(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે મહાનગરપાલિકાએ વર્ષ ૨૦૨૨-૨૩ના નાણાકીય વર્ષમાં ૭૧૧ કરોડ રૂપિયાનો વિક્રમજનક પ્રોપર્ટી ટૅક્સ વસૂલ કર્યો છે, તે પણ ૩૦ માર્ચના એટલે કે માર્ચ પૂરો થવાના એક દિવસ પહેલા જ વસૂલ કર્યો છે.
વર્ષ ૨૦૨૨-૨૩ના આર્થિક વર્ષમાં સુધારિત બજેટમાં પ્રોપર્ટી ટૅક્સ વસૂલી માટે ૭૦૫.૨૫ કરોડ રૂપિયાનો સુધારિત ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. હાલ ૭૧૧ કરોડ રૂપિયા જેટલો ટૅક્સ વસૂલમાં સફળતા મળી છે. વર્ષ ૨૦૨૧-૨૨ના આર્થિક વર્ષમાં ૫૯૧ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટૅક્સ વસૂલ થયો હતો. ગયા વર્ષની સરખામણીમાં ૧૧૫ કરોડ રૂપિયાનો વિક્રમી વધારો થયો છે. થાણે શહેરના ઈતિહાસમાં પહેલી વખત ૭૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાલિકાએ પાર કર્યો છે.
લોકો ચાલુ વર્ષમાં પ્રોપર્ટી ટૅક્સ સમયસર ચૂકવે તે માટે થાણે પાલિકાએ અનેક ઉપાયયોજના અમલમાં મૂકી હતી. પાલિકાના કર વસૂલનારા સેન્ટરો શનિવાર, રવિવારની સાથે જ સાર્વજનિક રજામાં પણ ચાલુ રાખવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા, થિયેટર, નાટ્યગૃહમાં નાગરિકોને પ્રોપર્ટી ટૅક્સ ભરવાની અપીલ કરવામાં આવી હતી. તેમ જ સ્ટ્રીટ પ્લે કરીને પણ પ્રોપર્ટી ટૅક્સના ડિફોલ્ટરોને ટૅક્સ ભરવા માટે અપીલ કરવામાં આવી હતી.
માર્ચ, ૨૦૨૩માં એક જ મહિનામાં પ્રોપર્ટી ટૅક્સના ૮૩.૪૫ કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. તેમાંથી ૧૫ માર્ચથી ૩૦ માર્ચ સુધી ૫૯.૬૦ કરોડ રૂપિયા વસૂલ્યા હતા. જે કરદાતાઓએ અગાઉનો ટૅક્સ ચૂકવ્યો નથી, તેના સહિત પહેલા છ મહિનાનો ટૅક્સ એકીસાથે પહેલી એપ્રિલ, ૨૦૨૩થી ૧૫ જૂન ૨૦૨૩ સુધીમાં ભરશે તેવા કરદાતાના બીજા છ મહિના માટે પ્રોપર્ટી ટૅક્સમાં ૧૦ ટકા છૂટ તો ૧૬ જૂન ૨૦૨૩થી ૩૦ જૂન, ૨૦૨૩ના સમયગાળા માટે કર ભરવામાં ચાર ટકા છૂટ તો પહેલી જુલાઈ ૨૦૨૩થી ૩૧ જુલાઈ, ૨૦૨૩ સુધીના સમયમાં કર ભરનારાના ત્રણ ટકા તો પહેલી ઑગસ્ટ, ૨૦૨૩થી ૩૦ ઑગસ્ટ, ૨૦૨૩ સુધીના સમયગાળા માટે બે ટકા છૂટ આપવામાં આવશે એવી જાહેરાત થાણે પાલિકા પ્રશાસને કરી હતી.