ઓપિનિયન – સી. એ. પ્રકાશ દેસાઇ
જિંદગીમાં સફળતા અને નિષ્ફળતા માટે ઘણા પરિબળો જવાબદાર હોય છે, પણ તે બધામાં પણ જો સૌથી વધારે અગત્યનું ફેકટર હોય તો તે છે ટાઇમિંગ્ઝનું મતલબ સમયસૂચકતાનું.
કહેવાય છે કે ભગવાન બહુ દયાવાન છે અને બધાને લાઇફમાં એક વાર અને ક્યારેક નસીબદાર હોય તેને એક કરતાં પણ વધારે મોકાઓ આપે છે જ્યારે તે જો સમયસૂચકતા વાપરીને નિર્ણય કરે તો તેના માટે સફળતાના દ્વાર ખુલી જાય છે, પણ કેટલા લોકો લકી હોય છે કે તે આવી તકનો લાભ લઇ શકે છે?
આ વાત ૯૦ના દશકાની છે, જ્યારે સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીના તૈવાનીઝ અમેરિકન જેરી યંગ અને અમેરિકન ડેવિડ ફીલોએ ૨જી માર્ચ ૧૯૯૫ના રોજ યાહુ સર્ચ એન્જિનની સ્થાપના કરી અને શરૂ થતા જ તે દુનિયાભરમાં છવાઇ ગયેલ. ભારતીયો માટે યાહુ શબ્દ નવો નહોતો થેક્સ ટુ જંગલી મૂવીનું ગીત. ૯૦ના દશકામાં યાહુ.. કોમ લગભગ બધાના ઇમેલ એડ્રેસમાં છવાયેલું હતું અને તે સમયે દુનિયાનું બહુ સક્સેસફૂલ ર્સ્ટાટઅપ હતું. ૩જી જાન્યુઆરી ૨૦૦૦ના રોજ યાહુના શેરનો ભાવ ૪૭૫ ડૉલરનો હતો.
લગભગ આજ સમયે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ભણતા બે યુવાનો લરી પેજ અને સર્જી બ્રીને ગુગલ સર્ચ એન્જિન કંપની શરૂ કરેલી જેનું બિઝનેસ મોડલ લગભગ યાહુ જેવું જ હતું. અમેરિકાના કોર્પોરેટ વર્લ્ડમાં એક ટ્રેન્ડ છે કે ત્યાં બળવાન કંપની તેના કોમ્પિટિટરને ઊંચી રકમથી ખરીદી લે છે જેથી હરીફાઇનો સામનો ના કરવો પડે અને તેની મોનોપોલી બરકરાર રહે. ગૂગલ શરૂ કર્યાના થોડા સમય બાદ ૧૯૯૮માં તેના સંસ્થાપકો લરી પેજ અને સર્જી બ્રીનને થયું કે હવે ભણવામાં ધ્યાન આપવાની જરૂર છે તેથી તેઓએ યાહુનો સંપર્ક કરીને ગૂગલ ૧ મિલિયન ડૉલર્સમાં વેંચવાનો પ્રસ્તાવ આપ્યો પણ તે સમયે સફળતાના મદમાં રાચતા જેરી યંગને વિચાર નહીં આવ્યો કે તે ગૂગલ ખરીદીને કોમ્પિટિશનને કીલ કરવી જોઇએ અને તેણે ગૂગલને કહ્યું કે વિચારીને જવાબ આપશે ત્યાં તો ગૂગલનું વેલ્યુએશન વધીને ૩ બિલિયન ડૉલર્સે પહોંચી ગયેલ હતું, એક વખત તક ગુમાવ્યા પછી યાહુને ૨૦૦૨માં ફરી તક મળી, જ્યારે ગૂગલે યાહુને ૫ બિલિયન ડૉલર્સમાં કંપની વેંચવાનો પ્રસ્તાવ આપ્યો પણ ત્યારે જેરી યંગને ગૂગલ બહુ મોંઘી લાગી અને ફરી પ્રસ્તાવ રિજેક્ટ કરી દીધો આની પહેલા ૧૯૯૯માં જેરી યંગએ ૫.૭ બિલિયન ડૉલર્સમાં બ્રોડકાસ્ટ.કોમ કંપની ખરીદેલી જેનાથી યાહુને ખાસ કોઇ ફાયદો નહીં થયો. આજે ગૂગલનું માર્કેટ કૅપ ૧.૨૧ ટ્રિલિયન ડૉલર્સનું છે અને યાહુ જેનું માર્કેટ કૅપ ૨૦૦૦માં ૧૨૫ બિલિયન ડૉલર્સનું હતું તે ૨૦૦૨માં ઘટીને ૧૦ બિલિયન ડૉલર્સનું થઇ ગયેલ હતું.
યાહુએ ફેસબુકને ટેઇક ઓવર કરવા માટે ૧ બિલિયન ડૉલર્સની ઓફર મૂકેલી અને ફેસબુકના માર્કઝુકરબર્ગ યાહુની ઓફર સ્વીકારી રહ્યાં હતા ત્યાં જ યાહુએ ૧ બિલિયન ડૉલર્સની ઓફર ઘટાડીને ૮૫૦ મિલિયન ડૉલર્સની કરી નાખતા ફેસબુકે તેને રિજેક્ટ કરી દીધી આજે ફેસબુકનું માર્કેટ કૅપ ૪૪૮ બિલિયન ડૉલર્સનું છે.
૧૯૯૮ અને ૨૦૦૨માં ગૂગલને ટેઇક ઓવર કરવાનો મોકો સમય સૂચકતા વાપરીને ગુમાવનાર જેરી યંગ બહુ નશીબદાર હતો. તેને ૨૦૦૮માં ફરી એકવાર મોકો મળ્યો જ્યારે માઇક્રોસોફટએ યાહુને શેરના માર્કેટ ભાવ પર ૩૩ ટકા પ્રીમિયમ આપીને ૪૪.૬ બિલિયન ડૉલર્સમાં ટેઇકઓવરની ઓફર આપેલી તે સમયે દુનિયાભરના કોર્પોરેટ વર્લ્ડમાં આ એક બહુ મોટા સમાચાર હતા. અને કોર્પોરેટ જગતનું માનવું હતું કે માઇક્રોસોફટનો ૪૪.૬ બિલિયનનો યાહુનો ટેઇકઓવરની ઓફર સ્યૂસાઇડલ છે. જેરી યંગનું ફરી એકવાર ટાઇમિંગ ખોટું પડ્યું, જ્યારે તેણે માઇક્રોસોફટનો ૪૪.૬ બિલિયન ડૉલર્સ રોકડા કરવાનો પ્રસ્તાવ પણ ઓછા વેલ્યુએશનના લીધે ફગાવી દીધો, પણ માઇક્રોસોફટ સ્યૂસાઇડ કરતા બચી ગયું!!
આખરે યાહુનો કોર બિઝનેસ વેબ એસેટ વેરીઝોનએ ૪.૮ બિલિયન ડૉલર્સમાં ખરીદી લીધો. જેરી યંગ જેવા ભાગ્યે જ લોકો નસીબદાર હશે કે જેને હરીફનો બિઝનેસ ટેઇકઓવર કરવાના અને હરીફને પોતાનો બિઝનેસ હેન્ડસમ એમાઉન્ટમાં વેંચવાના મોકાઓ મળ્યા હોય પણ દરેક વખતે સમયસૂચકતાનો અભાવ હતો. મિથ્યા અભિમાન, બીજાની ટેલન્ટને ઓછી આંકવી અને પૈસાની લાલચ આ બધામાં લાઇફમાં ટાઇમિંગ્ઝનું ઇમ્પોર્ટન્સ કેવું હોવું જોઇએ તેના માટેનું શ્રેષ્ઠ ઉદહરણ યાહુની સ્ટોરી છે તેથી આપણામાં કહેવાય છેને કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ના જવાય તે યાહુના સ્થાપકોને બરાબર લાગુ પડે છે, કારણ કે “નથીંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મિસ્ડ ઓપોર્ચ્યુનીટી.