આજે મુંબઈ હોય કે દેશનું કોઈ પણ બીજું મોટું શહેર. વાહનો વિના શહેરના રસ્તાઓ સાવ સુના છે અને આ વાહનો જ માનવીના રોજિંદા જીવનનો મહત્વનો હિસ્સો બની ચૂક્યા છે. તમે શોરૂમમાં જ્યારે વાહન ખરીદવા જાવ છો ત્યારે તમને ગાડીના કલર્સમાં તો ઘણા બધા વેરિયેશન જોવા મળે છે, પણ આ બધા કારના ટાયરનો રંગ કાળો જ હોય છે.
ક્યારેય વિચાર્યું છે ખરું કે આખરે આ ટાયરનો રંગ કાળો જ કેમ હોય છે પીળો સફેદ કે બીજા રંગના ટાયર કેમ નથી જોવા મળતા. પણ શું તમને ખબર છે કે આ ટાયર કાળા રંગના હોવા પાછળ સાયન્ટિક કારણ કામ કરે છે. જેના વિશે આજે આપણે વાત કરીશું.
એક રિપોર્ટની વાત માનીએ તો કાચું રબર પીળા રંગનું હોય છે પણ તેમાંથી જો ટાયર બનાવામાં આવે તો તે ઝડપથી ઘસાઈ જાય છે. એટલે ટાયરને મજબૂત બનાવવા માટે તેમાં કાર્બન અને સલ્ફર બને મેળવવામાં આવે છે. આ બંનેને કારણે ટાયર મજબૂત બને છે અને લાંબો સમય સુધી ચાલે છે. કાર્બનને કારણે રબર કાળા રંગનું થઈ જાય છે અને આપણા કારના ટાયર કાળા રંગના બને છે.
તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે અમુક ગાડીના ટાયર સફેદ રંગના હોય છે પણ કાળા રંગના ટાયરની સરખામણીએ આ ટાયર એટલો લાંબો સમય સુધી ચાલતા નથી. બાળકોની રમકડાંની ગાડીના ટાયર રંગબેરંગી હોય છે, પણ તમે જોયું હશે કે આ ટાયર થોડાક સમય બાદ ફાટી જાય છે. આંકડા પર વિશ્વાસ કરીએ તો કાર્બન વગરના ટાયર જ્યાં 8000 કિલોમીટર ચાલે છે તેની સરખમણીમાં કાર્બનવાળા કાળા ટાયર 1 લાખ કિલોમીટર સુધી ચાલે છે…