ફાગણ મહિનાની પૂનમ નજીક આવી રહી છે અને હોળી અને ધૂળેટીના તહેવારો મનાવવા સૌ કોઈ તૈયારી કરી રહ્યા છે. રંગોથી રમવાના શોખિનો સૌ કોઈ હોળીની રાહ જોઈ રહ્યા છે. હોળી રમવાની જેટલી મજા આવે છે તેટલો જ કંટાળો હોળીના રંગોથી મુક્તિ મેળવવામાં આવે છે. હોળી દરમિયાન ત્વચા, આંખ સહિત શરીરનું સ્વાસ્થ્ય ખૂબ મહત્વનું બની જાય છે. ત્યારે રંગોના આ ઉત્સવને ઉજવતા પહેલા આ ટીપ્સ વાંચી લો અને પછી રંગાઈ જાઓ રંગમાં…
1. હોળીના તહેવારો દરમિયાન તમારી ત્વચા ઓઈલી કે ચીંકણી રહે તે જરૂરી છે. જેથી રંગો તમારી ત્વચા પર ચોંટી ન જાય કે પ્રસરે નહીં. તમે નાળિયળના તેલનું એક જાડું સ્તર જ જો ચહેરા અને શરીર પર ખડકી દો તો ત્વચા સૂકી નહીં પડે અને રંગોને સાફ કરવાનું આસાન બની જશે.
2. આમ તો આજની પેઢી પર્યાવરણ અને આરોગ્ય બન્ને બાબતોમાં સજાગ થઈ ગઈ છે. તેમ છતાં હોળીના રંગોની પસંદગી કરતા સમયે ખાસ ધ્યાન રાખો કે કેમિકલયુક્ત રંગો ન હોય. આવા રંગો દેખાવમાં ઘેરા અને પાણીમાં જલદીથી ગોળાઈ જતા હોય છે, પરંતુ ત્વચા, આંખ માટે ખૂબ જ નુકસાનકારક હોય છે.
3. હોળી ઉનાળાની શરૂઆતમાં આવે છે, પરંતુ વાતાવરણમાં ગરમી ફેલાઈ ગઈ હોય છે. હોળીમાં સ્વાભાવિક એકથી બીજી જગ્યાએ દોડવાનું, ડાન્સ મસ્તી કરવાની હોય છે, આથી પાણી પૂરતા પ્રમાણમાં પીવું બહુ જરૂરી છે. પાણી સાથે ગ્લુકોઝ કે જ્યુસ વગેરે પીવાથી ડિહાઈડ્રેશનથી બચી શકાય છે અને શરીરને સતત એનર્જી મળે છે.
4. જો તમે કોન્ટેક્ટ લેન્સ પહેરતા હો તો રંગોથી રમતા પહેલા કાઢી નાખજો. જો તેમાં રંગો ગયા તો આંખમાં બળતરા અને ખંજવાળ આવી શકે છે. ચશ્મા અથવા ગોગલ્સ પહેરવાનું ભૂલશો નહીં. આંખની જાળવણી રંગોથી રમતા સમયે ખૂબ મહત્વની બની રહે છે.
5. હોળી આજકાલ સોસાયટીઓમાં અને પ્લોટમાં રમવામાં આવે છે. બધા ભેગા મળી મજા માણે એટલે સ્વાભાવિક છે કે ખાણીપીણીની વ્યવસ્થા કરવામાં આવે. આ સમયે મોટા પ્રમાણમાં ઓર્ડર આવતા હોવાથી બહારની વસ્તુઓ તાજી હોવાની સંબાવના ઘણી ઓછી છે. આથી બની શકે તો પોતનો જ રસોઈયો કે કેટરર રાખી નજરની સામે વસ્તુ બને તેવું આયોજન કરો.
6. હોળીના દિવસે સ્વાભાવિક રીતે તમે જૂના કપડા જ પહેરશો, પણ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે જેટલું શરીર ઢંકાય એટલું વધારે સારું. આથી સ્લીવલેસ કે શોર્ટ્સ વગેરે પહેરવાનું ટાળી પૂરા શરીરને ઢાંકવાનું રાખો.
7. ભંગ કા રંગ ચડે હો..ગીત વાગે ને પીવાનું મન થાય તે બરાબર છે, પણ ભાંગ પીવામાં કન્ટ્રોલ કરજો. વધારે ભાંગ બ્લડ પ્રેશર વધારે છે અને હાર્ટ રેટમાં વધારો કરે છે, આથી ભાંગ તમારા રંગમાં ભંગ ન પાડે તેનું ખાસ ધ્યાન રાખજો.
8. તમને રંગ ગમે છે, હોળી રમવી ગમે છે એનો મતલબ એ નથી કે બધાને ગમે. જેમની ઈચ્છા હોય તેમને જ રંગ લગાડો અને ખાસ કરીને પાલતું પ્રાણી, શેરીઓના પ્રાણીને રંગ લગાડશો નહીં. તેમને ગમતું નથી.
9. હોળી રમવા જાઓ તે પહેલા પેટપૂજા કરીને જજો. ખાલી પેટે કે માત્ર ચા-કોફી પીને હોળી રમશો નહીં. થોડું ખાઈ લેજો અને ફળ પણ ખાજો. ડિહાઈડ્રેશનથી બચશો અને તાકાત સાથે રંગાશો ને રંગી શકશો.