ફોકસ-રશ્મિ ત્રિવેદી
દક્ષિણ ભારતીય ફિલ્મોનાં દર્શકો ફિલ્મનાં કલાકારોને ભગવાનની જેમ પૂજે છે. તેમની ફિલ્મ રજૂ થવાની હોય ત્યારે થિયેટરની બહાર તેમના ૫૦-૫૦ ફૂટના કટઆઉટ લગાડવામાં આવે છે. રજનીકાંતની ફિલ્મ રિલીઝ થવાની હોય તો તેમના ‘ફેન ક્લબ’ના સભ્યો અઠવાડિયા સુધીની બધી જ ટિકિટો ખરીદી લે છે અને રજનીકાંતની ફિલ્મનાં રિલીઝના દિવસે થિયેટરની બહાર લગાડવામાં આવેલા કટઆઉટ પર દૂધનો અભિષેક પણ કરવામાં આવે છે.
આવું તો ‘સાઉથ’માં ઘણું થતું હોય છે. જો કે, ઘણા પ્રશંસકો આ બધા કરતાં ય ખૂબ આગળ વધીને પોતાના માનીતા કલાકારને ભગવાનની જેમ પૂજવા લાગે છે. આટલું ઓછું હોય એમ આ પ્રશંસકો તેમના નામના મંદિર પણ બનાવે છે અને દરરોજ સવાર-સાંજ તેમની પૂજા-આરતી કરવામાં આવે છે.
હાલમાં જ દક્ષિણની અભિનેત્રી સામંથા રૂથ પ્રભુનું એક મંદિર આંધ્ર પ્રદેશમાં બનાવવામાં આવ્યું છે. આ મંદિર સામંથાના ફેન (પ્રશંસક) તેનાલી સંદીપે બનાવ્યું છે. આંધ્ર પ્રદેશના બાપતલા જિલ્લાના અલાપદુ ગામમાં તેણે આ મંદિર બનાવ્યું છે, જેની અંદર સામંથાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.
સામંથા રૂથ પ્રભુના જન્મદિવસે એટલે કે ૨૮મી એપ્રિલનાં આ મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ મંદિરમાં કેક કાપીને પહેલાં સામંથાનો ૩૬મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો અને પછી મંદિરનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં લાલ સાડી અને લીલા બ્લાઉઝ સાથેની સામંથાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મૂળ તમિળ અને તેલુગુ ફિલ્મમાં કામ કરનારી અભિનેત્રીને હિન્દી ફિલ્મનાં દર્શકો તેણે ઓટીટી માટે કરેલી સિરીઝ ‘ફેમિલિ મેન’ને કારણે ઓળખે છે. સામંથાએ તેનાં પતિ નાગ ચૈતન્યને છૂટાછેડા આપ્યા ત્યારથી જ તે એકદમ ચર્ચામાં આવી છે. ૨૦૧૦માં તમિળ ફિલ્મ ઉદ્યોગથી તેણે અભિનયની કારકિર્દીની શરૂઆત કરી છે. તેણે તમિળ ફિલ્મોનાં સુપરસ્ટાર વિજય, વિક્રમ, વિજય સેતુપતિ, જીવા, ધનુષ અને વિજય દેવરકોંડા સાથે ફિલ્મો કરી છે.
છેલ્લે સામંથા અલુ અર્જૂન – રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘પુષ્પા’માં ‘આઈટમ ગીત’ ‘ઓ અંટાવા’માં દેખાઈ હતી અને હાલમાં જ તેની ફિલ્મ ‘શાકુંતલમ’ રિલીઝ થઈ હતી, પણ એ ફ્લોપ સાબિત થઈ હતી. દક્ષિણમાં આ અગાઉ પણ અભિનેત્રીઓના-અભિનેતાઓનાં મંદિરો બન્યાં છે અને તેમના પ્રશંસકો ફિલ્મ હીટ હોય કે ફ્લોપ પોતાના માનીતા કલાકારોની પૂજા કરવામાંથી પાછળ હટતાં નથી. આવો આપણે દક્ષિણમાં બનેલાં કલાકારોના મંદિરો પર એક નજર નાખીએ.
ખુશ્બુ સુંદર:- ક્ધનડ ફિલ્મ ઉદ્યોગમાં ૧૯૯૦ના દાયકામાં છવાઈ ગયેલી આ અભિનેત્રીના લાખોની સંખ્યામાં પ્રશંસકો (ફેન) હતા. ૨૦૦૧માં તેના એક ફેને તિરુચીરાપલ્લીમાં અભિનેત્રીનું મંદિર બાંધ્યું હતું. દક્ષિણમાં કોઈ કલાકારનું મંદિર બનાવાયું હોય એવું પહેલી જ વાર બન્યું હતું. જો કે, આ મંદિર લાંબો સમય ટક્યું નહોતું. ૨૦૦૫માં જેણે મંદિર બનાવ્યું હતું એ જ પ્રશંસકે એ મંદિર, એ મંદિરમાંની ખુશ્બુની પ્રતિમા તોડી નાખી હતી.
સન-૨૦૦૫માં ખુશ્બુએ એઈડ્સ વિશે વિવાદાસ્પદ નિવેદન કરતાં ચારેબાજુથી તેની ટીકા કરવામાં આવી હતી, ત્યારે તેનાં પ્રશંસકે એ મંદિર તોડી પાડયું હતું.
નમિતા:- ૧૦મી મે ૧૯૮૧માં ગુજરાતમાં જન્મેલી નમિતાએ તમિળ, તેલુગુ અને ક્ધનડ ફિલ્મોમાં અભિનય કરીને સફળતા મેળવી છે. ૨૦૦૮માં નમિતાની લોકપ્રિયતા ટોચ પર હતી ત્યારે તેનાં એક પ્રશંસકે તેનું મંદિર તમિળનાડુમાં બાંધ્યું હતું. આમ ગુજરાતની છોકરીનું દક્ષિણમાં મંદિર બંધાયું હતું. જો કે, આ મંદિર દક્ષિણની ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી તરીકે તેનાં પ્રશંસકે બાંધ્યું હતું.
નિધિ અગરવાલ:- નિધિ અગરવાલની કારકિર્દી શરૂ થયે હજી માંડ સાત વર્ષ જ થયા છે. ‘મુન્ના માઈકલ’ નામની ફિલ્મથી કારકિર્દી શરૂ કરનારી નિધિને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સફળતા ન મળતાં તે દક્ષિણની ફિલ્મો તરફ વળી ગઈ. ૨૦૧૮માં તેની પહેલી તેલુગુ ફિલ્મ આવી, પછી ૨૦૨૧માં તેણે તમિળ ફિલ્મોમાં એન્ટ્રી કરી અને તેનાં પ્રશંસકોની સંખ્યા સતત વધતી ગઈ હતી, તે ત્યાં સુધી કે ચેન્નાઈમાં તેના એક પ્રશંસકે તેનું મંદિર ઊભું કરી દીધું હતું.
જયલલિતા- એમ. જી. રામચંદ્રન: દક્ષિણની ફિલ્મોમાં અભિનય કરીને નામના મેળવનારા એમ.જી. રામચંદ્રન અને જયલલિતાએ રાજકારણમાં પણ સારી નામના મેળવી હતી. એઆઈએડીએમકે પક્ષના આ બંને નેતાઓએ તમિળનાડુના રાજકારણમાં સારી એવી જગ્યા મેળવી હતી. આ બંને જણાએ મુખ્ય પ્રધાન તરીકે ઘણા સમય સુધી રાજ કર્યું હતું. આ બંને નેતાઓએ કલાકાર તરીકે ભરપૂર નામના મેળવી હતી અને પછી તેઓ રાજકારણમાં આવ્યા હતા. તેમનું મંદિર તમિળનાડુના મદુરાઈ જિલ્લામાં ૧૨ એકરમાં ફેલાયેલું છે. આ એક સેલિબ્રિટીનું મંદિર છે.
કરુણાનિધિ:- કરુણાનિધિ પણ અભિનેતામાંથી રાજકારણી બન્યા હતા. તેમના પ્રશંસકે તમિળનાડુના વેલ્લોરમાં તેમનું મંદિર બાંધીને તેમની ગ્રેનાઈટની પ્રતિમા સ્થાપિત કરી છે.
એન. ટી. રામારાવ:- એન. ટી. આર. તરીકે ઓળખાતા એન. ટી. રામારાવની લોકપ્રિયતા એક કલાકાર તરીકે ખૂબ જ હતી. આ લોકપ્રિયતાના આધારે જ તેઓ આંધ્ર પ્રદેશના રાજકારણમાં પ્રવેશીને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા હતા. તેમના એક પ્રશંસકે આંધ્ર પ્રદેશના ચિત્તુરમાં તેમનું મંદિર બાંધ્યું છે.
પવન કલ્યાણ:- તેલુગુ ફિલ્મોના જાણીતાં કલાકાર પવન કલ્યાણ એ ચિરંજીવીના નાના ભાઈ છે પણ તેલુગુ ફિલ્મોમાં તેમણે પોતાની અલગ જ ઓળખ ઊભી કરી છે. તેમના એક પ્રશંસક શાકાલાકા શંકરે પવન કલ્યાણના નામે એક મંદિર અને એક શાળા ઊભી કરી છે. તેલુગુ ફિલ્મોમાં પવન કલ્યાણની ઓળખ ‘પાવર સ્ટાર’ તરીકેની છે. પવન કલ્યાણનું મંદિર શ્રીકાકુલમ જિલ્લામાં ઊભું કરવામાં આવ્યું છે.
રજનીકાંત:- દક્ષિણની ફિલ્મોનાં સુપરસ્ટાર રજનીકાંત તેમની અભિનયની આગવી છટા માટે જાણીતાં છે. છેલ્લા લગભગ પાંચ દાયકાથી દક્ષિણની ફિલ્મોમાં સક્રિય એવાં રજનીકાંતના નામે તેનાં એક પ્રશંસકે કર્ણાટકના કોલારમાં એક મંદિર બાંધ્યું છે. થલાઈવા તરીકે ઓળખાતા રજનીકાંતના સારાં સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે આ મંદિર બાંધવામાં આવ્યું છે. જો કે, આ મંદિરમાં રજનીકાંતની મૂર્તિ નથી, પણ આ મંદિર કોટિલિંગેશ્ર્વર મંદિર અથવા તો સહસ્ત્રલિંગમ મંદિર તરીકે ઓળખાય છે.
કાજલ અગરવાલ:- એક ફિલ્મમાંના એક ગીતમાં કાજલ અગરવાલ માટે મંદિર બાંધવામાં આવ્યું હતું. કાજલ અગરવાલના પ્રશંસકોને એની જાણ થતાં તેમણે એ ફિલ્મનાં સેટ પરથી તે મંદિરના કેટલાક ભાગો લીધાં અને કાજલ અગરવાલનું તમિળનાડુમાં મંદિર ઊભું કર્યું છે.
નગમા:- દક્ષિણની આ અભિનેત્રીને હિન્દી ફિલ્મોમાં જોઈએ એવી સફળતા મળી નથી. પણ દક્ષિણમાં ૧૯૯૦ના દાયકામાં તેની ખૂબ જ લોકપ્રિયતા હતી એટલે તમિળનાડુમાં અનેક સ્થળે તેનાં મંદિરો બાંધવામાં આવ્યાં હતાં, પણ ત્યાર પછી તેની લોકપ્રિયતામાં ઓટ આવતાં એ બધાં જ મંદિરો તોડી પાડવામાં આવ્યાં હતાં.
પૂજા ઉમાશંકર:- શ્રીલંકાની આ અભિનેત્રીએ તમિળ અને તેલુગુ ફિલ્મોમાં ૨૦૦૩થી ૨૦૧૬ સુધી અભિનય કરીને અનેરી નામના મેળવી હતી. તેનું કોલંબોમાં મંદિર બાંધવામાં આવ્યું છે.
હંસિકા મોટવાની:- ‘કોઈ મિલ ગયા’માં બાળ કલાકાર તરીકે છવાઈ ગયેલી હંસિકા મોટવાનીએ યુવા વયે જ તેલુગુ અને તમિળ ફિલ્મોમાં અભિનય કરવાની શરૂઆત કરી દીધી હતી. તેનાં પ્રશંસકોની સંખ્યા ખૂબ જ વધારે છે. તેમાંના જ કેટલાક પ્રશંસકોએ તમિળનાડુમાં તેનું મંદિર બાંધ્યું હતું ત્યારે સૌથી નાની ઉંમરમાં મંદિર ધરાવતી અભિનેત્રી તરીકે તેને લોકો ઓળખતા થયા હતા.
અમિતાભ બચ્ચન:- દુનિયાભરમાં લાખ્ખો પ્રશંસકો ધરાવનારા અમિતાભ બચ્ચનની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને કોલકાતામાં તેમના નામનું મંદિર બાંધવામાં આવ્યું છે. તેમના એક પ્રશંસકે આ મંદિરમાં અમિતાભ બચ્ચનની ૨૫ કિલોની પ્રતિમા મૂકી છે અને તેમને એક સિંહાસન પર બેસાડવામાં આવ્યા છે. બોલીવૂડમાંથી કોઈ કલાકારનું મંદિર બાંધવામાં આવ્યું હોય તે એકમાત્ર ‘બિગ બી’નું જ છે.
નયનતારા:- શાહરુખ ખાન સાથેની ફિલ્મ ‘જવાન’થી બોલીવૂડમાં પ્રવેશી રહેલી નયનતારાનું નામ દક્ષિણની ફિલ્મોમાં આગળ પડતું છે. તે દક્ષિણની ફિલ્મોમાં સુપરસ્ટાર ગણાય છે. તેથી તેનાં પ્રશંસકોએ તેનો સંપર્ક કરીને તેઓ મંદિર બાંધવા માગે છે એવી પરવાનગી લેવા ગયા હતા. જો કે, નયનતારાએ તેમને ના પાડતાં તેનું મંદિર બંધાયું નથી. દક્ષિણમાં આ પહેલી એવી અભિનેત્રી છે, જેણે પોતાનું મંદિર બાંધવા માટે ના પાડી દીધી છે.
સચિન તેંડુલકર:- ક્રિકેટના ‘ગોડ’ ગણાતા સચિન તેંડુલકરનું પણ મંદિર બંધાયું છે એ જાણીને ખરેખર આશ્ર્ચર્ય થયા છે, પણ વધુ આશ્ર્ચર્યની વાત એ છે કે આ મંદિર ભોજપુરી ફિલ્મોનાં સુપરસ્ટાર અને સંસદસભ્ય મનોજ તિવારીએ બનાવ્યું છે. તેણે આ મંદિર ૨૦૧૩માં કૈમુર જિલ્લામાં બાંધ્યું છે. મનોજ તિવારીએ બિહારમાં ક્રિકેટ એકેડેમીની સ્થાપના કરી છે. અહીં તેણે સચિન તેંડુલકરની સાઈઝની પ્રતિમા બનાવી છે અને આ એકેડેમીમાં તાલીમ લેવા આવતાં બાળકો ‘ક્રિકેટના ગોડ’નું પૂજન કરીને પછી આગળ વધે છે.