અમુક માણસો સાથે વિવાદ કરવો એટલે પોતાના ગાલ પર બેઠેલા મચ્છરને તમાચો મારવો

મેટિની

અરવિંદ વેકરિયા

મારે મારી સફર આગળ વધારતાં પહેલાં વાત કરવી છે, ૨૩-૦૬-૧૯૮૫ની એ ગોઝારી ઘટનાની…
મારા ગુરુ વિજય દત્ત… એમના પુત્ર પરાગ દત્ત સાથે પણ અમારે ખૂબ બનતું. આમ તો અમારાથી નાનો, પણ એનો મળતાવડો અને રમૂજી સ્વભાવ એ ઉંમરની દીવાલ તોડી નાખતો. ‘વિસામો’, ‘પતિને પરણાવતી સતી’ વગેરે ઘણાં નાટકોમાં સુંદર અભિનય પણ કરેલો. એનાં લગ્ન થયાં. સુંદર અને સુશીલ પત્ની ચાંદે ગૃહપ્રવેશ કર્યો. ત્રણ બહેનો વચ્ચે એક ભાઈ… ઘરમાં આનંદ છવાઈ ગયો. પછી પુત્ર જન્મ્યો, સિદ્ધાર્થ. પત્ની એર હોસ્ટેસ. એની મેટરનિટી લીવ જુલાઈ મહિનામાં પૂરી થતી હતી. એણે કેનેડા જવાનો પ્લાન કર્યો. પરાગની જરા પણ ઇચ્છા નહોતી. છેલ્લી ઘડીએ એની ટિકિટ કઢાવી અને ત્રણેય ઊપડ્યાં કેનેડા. એ દરમ્યાન જાણીતાં લેખિકા વર્ષા અડાલજાએ પોતાની નોવેલ ‘અવાજનો આકાર’ વિજય દત્તને વાંચવા આપી. વિજયભાઈને બહુ ગમી અને એના પરથી નાટક બનાવવાનું નક્કી કર્યું એટલું જ નહિ, એ નોવેલમાં આવતું એક બ્લાઈંડ યુવકનું પાત્ર પોતાનો પુત્ર પરાગ ભજવશે એ પણ નક્કી કરી લીધું, પણ કુદરતને બીજું જ મંજૂર હતું… તારીખ ૨૩-૦૬-૮૫ના રોજ એર ઇન્ડિયાની ફ્લાઈટ નંબર ૧૮૨, કનિષ્કમાં પાછા ફરતાં એ વિમાન આયર્લેન્ડ નજીકના દરિયામાં તૂટી પડ્યું… અને એક હસતું-રમતું નાનકડું કિલ્લોલતું કુટુંબ કમોતને ભેટ્યું. આજે આ વાતને ૩૭ વર્ષ થઈ ગયાં.
અવાજનો આકાર નિરાકાર થઈ ગયો. શું વીત્યું હશે વિજયભાઈ અને પરિવાર પર! વાત માની જ ન શકાય, પણ… એક ઉત્કૃષ્ટ કલાકાર, લાગણીસભર વ્યક્તિ જેણે ત્રણ ત્રણ વર્ષ લગાતાર બેસ્ટ ડિરેક્ટરના એવાર્ડ્સ મીઠીબાઈ કોલેજ માટે મેળવ્યા. પળ વારમાં એ ભગવાનના દરબારનો ભાગ બની ગયો જાણે. પરગજુ, અરે, નાના ચુડાસમાનો તો લાડીલો અનુગામી… અચાનક અગોચર વિશ્ર્વમાં અલોપ થઈ ગયો. લાગણી હોય ત્યાં ચિંતા હોય, પ્રેમ હોય ત્યાં યાદ હોય જ. આ બધા સાથે એ જ સ્નેહ, બાકી તો બસ ઓળખાણ… પરાગની ઓળખાણને નહિ, એના સ્નેહને આજે સ્મરણાંજલિ. એક માણસ!
‘જે બાજી જીતવા બધી બાજી હારી ગયો,
ના મળે કિસ્મત વિના એ વાત હું માની ગયો.’ આમીન!
મૃત્યુથી બચવાની એક જ તરકીબ છે, બીજાના હૃદયમાં જીવતા રહો. પરાગ હંમેશાં હૃદયમાં જીવતો જ રહેશે.
એક વાત નિર્વિવાદ છે,
સંબંધો બનતા રહે એ જ બહુ છે,
બધા હસતા રહે એ જ બહુ છે,
દરેક સમયે સાથે નથી રહી શકતા,
યાદ એકબીજાને કરતા રહીએ એ જ બહુ છે…
પછી એ ભગવાને રચેલા આ જગતમાં હોય કે પછી ભગવાનના દરબારમાં હોય, અસ્તુ!
***
તો… રાજેન્દ્ર શુક્લે બે સીન્સ લખીને આપી દીધા. મેં પાત્રો નક્કી કર્યાં હતાં એમાં, એટલે કલાકારો પસંદ કરવામાં પણ એનો પૂરો સહકાર હતો. રિહર્સલ માટે વિઘરામ હોલ સિવાય કોઈ જગ્યા આજુબાજુમાં, ફાર્બસ કે જીના હોલ અવેલેબલ નહોતા. રોબર્ટ મની સ્કૂલ તો ગમે ત્યારે મળી શકે એમ હતી જ. બાકી રહેલ વિઘરામ હોલ પ્રમાણમાં સારો, એમ વિચારી ત્યાં જ ‘શ્રી ગણેશ’ કરવાનું નક્કી કરી લીધું.
ફાર્બસ-રોબર્ટ મની, આ આખો વિસ્તાર નાટકવાળામાં આમ તો ‘કાનાફૂસી’નો વિસ્તાર. કોઈનું ખરાબ બોલવાની કદાચ ઇચ્છા નહિ હોય, પણ પોતે ઈચ્છે એ કોઈના માટે પણ બોલી નાખવાની આદત. ક્યારેક કોઈને ખરાબ લાગી જાય એવી. નવા લેખકનું નાટક કરે છે, જરા બે વાર વિચારી લે! આવું તો કેટલાય લોકો પાસેથી આ વિસ્તારમાં મને કહ્યું હશે, કોને ખબર. મેં તો ત્યારે બહેરાશ ધારણ કરી લીધેલી, બ્રેન-વોશ અટકાવી દેવા. માણસ જ એક એવી વ્યક્તિ છે કે એક વાર તમારી સાથે બોલવાનું બંધ કરે એટલે એ તમારા વિષે બોલવાનું શરૂ કરી દે છે, પણ મારા એ બાબતે એ વખતે બનાવેલા બહેરા કાન સાથે બધું ‘બાઉન્સ’ થઈ પાછું એમના તરફ જ ફરતું.
મને માત્ર મારા કામમાં રસ હતો, કહેનારા તો હાલતાં-ચાલતાં તમારી દુખતી નસ દબાવવાના જ. આપણે આપણી ક્રિયેટિવિટીમાં જ રસ લેવાનો. આમ પણ દુખતી નસ પકડનારા બધા વૈદ થોડા હોય છે?
રિહર્સલ શરૂ થઈ ગયા. સુભાષ આશરે સરસ સેટ-ડિઝાઈન તૈયાર કરી આપી હતી. લેવલ્સને કારણે થોડી ખર્ચાળ તો હતી. લેવલ્સ પર પાત્રોની ગોઠવણી કરવાનું દિગ્દર્શક તરીકે સંતોષ થાય એવું હતું. સેટ એ રીતે ડિઝાઈન કરેલા કે ભૂત બનતી સ્ત્રી કલાકારા આરામથી એક રૂમમાંથી બીજા રૂમમાં, લાઈટ ઈફેક્ટમાં સારી રીતે આવ-જા કરી શકે અને જે ‘હોરર’ ઈફેક્ટ જોઈતી હતી એ મેળવી શકાય એ શક્ય પણ હતું. આ ઈફેક્ટ માટે લેવલ્સ ખૂબ મોટી ભૂમિકા ભજવી શકે એમ હતા. આ કારણે વધુ ખર્ચની ખટપટને બાજુ પર મૂકી, શમ્સુ (એ વખતના સેટિંગ બનાવવામાં અવ્વલ ગણાતા, સાથે ખિસ્સાને પણ પરવડે એવો જણ)ને આ કામ સોંપ્યું. એની ઓળખાણ મને ૧૯૭૪થી. જ્યારે મેં લાલુ શાહની સંસ્થા ‘બહુરૂપી’ જોઈન્ટ કરેલી. લાલુભાઈના લગભગ બધા સેટ્સ શમ્સુ જ તૈયાર કરતો.
વિઘરામ હોલમાં, સેટ-ડિઝાઈન મુજબ ખુરસીઓ ગોઠવી મેં રિહર્સલ શરૂ કરી દીધાં. વિદ્યુત શાહની કોઠાસૂઝ પણ કમાલની હતી. કદાચ એટલે જ એનું નામ કલા-જગતમાં, પછી એ તખ્તો હોય કે કચકડાનું માધ્યમ, પ્રેમથી લેવાય છે. ‘ભૂત’નું પાત્ર ભજવતી રાધાશ્રી પણ મને નાટકમાં સહાય કરતી રહેતી. આગળ જતાં ઘણાં નાટકોમાં મને સહાયક તરીકે સહાય કરી. વિદ્યુત તો હરણફાળ ભરી ઘણો આગળ વધી ગયો હતો.
નયન ભટ્ટને કાંદિવલીથી ગ્રાન્ટ રોડ રિહર્સલમાં આવતાં તકલીફ પડતી. બીજો પર્યાય પણ નહોતો. ત્યારે આજની જેમ રિહર્સલ માટે અન્ય વિકલ્પો ખૂલ્યા નહોતા. વચ્ચે તો ભવન્સ કોલેજ, અંધેરીમાં લલિત શાહે સુંદર એ.સી. રિહર્સલ હોલની સગવડ પણ કરી આપેલી. એ વખતે તો માત્ર ગ્રાન્ટ રોડમાં ફાર્બસ, જીના, રોબર્ટ મની સ્કૂલ હતી. વી. ટી. પાસે એલેક્ઝાન્ડર સ્કૂલ, જ્યાં ખાસ કરીને દિન્યાર કોન્ટ્રેક્ટર રિહર્સલ કરતા. કેપિટલ સિનેમાની ગલીમાં પણ એક સ્કૂલમાં રિહર્સલ થતાં. ગ્રાન્ટ રોડની સ્ટેશનની પેલી બાજુ એક ગાર્ટન સ્કૂલ પણ હતી. ટૂંકમાં, એ વખતે રિહર્સલની જગ્યાઓ ‘ટાઉન’માં જ હતી, ‘સબર્બ’માં નહોતી.
ઠીક છે, વિઘરામમાં રિહર્સલે ધીરે ધીરે સ્પીડ પકડી. રાજેન્દ્ર શુક્લ આવતો રહેતો. ત્રીજા સીન માટે હું એને કોઈ ફોર્સ નહોતો કરતો. કંઈ પણ ન બોલતો. આપણે એટલું બધું ન બોલવું કે એ તમારા ચૂપ થવાની રાહ જુએ અથવા એટલું બોલીને ચૂપ થઈ જવું કે એ તમારી ફરી બોલવાની રાહ જુએ.
મેં રાજેન્દ્રને માત્ર ‘વધુ લખાણ ક્યારે…?’ એક જ વાર પૂછ્યું, પણ એ પછી એ મારી સાથે આગળના ‘ગ્રાફ’ વિશે અને લખી આપેલા બે સીન બાબત મારા અને કલાકારોના પ્રતિભાવ સાંભળવા ઉત્સુક રહેતો.
પહેલો સીન સરસ સેટ થઈ ગયો. પછી ક્રમ એ કર્યો કે બધા કલાકારો ભેગા થઈ જાય એટલે પહેલાં બીજો સીન વાંચી લેવાનો અને એ પછી સેટ થયેલો પહેલો સીન રિહર્સલ કરી પોલિશ્ડ કરવાનો. પછી બચેલા સમયમાં બીજા સીનનાં બે-ચાર પાનાં સેટ કરવાનાં. બીજા દિવસે જે થોડાં પાનાં, બીજા સીનનાં સેટ કર્યાં હોય એ પહેલાં રિહર્સલ કરી પછી પહેલેથી શરૂ કરી દેવાનું. આમ મૂવમેન્ટ અને ડાયલોગ સાથે કલાકારોના મગજમાં પાત્ર ‘ફિટ’ થતું જાય.
સીન્સ આવતા ગયા અને સેટ થતા ગયા. આ રીતે સંઘ કાશીએ પહોંચવાની તૈયારીમાં આવી ગયો. તરુણ નાયક, જેને માત્ર ‘રિલીફ’ આપનારા નોકરના પાત્ર માટે પસંદ કરવામાં આવેલો એ ધાર્યું રિઝલ્ટ આપી નહોતો શકતો. હું વારંવાર એ બાબત અને ‘જીવન ચોપાટ’ની મારી થયેલી ભૂલ અંગે એનું ધ્યાન દોરતો રહ્યો. એવું લાગતું કે ‘રિલીફ’ આપનારું પાત્ર ‘ટેન્શન’ ન આપે તો સારું. હવે તો એ હયાત નથી, પ્રભુ એમના આત્માને શાંતિ આપે.
મારા એની ક્ષતિ સામે ધ્યાન દોરવા સામે મને કહેતો, ‘અત્યારે કદાચ તમને એવું લાગતું હશે. મારું એવું છે કે મને એક વાર મોઢા પર મેકઅપ લાગે પછી મારું પાત્ર તખ્તા પર એકદમ રમવા માંડશે.’ હવે આ બચાવ સામે મારે શું કહેવું? અમુક માણસો સાથે વિવાદ કરવો એટલે પોતાના ગાલ પર બેઠેલા મચ્છરને તમાચો મારવા જેવું છે, મચ્છર મરે કે ન મરે, પણ તમારો ગાલ ‘લાલ’ થઈ જાય એ નક્કી!
આમ પણ તરુણ નાયક મારા ‘સિનિયર’ હતા. એટલે એમને દુખ ન પહોંચે એ માટે હું વધુ વિવાદ કરતો નહિ. સાથે મારે
મારું જોઈતું ‘રિઝલ્ટ’ પણ જોઈતું હતું. એટલે કાન તો પકડતો રહેતો, હાથ બદલતો રહેતો. મેં એમને પ્રેમથી કહ્યું કે ‘મેકઅપ
તો જી.આર. અને પછી શો વખતે મોઢા પર ચઢશે, ત્યાં સુધી
મને સંતોષ થાય એવું ‘રિઝલ્ટ’ એક-બે વાર તો આપો.’ મને કહે કે ‘સોરી! મારું આવું જ છે. હું તમને કહું છું કે એક વાર મેકઅપ
કરી શો કરું અને જો તમને જોઈતું પરિણામ ન આપી શક્યો
તો હું સામેથી આવીને કહીશ કે મને
રિપ્લેસ કરી નાખો.’
હું આ સાંભળી રહ્યો. ખેર! નાટક આગળ વધતાં વધતાં ગ્રાંડ રિહર્સલના સ્ટેજ પર આવી પહોંચ્યું. મેં બે દિવસ માટે હિન્દુજા હોલ બુક કરાવી લીધો. પહેલો દિવસ સેટ, પ્રોપર્ટી અને લાઈટ્સમાં ગયો. બીજે દિવસે માત્ર રીડિંગ રાખ્યું, વિઘરામમાં.
કારણ એ બન્યું કે બીજે દિવસે ‘અકસ્માત’ના એક શો માટે અમદાવાદ જવાનું થયું. શૈલેશ દવે મારો પ્રોબ્લેમ બરાબર સમજી ગયા. મને કહે કે ‘દાદુ, આ નાટકમાં તારું રિપ્લેસમેન્ટ તો શક્ય જ નથી, પણ…’ એમ કહી આ પ્રોબ્લેમને ઓવરકમ કરવાનો એક પ્લાન કહ્યો. મેં હા પાડી. દવે મને ભેટતાં પોતાની શૈલીમાં એટલું જ બોલ્યા, ‘દાદુ, સીધા રસ્તા અને સીધા લોકો બહુ મુશ્કેલીથી મળે છે…’ પણ એ વખતે મારા પર શું વીતતું હતું એ મારું મન જ જાણતું હતું. (ક્રમશ:)
****
હવા ભી બે-કસૂર, દિયા ભી બે-કસૂર,
એક કો ચલના હૈ જરૂર, દૂસરે કો જલના હૈ જરૂર.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.