ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની શરદ પવારની બેઠકમાં તૃણમૂલ કૉંગ્રેસ ગેરહાજર, મમતાની તેમના સાંસદો સાથે બેઠક

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના ઉમેદવાર નક્કી કરવા માટે રવિવારે એનસીપી વડા શરદ પવારના ઘરે બોલાવવામાં આવેલી બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસે હાજરી આપી નથી.
નોંધનીય છે કે ભાજપે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA કેમ્પ વતી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડના નામની જાહેરાત કરી છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે સાંજે ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. રવિવારે બપોરે દિલ્હીમાં વિપક્ષી પાર્ટીઓએ ઉપરાષ્ટ્રપતિ પદના પોતાના ઉમેદવારો નક્કી કરવા બેઠક યોજી હતી. આ બેઠક NCP પ્રમુખ શરદ પવારના ઘરે યોજાઇ હતી. તૃણમૂલ કોંગ્રેસે આ બેઠકમાં ભાગ લીધો નહોતો.
ઉલ્લેખનીય છે કે સંસદના ચોમાસુ સત્રને લઈને કેન્દ્ર સરકાર દ્વારા આજે બોલાવવામાં આવેલી બેઠકમાં TMC સાંસદ સુદીપ બંદોપાધ્યાયે હાજરી આપી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, 21 જુલાઈના રોજ શહીદ દિવસને લઈને તૃણમૂલ સુપ્રીમો મમતા બેનર્જીના કાલીઘાટ સ્થિત આવાસ પર પાર્ટીના સાંસદો સાથે બેઠક બોલાવવામાં આવી છે. તે બેઠકમાં આગામી સત્રમાં વિપક્ષી પાર્ટી તરીકે તૃણમૂલની ભૂમિકા શું રહેશે તેની રણનીતિ નક્કી કરવામાં આવશે.
બંગાળના રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપે બંગાળના રાજ્યપાલને નોમિનેટ કર્યા છે, તેથી તૃણમૂલ નેતૃત્વ આ અંગે સભાન પગલું ભરવા માંગે છે. ટીએમસી એક રીતે ફરી બતાવવા માંગે છે કે કોંગ્રેસ વિપક્ષનું પરિબળ નક્કી કરી રહી નથી અને રાજ્યપાલ બંગાળના હોવાથી પાર્ટી આ મુદ્દા પર પણ પુનર્વિચાર કરશે.
ટીએમસી અને ધનખડ વચ્ચેના સંબંધો સારા ન હોવા છતાં, ધનખડ અંગે ટીએમસીનું વલણ અલગ હોઈ શકે છે, એમ અન્ય નિષ્ણાતોએ જણાવ્યું હતું.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષનો ઉમેદવાર જે હોય તે, પણ હાલમાં તો NCP પ્રમુખ શરદ પવારના ઘરે બોલાવાયેલી બેઠકમાં હાજરી ના આપવા બદલ વિપક્ષોએ મમતાને ઘેરવાનું શરૂ કરી દીધુ છે. કૉંગ્રેસના અધીર ચૌધરીએ કહ્યું, “તેઓ (મમતા) ભાજપ સામે લડવા માટે ગંભીર નથી, તેથી જ તેઓ મીટિંગમાં ગયા નથી.” “તેઓ (મમતા) દાર્જિલિંગમાં ધનકર અને હિમંતાને શા માટે મળ્યા, તે હવે અમે સમજી રહ્યા છીએ,” એવી CPI-Mના નેતા સુજન ચક્રવર્તીએ ટિપ્પણી કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.