત્રણમાં ઈન્દ્રિયો હોય છે. હું દેવલોકના સંચાલનમાં વિક્ષેપ પાડવા માગતો નથી કે મારો ઉદ્દેશ તમારી સાથે શત્રુતાનો પણ નથી, કેમ કે મહાદેવ અને માતા પાર્વતીના પુત્રની વિચારધારા સંકીર્ણ અને સીમિત ક્યારેય હોઈ ન શકે. જાઓ તમારા સ્વર્ગલોકમાં અને સંભાળો તમારું સિંહાસન, મને તમારા સિંહાસનનો કોઈ લોભ નથી, ત્યાં જઈ દેવો અને માનવોના ઉદ્ધાર માટેનાં કાર્ય હાથ ધરો.’ તો સામે કૈલાસ પર કુમાર પર થયેલા આક્રમણથી માતા પાર્વતી ક્રોધિત થાય છે. માતાને શાંત પાડવા ભગવાન શિવ કહે છે, ‘દેવી પાર્વતી, તમને ખબર છે દેવરાજ ઈન્દ્રએ એક મહત્ત્વની ભૂમિકા નિભાવી છે જેની તેમને પણ જાણ નથી. તેમણે અમારા પુત્રને વધુ બુદ્ધિશાળી અને પરાક્રમી બનાવ્યા છે.’ તેના જવાબમાં માતા પાર્વતી કહે છે, ‘આપ દયાળુ છો સ્વામી, કોઈને પણ ક્ષમા કરવાનું પર્યાપ્ત કારણ તમે શોધી જ કાઢો છો. પણ જો બીજી વાર દેવરાજ ઈન્દ્રએ આવું કંઈક પગલું ભર્યું તો હું કુમારની માતા તરીકે તેમને ક્ષમા નહીં કરી શકું.’ મહાજ્ઞાન આપતાં ભગવાન શિવ કહે છે, ‘પાર્વતી, એટલું ધ્યાન રાખો કે મહાસાગરમાં એક નાની હોડી ત્યાં સુધી ડૂબી નથી શકતી કે જ્યાં સુધી એ મહાસાગરનું પાણી તેમાં ભરાઈ ન જાય. આપણી આજુબાજુમાં કેટલાય દોષ કેમ ન હોય કે નકારાત્મક વિચાર ધરાવતી વ્યક્તિઓ સાથે આપણે ઘેરાયેલા કેમ ન હોઈએ, જ્યાં સુધી તેમના દોષ અને તેમના
વિચાર આપણામાં સમાવિષ્ટ ન કરી લઈએ ત્યાં સુધી આપણે ડૂબી શકતા નથી. દેવરાજ ઈન્દ્ર કે અન્ય પર અવિશ્ર્વાસ ન કરતાં આપણા કુમાર પર વિશ્ર્વાસ કરો.’
* * *
એ જ સમયે કૈલાસ પર કોઈના ‘ઓમ નમ: શિવાય’ની ગુંજ સાંભળાવા
લાગે છે.
માતા પાર્વતી: ‘તૈયાર થાઓ મહાદેવ, જુઓ તમારા કોઈ ભક્તની ગુંજ અહીં સુધી આવી રહી છે, પણ સ્વામી સાવધ રહેજો અને કોઈ દૈત્ય હોય તો તેને એવું વરદાન ન આપી દેતાં કે ફરી વાર દેવગણોએ સ્વર્ગથી પલાયન થવું પડે.’
ભગવાન શિવ: ‘દેવી, આ મારા ભક્ત બ્રુકની ગુંજ વિષ્ણુલોક અને બ્રહ્મલોક સુધી સંભળાઈ રહી છે. હવે સમય આવી ગયો છે કે તેને વરદાન મળે. મારો ભક્ત મને રીઝવી લે તો જે માગે તે હું આપું છું.’
માતા પાર્વતી: ‘સ્વામી એટલે જ તો તમને સહુ ભોળાનાથ કહે છે.’
માતા પાર્વતીનાં વેણ ન સાંભળતાં ભગવાન શિવ ત્યાંથી વિદાય લે છે.
* * *
ભગવાન શિવને દૈત્ય બ્રુકને વરદાન આપવા જતાં જોઈ ભગવાન વિષ્ણુ, બ્રહ્માજી અને દેવર્ષિ નારદ તેમની પાસે પહોંચે છે.
ભગવાન વિષ્ણુ: ‘મહાદેવ, અમે જોઈ રહ્યા છીએ કે તમે દૈત્ય બ્રુકને વરદાન આપવા જઈ રહ્યા છો, પણ આખરે એ છે તો દૈત્ય ષટ્કુણીનો જ પુત્ર. મહાદેવ, એવું કોઈ વરદાન ન આપતા કે સૃષ્ટિના સંચાલનમાં એ હસ્તક્ષેપ કરે.’
ભગવાન શિવ: ‘શ્રીહરિ, બ્રહ્મદેવ અને દેવર્ષિ, તમે ત્રણેય ખૂબ જ જ્ઞાની છો અને તમને એ પણ ખબર છે કે પ્રસન્ન થયેલા ભક્તને મનવાંછિત ફળ આપવાની જવાબદારી તમારી પોતાની હોય છે, તમને ઈશ્ર્વર બનાવનાર ભક્તને જો તમે મનવાંછિત ફળ ન આપી શકો તો તમે ઈશ્ર્વર કઈ રીતે કહેવાઓ. હંમેશાં દૈત્યોએ દેવતાઓનો વિનાશ કરી સ્વર્ગલોક પર આધિપત્ય જમાવવા મળે તેવાં જ વરદાન માગ્યાં છે, પણ વરદાન આપવા માટે હું બંધાયેલો છું, ભક્ત અપ્રસન્ન થાય એ હું ન સહી શકું. વરદાન તો એને મનવાંછિત જ મળશે, ચાલો તમેય જુઓ કે બ્રુક શું માગે છે.’
ભગવાન શિવના આદેશથી શ્રીહરિ વિષ્ણુ, બ્રહ્મદેવ અને દેવર્ષિ અદૃશ્ય રૂપે તેમની સાથે જાય છે.
* * *
દૈત્ય બ્રુક પોતાની સમક્ષ ભગવાન શિવને જોઈ ગેલમાં આવી જાય છે.
બ્રુક: ‘મહાદેવ, તમે મારી સામે ઊભા છો. મને મારાં ચક્ષુ પર વિશ્ર્વાસ નથી થતો કે સાચે જ તમે ઊભા છો. પહેલાં તમે મને તમારા ચરણ સ્પર્શ કરવા દો તો સમજાય કે ભગવાન શિવ જ સાક્ષાત્ મારી સમક્ષ છે.’
બ્રુક ભગવાન શિવના ચરણ સ્પર્શ કરે છે.
ભગવાન શિવ: ‘બ્રુક ઊઠો, હું પ્રત્યક્ષ તમારી સમક્ષ ઊભો છું. હું તમારી ભક્તિથી પ્રસન્ન છું, બોલો તમારે શું વરદાન જોઈએ છે.’
બ્રુક: ‘મહાદેવ, તમે મને જે જોઈએ તે વરદાન આપશો? કેમ કે મારા પિતા ષટ્કુણી અને કુટુંબીજનો મને મૂર્ખ અને નિર્બળ સમજે છે, તમે મને શક્તિશાળી બનાવો.’
ભગવાન શિવ: ‘બોલો બ્રુક, તમને કેવી શક્તિ જોઈએ છે.’
બ્રુક: ‘ભગવાન, મને એવી શક્તિ આપો જેથી લોકો મારાથી ડરે, મને માન-સન્માન આપે. કોઈ મને નિર્બળ ન સમજે. મને એવી શક્તિ આપો કે જેના માથા પર હાથ રાખું એ ભસ્મ થઈ જાય.’
ભગવાન શિવ: ‘હજી વિચાર કરો, હું તમને વધુ સમય આપું છું. બીજું કોઈ વરદાન માગો અથવા હું તમને મેધાવી થવાનું વરદાન આપું છું.’
બ્રુક: ‘ભગવાન, મેધાવી બનીને
હું શું કરીશ? મને તો હાથ મૂકવાથી ભસ્મ થવાવાળું જ વરદાન જોઈએ છે.’
ભગવાન શિવ: ‘જેવી તમારી ઈચ્છા, તથાસ્તુ.’
બ્રુક: ‘મહાદેવ, તમે મને વરદાન તો આપ્યું, પણ મારે એ વરદાનની પ્રામાણિકતા સિદ્ધ કરવી પડશે. મેં જે માગ્યું છે તે તમે આપ્યું છે કે નહીં એ જોવું પડશે. તમે વચન આપો કે હું જ્યાં સુધી પાછો ન આવું ત્યાં સુધી તમે અહીં જ ઊભા રહેશો.’
ભગવાન શિવ: ‘હું તમને વચન આપું છું કે તમે પાછા નહીં આવો ત્યાં સુધી હું અહીં જ ઊભો રહીશ.’
ભગવાન શિવનું વચન મળતાં જ બ્રુક મળેલા વરદાનની ચકાસણી કરવા આગળ વધે છે. પ્રથમ તેને પ્રાણીઓ દેખાય છે. બ્રુક તેમના પર હાથ રાખતાં જ તે ભસ્મ થઈ જાય છે. બ્રુક વિચારે છે કે આ વરદાન ફક્ત પશુઓ સુધી તો સીમિત નથીને? તે આગળ વધે છે ત્યાં ઋષિમુનિઓ હવન-પૂજા-અર્ચના કરતા નજરે પડે છે. એ ત્યાં જઈ એક ઋષિના માથા પર હાથ મૂકતાં જ ઋષિ ભસ્મ થઈ જાય છે. ત્યાં આશ્રમમાં ભાગદોડ મચી જાય છે કે અન્ય ઋષિઓ બૂમો પાડે છે કે ભાગો, ભાગો, ભસ્મ કરનારો અસુર આવ્યો છે.
બ્રુક: ‘આ લોકો સાચું બોલી રહ્યા છે… ભસ્મ કરનારો અસુર એટલે ભસ્માસુર. આજથી મારું નવું નામ ભસ્માસુર છે, બ્રુક નહીં.’
ભસ્માસુર મુનિના આશ્રમમાં વિનાશ વેરતો વિચાર કરે છે કે મને મળેલું વરદાન ફક્ત માનવો સુધી તો સીમિત નથીને? મારા વરદાનની ચકાસણી મારે દેવો પર કરવી જોઈએ. એવું વિચારી તે સ્વર્ગલોક તરફ પ્રયાણ કરે છે.
(ક્રમશ:)

Google search engine