આખા દિવસના થાક્યા પાક્યા ઘરે પહોંચેલા મોટાભાગના લોકો ટીવી પર આવતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઈને પોતાના સ્ટ્રેસને દૂર ભગાવે છે. વર્ષોથી ટીવી પર આ શો ઓન એર છે અને આજે પણ તેની લોકપ્રિયતા દર્શકોમાં જળવાઈ રહેલી છે.
શોમાં જોવા મળતાં દરેક કેરેક્ટરની એક આગવી ખાસિયત છે અને તેમની એક અલગ ફેન ફોલોઈંગ છે. પરંતુ આ બધા વચ્ચે સિરિયલના સૌથી લોકપ્રિય પાત્રોમાં ‘દયાબેન’ (દયાબેન)નું નામ કદાચ પ્રથમ લેવામાં આવશે. આ શોમાં જેઠાલાલની પત્ની દયાબેનની ભૂમિકા અભિનેત્રી દિશા વાકાણી દ્વારા ભજવવામાં આવી હતી.
દિશા વાકાણીએ આ શોને છોડ્યાને ઘણા વર્ષો વીતી ગયા હોવા છતાં આજે પણ લોકો હજુ પણ તેમના પાત્રને યાદ કરે છે અને ચાહકોને આશા છે કે તે કદાચ આ શોમાં પાછા આવશે. તો શું દિશા વાકાણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પરત ફરી રહ્યા છે એવો સવાલ પ્રોડ્યુસર આસિત મોદીને હાલમાં જ પૂછવામાં આવ્યો હતો.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદીએ હાલમાં જ શોના તેમના પ્રિય પાત્ર ‘દયાબેન’ અંગે ચાહકોના પ્રશ્નોના જવાબ આપતા કહ્યું કે દયાબેન એટલે કે દિશા વાકાણી આ શોમાં કમબેક કરે, એ માત્ર ચાહકોની જ નહીં પરંતુ મારી પણ ઈચ્છા પણ છે પરંતુ આવું થઈ રહ્યું નથી કારણ કે દિશા હાલમાં તેમના બે બાળકો અને પરિવાર સાથે સમય પસાર કરવા માંગે છે. નિર્માતાનું કહેવું છે કે આવી સ્થિતિમાં હું તેમને દબાણ કરી શકું નહીં.
આસિત મોદીએ હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં એવું પણ કહ્યું હતું કે તેઓ નવી ‘દયાબેન’ની શોધમાં છે. આ પાત્રને બદલવું સરળ નથી અને આ જ કારણ છે કે તેઓ આટલો સમય લઈ રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે દિશાની જગ્યાએ જે પણ આવે તે પરફેક્ટ હોય અને ચાહકોને જૂની દયાબેનની ખોટ ન સાલવા દે. અસિત મોદીને આશા છે કે તેમને શો માટે નવી ‘દયા’ ટૂંક સમયમાં મળશે. જોઈએ હવે આસિત મોદી અને દર્શકોની આ ઈચ્છા ક્યારે પૂરી થાય છે અને દર્શકોને નવા દયાબેન ખડખડાટ હસાવતાં જોવા મળશે…