Homeઉત્સવઉપાધિ: આવે તો શોક અને મળે તો આનંદ

ઉપાધિ: આવે તો શોક અને મળે તો આનંદ

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

શબ્દ એક અર્થ અનેક અને અર્થ એક શબ્દ અનેક જેવી પરિસ્થિતિ જ્યારે ભાષામાં જોવા મળે છે ત્યારે જ્ઞાન સાથે ગમ્મત આપે છે. કાળ એટલે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ એમ સમયના અર્થ જાણીતા છે. કાળ એટલે સમયનો એક હિસ્સો – દિવસ પણ માનવામાં આવે છે. આ દિવસને દિન અને રાત્રમાં વિભાજીત કરી બંનેના ચોઘડિયા બનાવ્યા છે જેમાં એક ચોઘડિયું કાળ ચોઘડિયું છે જે અશુભ માનવામાં આવે છે. કાળઝાળ ગરમીમાં કાળનો અર્થ નુકસાન કે હેરાનગતિ કરનાર એવો થાય છે. દુકાળમાં કોદરા મોંઘા-કાળમાં કોદરા વહાલા લાગે એ કહેવત જાણીતી છે. તંગીને વખતે ખરાબ અથવા હલકી વસ્તુ પણ સારી લાગે એ એનો ભાવાર્થ છે. શબ્દ એક અને અર્થ અનેકના અન્ય ઉદાહરણની શરૂઆત ઉપાધિ શબ્દથી કરીએ. અચાનક ઉપાધિ આવી પડે તો માણસ મુશ્કેલીમાં મુકાઈ જાય. અહીં ઉપાધિનો અર્થ મુસીબત થાય છે. દીકરીને ડૉક્ટરની ઉપાધિ મળતા માતા – પિતાના હરખનો કોઈ પાર ન રહ્યો. અહીં ઉપાધિ એટલે પદવી – ડિગ્રી એ અર્થ છે. મતલબ કે ઉપાધિ આવે તો શોક અને મળે તો આનંદ. બીજું ઉદાહરણ છે મત. આ વાર્તા વિશે તમારો મત જણાવો. અહીં મત એટલે અભિપ્રાય કે મંતવ્ય એ અર્થ અભિપ્રેત છે. તમારો મત કયા પક્ષને આપશો? એમાં અનુમોદન કે ટેકો એવો પણ અર્થ મતનો થાય છે. ભેદ કરવો કે ભેદ રાખવો એટલે કોઈ બે વ્યક્તિ સાથે ઓછું – વત્તુ વર્તન કરવું. ભેદભાવ કરવો કે ભેદભાવ રાખવો એમ પણ કહેવાય છે. ભેદ ઉઘાડો પાડવો કે ભેદ ખોલવો એટલે રહસ્ય છતું કરી દેવું એવો અર્થ થાય છે. દિવાળીના દિવસોમાં કેવી ભાતભાતની રંગોળી જોવા મળે છે. અહીં ભાત એટલે છાપ અથવા ડિઝાઇન એવો અર્થ છે. હવે આ જ ભાત થાળીમાં પીરસાય એટલે ખાણું બની જાય છે. ભાત વગરનું ભોજન અધૂરું લાગે. અહીં ભાત એટલે રાંધેલા ચોખા એ અર્થ છે. ધન એટલે દ્રવ્ય, નાણાં, પૈસા, વિત્ત અર્થ પ્રચલિત છે. આ બધા સમાનાર્થી શબ્દો છે. વિદેશ વ્યાપારમાં એ સારું ધન કમાયો એમાં નાણાંનો અર્થ સમાયેલો છે. જોકે, આ શબ્દ ધન ભાગ, ધન ઘડી પ્રયોગમાં સારો સમય, મંગળ અવસર એવો અર્થ ધારણ કરે છે. ધન નામની નવમી રાશિ પણ છે. એ રાશિમાં સૂર્ય હોય ત્યારે ધનસંક્રાતિ કહેવાય છે. મૂળ, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢાનો પા ભાગ ધનરાશિમાં આવે છે. માણસ ઘોડા ઉપર બેઠો હોય પરંતુ તેના પગ ન દેખાતાં ઘોડાના પગ દેખાય તેવી આકૃતિની ધન રાશિ મનાય છે. હવે એક એવા શબ્દની વાત કરીએ જે ઉપાધિની જેમ બે વિરુદ્ધ લાગણી જન્માવે છે. શબ્દ છે હાર. રમતમાં હાર – જીત તો થયા જ કરતી હોય છે. અહીં હાર નકારાત્મક ભાવના ધરાવે છે. હવે બીજા વાક્યમાં બીજો અર્થ જોઈએ. લગ્ન તિથિના દિવસે પત્નીને સોનાનો નવો હાર ભેટ આપતા એ આનંદથી ઉછળી પડી. અહીં ખુશીની ભાવના વ્યક્ત થાય છે. આમ હાર શબ્દ પણ વિરુદ્ધ લાગણીનું પ્રતિનિધિત્વ કરે છે. વાંકું શબ્દ પણ બે અલગ અર્થ ધરાવે છે. એક અર્થ છે વક્ર આકારનું, એક બાજુ વળેલું કે નમેલું. ખુરશીમાંથી પડી ગયા પછી દાદાજીનું શરીર વાંકું વળી ગયું છે. દલપતરામની બહુ જ જાણીતી કવિતા અન્યનું તો એક વાંકું આપના અઢાર છેમાં પણ વળેલું કે નમેલું અર્થ જ જોવા મળે છે. બીજો અર્થ છે અણબનાવ કે વાંધો પડવો. પાડોશી સાથે વાંકું પડ્યા પછી સંબંધ જળવાયા નથી. ભાષાની કેવી કેવી ખાસિયતો અને લાક્ષણિકતા હોય છે ને!
———-
CONTRONYMS
અંગ્રેજી ભાષાની અનેક લાક્ષણિકતા છે. આ ભાષામાં એવા પણ શબ્દો છે જેના વપરાશ અનુસાર અલગ અલગ અર્થ થાય. આ શબ્દ Contronym – Janus – Auto Antonym તરીકે પણ ઓળખાય છે. ટૂંકમાં આ શબ્દ Homonym (સરખો ઉચ્ચાર, પણ અલગ સ્પેલિંગ અને જુદા અર્થ અથવા સરખો ઉચ્ચાર, સરખા સ્પેલિંગ પણ અલગ અર્થ) પણ છે અને સાથે Antonym (વિરૂદ્ધાર્થી) પણ છે. આ મજેદાર શબ્દોના કેટલાક ઉદાહરણ જોઈએ.Sanction શબ્દનો એક અર્થ છે પરવાનગી કે મંજૂરી આપવી. The Government cannot enact laws without the sanction of Parliament. સંસદની મંજૂરી મેળવ્યા વિના સરકાર કાયદો ઘડી ન શકે. આ શબ્દનો બીજો અર્થ છે પ્રતિબંધ. Some countries have put economic sanctions on Russia.. કેટલાક દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધ મૂક્યા છે.
બીજું ઉદાહરણ છેLeft જેનો એક અર્થ થાય છે ડાબું.My left hand is paining. મારા ડાબા હાથમાં દુખાવો થાય છે. બીજો અર્થ છે બાકી રહેવું, Nothing was left in the kitchen, Guests finished everything. રસોડામાં કોઈ ખાવાનું બચ્યું નથી. મહેમાનો બધું સફાચટ કરી ગયા. ત્રીજો અર્થ છે નીકળી જવું કે ઉપડી જવું. When I reached the station, the train had already left. હું સ્ટેશન પહોંચ્યો ત્યારે ટ્રેન ઉપડી ગઈ હતી. ત્રીજું ઉદાહરણ છે Fast આ શબ્દ પણ ઉપયોગ અનુસાર વિવિધ અર્થ ધરાવે છે.He runs very fast વાક્યમાં ઝડપ દર્શાવે છે. એ બહુ ઝડપથી દોડે છે.Your watch is 15 minutes fast એટલે તમારી ઘડિયાળ ૧૫ મિનિટ આગળ છે. For safety, a rope was fast to each corner. સલામતીના કારણોસર દરેક ખૂણે દોરડું બાંધવામાં આવ્યું હતું. I am on a fast so I will eat only fruits. આજે મારે ઉપવાસ છે એટલે હું માત્ર ફળ જ ખાઈશ. Bill શબ્દ તમે અનેક વાર સાંભળ્યો કે વાપર્યો હશે, પણ એના વિવિધ અર્થ કદાચ ધ્યાનમાં નહીં આવ્યા હોય. એક અર્થ છે વસ્તુ કે સેવા અંગે ચુકવવાની રકમનું લેખિત કે છાપેલી વિગત. My company paid the bill of the party. પાર્ટીનો ખર્ચ મારી કંપનીએ ચૂકવી દીધો. The bill was presented in the parliament for discussion. ચર્ચા માટે ખરડો – વિધેયક સંસદમાં રજૂ કરવામાં આવ્યું. He gave me a ten dollar bill. તેણે મને ૧૦ ડોલરની નોટ આપી. વપરાશ અનુસાર એક જ શબ્દના અર્થ કેવા બદલાઈ જાય છે!
————
शब्द एक अर्थ वेगळे
મરાઠીમાં સુદ્ધાં એવા અનેક શબ્દો છે જેના એકથી વધુ અર્થ થાય છે. અલબત્ત એનો ઉપયોગ કઈ રીતે થયો છે એના પર આધાર રાખે છે. अभंग શબ્દના ઉલ્લેખ સાથે બે હાથ જોડાઈ જાય. વિઠોબાની ભક્તિ માટે જે રચના ગાવામાં આવે છે એ અભંગ તરીકે ઓળખાય છે.
સંત તુકારામનું એક સુંદર અભંગ છે विठ्ठलाच्या पायी वीट झाली भाग्यवंत, पहाताच होती दंग आज सर्व संत, विठ्ठलाच्या पायी वीट झाली भाग्यवंत. . વિટ એટલે ઈંટ. કથા અનુસાર વિઠ્ઠલ ભગવાન દર્શન આપે છે ત્યારે માતા – પિતાની સેવાને પ્રાધાન્ય આપતો પુંડલિક ભગવાનને ઈંટ આપી એની પર ઊભા રહી રાહ જોવા કહે છે. એ સંદર્ભમાં અભંગમાં કહેવાયું છે કે ઈંટ પણ નસીબદાર કે એને ભગવાન શ્રી વિઠ્ઠલના પગ નીચે આવવાનો મોકો મળ્યો અને એ જોઈ બધા દંગ રહી ગયા. અભંગનો બીજો અર્થ છે ભાંગેલું નહીં એવું એટલે કે અખંડ. આ પ્રકારનો બીજો શબ્દ છે.
उत्तर. એક અર્થ ઉત્તર દિશા સુચવે છે જ્યારે બીજો અર્થ છે સવાલનો જવાબ અથવા ખુલાસો. कर શબ્દના અર્થ પણ જાણવા જેવા છે. અત્યંત પ્રચલિત અર્થ છે સરકારી મહેસૂલ જેને આપણે ઈન્કમ ટેક્સ કે સેલ્સ ટેક્સ તરીકે ઓળખીએ છીએ. બીજો જાણીતો અર્થ છે હાથ. ગુજરાતીમાં પણ કર શબ્દનો અર્થ હાથ જ થાય છે. જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે એ નારીશક્તિનો મહિમા ગાતી પંક્તિ ખૂબ જ જાણીતી છે.चूक એટલે ભૂલ, ક્ષતિ કે દોષ એવા અર્થ છે.
ગુજરાતીમાં ચૂક શબ્દ પણ વપરાય છે. ભૂલચૂક લેવી દેવી પ્રયોગ જાણીતો છે. મરાઠી ચૂકનો બીજો અર્થ છે નાનકડો ખીલો. ह्या चुका वाटेतून बाजूला कर नाही तर कुणाचा तरी पाय पडेल. રસ્તે પડ્યા આ નાનકડા ખીલા બાજુમાં મૂકી દ્યો, નહીં તો કોઈનો પગ પડશે એના પર.
———-
शब्द एक अर्थ अनेक
हर भाषा में कुछ ऐसे शब्द होते हैं जिनके एक से अधिक अर्थ निकलते है। ये अलग-अलग अवसरों मे, वाक्यों के साथ मिलकर अलग अलग अर्थ देते हैं। ये शब्द अनेकार्थी शब्द कहलाते है. उदाहरणार्थ ‘रहिमन पानी राखिए, बिन पानी सब सून. पानी गए न ऊबरै मोती, मानुष, चून. અહીં
પાનીના (પાણીના) ત્રણ અર્થ છે. પહેલીવાર મનુષ્યની વિનમ્રતાની વાત છે. મનુષ્યમાં કાયમ વિનમ્રતા (પાની) હોવી જોઈએ. પાનીનો બીજો અર્થ છે આભ, તેજ કે
ચમક. એના વિના મોતીનું કોઈ મૂલ્ય નથી. આટા એટલે કે લોટ પાણી વિના બંધાઈ નથી શકતો એ ઉદાહરણથી
પાણી વિના લોટના અસ્તિત્વનો કોઈ અર્થ નથી એ
સમજાવ્યું છે.
એક સાથે સમજીએ તો પાણી વિના લોટનો અર્થ નથી, તેજ વિના મોટી નકામું છે એમ વિનમ્રતા વિનાના
માનવીનું કોઈ મૂલ્ય નથી. અલબત્ત આજના યુગમાં
આ વાત ગળે ન ઉતરે એ અલગ વાત છે. હવે બીજું
ઉદાહરણ જોઈએ. चली चंचला, चंचला के पर से, तभी चंचला चमक पडी અહીં ચંચલા શબ્દ ત્રણ અલગ અલગ અર્થ ધારણ કરી ભાષાની લાક્ષણિકતા સમજાવે છે. ચલી ચંચલામાં લક્ષ્મી એવો અર્થ છે, ચંચલા કે ઘર એમાં સ્ત્રી એવો અર્થ છે અને ચંચલા ચમક પડી એમાં વીજળી એવો અર્થ છે.
સમગ્ર ઉદાહરણ સાથે સમજીએ તો લક્ષ્મી જ્યારે સ્ત્રીનું ઘર છોડીને નીકળી ત્યારે વીજળી ચમકી એવો અર્થ છે. મતલબ કે કોઈ ચોંકાવનારી ઘટના બની એવો ભાવાર્થ છે.

RELATED ARTICLES

Most Popular