સમય, વિશ્ર્વાસ અને ઈજ્જત એવાં પંખી છે, જે એક વાર ઊડી જાય પછી પાછાં આવવાં મુશ્કેલ

મેટિની

અરવિંદ વેકરિયા

નાટક ‘તિરાડ’ના ફાઇનલ જી.આર.ની શરૂઆત કરી લીધી. શૈલેશ દવેએ પોતાના અનુભવનાં છાંટણાં પહેલા જી.આર.માં દિલથી કર્યાં હશે એ મને બીજા અને ફાઇનલ જી.આર. શરૂ કરતાં દેખાઈ આવ્યું. એક પાત્રમાં ફરક ન દેખાયો, એ નોકરનું પાત્ર. તરુણ નાયક મને ‘ટેન્શન’ આપતો હતો. એની બાંયધરી થોડી શાતા આપતી. જોકે મન સ્વીકારતું નહોતું. એનું વચન હતું કે જો પોતે પાત્રને ન્યાય ન આપી શકે તો સામેથી આવી પોતાની અસમર્થતા સ્વીકારી બીજા કલાકાર માટે પોતે નાટક છોડી દેશે, પરંતુ સમય, વિશ્ર્વાસ અને ઈજ્જત એવાં પંખી છે જે એક વાર ઊડી જાય પછી પાછાં આવવાં મુશ્કેલ. મેં જી.આર. પૂરું કર્યું, પરંતુ તરુણ નાયકમાં, એક દિગ્દર્શક તરીકે મને સંતોષ ન મળ્યો તે ન જ મળ્યો. હું એના વચનથી બંધાયેલો હતો એટલે મેં બધું ‘માધવ’ પર છોડી દીધું.
પ્રથમ શોનો દિવસ આવી ગયો. માલાડ ઇસ્ટમાં, સવારથી રામલીલા મેદાન-ગ્રાઉન્ડ પર હું અને વિદ્યુત પહોંચી ગયા. ત્યાંનો સ્ટાફ ખૂબ કો-ઓપરેટિવ હતો. (અત્યારની ખબર નથી.) લાઈટ મેન, સેટ બધું વહેલાસર આવી ગયું હતું. ધીમે ધીમે કરતાં સાંજના સાતેક વાગ્યા સુધીમાં બધું તૈયાર થઇ ગયું. શોનો સમય ઓર્ગનાઈઝરે ૮.૩૦ વાગ્યાનો જાહેર કરેલો. બધા કલાકારો ૭.૩૦થી ૭.૪૫ વચ્ચે તૈયાર થઇ ગયા. પહેલા શોનો ગભરાટ અને મીઠો આનંદ દરેક કલાકારના મોં ઉપર દેખાતો હતો. હું જાણતો હતો કે અપેક્ષાની માત્રામાં ઘટાડો કરી, સ્વીકારની માત્રામાં વધારો કરી તરુણ નાયકને જોઉં, પણ મારો સ્વભાવ એ વાત સ્વીકારવા તૈયાર નહોતો. ખેર! આજે હવે મેક-અપ કરી તરુણ માલ ડિલિવર કરશે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જ જવાનું હતું. હું હવે એને વધુ કંઈ કહેતો નહોતો. જે પરિણામ હવે આવે… મેં તરુણનો ઉત્સાહ વધારવા કહી દીધું કે ‘જો તરુણ, મારી બધી સલાહો અને શિખામણો પૂરી. હવે તું બિનધાસ્ત તખ્તો મારા બાપનો… કરી તૂટી પડજે અને પ્રેક્ષકોને રમૂજના રંગમાં રંગી નાખજે. કોઈ ભૂલ થાય તો પણ ચિંતા ન કરતો. ભૂલ એટલે તે પ્રયત્ન કર્યો છે એની સાબિતી સમજી લેજે.’
મેં એને ઉત્સાહિત તો કર્યો, પણ મન તો ચિંતાના બોજ તળે જ હતું. હું અત્યારે જરા સારો ભલે બન્યો, પણ માણસે જરૂર હોય એટલું જ સારા બનવું, અજવાળામાં કોઈ મીણબત્તી શોધે?
બે ઘંટડીઓ વાગી ગઈ. પૂજા થઇ ગઈ. આંગિકમ… ભુવનમસ્ય… અને ગણપતિ બાપ્પા મોરયા સાથે નાળિયેર વધેરાયું. મારા દીકરા તન્મયને કોઈ બીક નહોતી છતાં એક દિગ્દર્શક કરતાં એક બાપ તરીકે મેં એને હિંમત આપી. પંડિતજી, નયનબહેન, સંજીવ શાહ, રાધાશ્રી અને તરુણ નાયક વગેર બધાં કલાકાર-કસબીઓને ફોડ ડાલોના જયઘોષથી ઉત્સાહિત કરી … અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં… કહી હસતાં હસતાં ત્રીજી ઘંટડી વગાડવાનો આદેશ આપી દીધો.
નાટકની શરૂઆત હાર્ટ બીટના ફફડાટ સાથે થઇ. નયનબહેન અને દેવેન્દ્ર પંડિતના પ્રેમભર્યા વાર્તાલાપથી નાટકનો સીન શરૂ થઇ ગયો. સાથે તન્મયનો પણ નાનો સીન હતો. નેપથ્યમાં રહી, એક બાપ તરીકે હું પોરસાતો હતો. મ્યુઝિક સંચાલનમાં હરીશ શાહની હથોટી સુપર્બ હતી. વિદ્યુત પણ બધી બાજુ ખલેલ ન પહોંચે એ રીતે સ્ટેજની પાછળ ફર્યા કરતો હતો અને હું પણ. તરુણનો સીન પણ આવ્યો. પ્રેક્ષકો ખડખડાટ હસવા જોઈએ એને બદલે મલકાટ જેવી ફીલ આવી, કોઈ અવાજ નહિ. રાજેન્દ્ર શુક્લ લેખક-મિત્ર તરીકે પણ હાજર જ હતો. મને કહેવા લાગ્યો કે ‘દાદુ, બહુ મોટી ભૂલ કરી તેં આ તરુણને લઈને. તારી કામ આપવાની ભાવના સારી, પણ એ ભાવના સામે બધાની મહેનત અને નિર્માતાનાં નાણાં લાગે છે એનો વિચાર નહિ કરવાનો?’ મેં કહ્યું કે ‘દોસ્ત, તીર તો કમાનમાંથી નીકળી ચૂક્યું… હવે તો હું જ અર્થ, હું જ અનર્થ, વ્યર્થ પણ હું… માત્ર ઈશ્ર્વરનો સાથ મળશે તો હું સમર્થ.’
નાટક પૂરું થયું. ઓર્ગેનાઈઝરને ગમ્યું. કૌસ્તુભે પણ બે-ચાર સૂચનો કર્યાં. કોમેડી માટે કંઈ વિચાર એ મૂળભૂત વાત પણ કરી.
બધાને ‘કવર’ આપવા માંડ્યો. તરુણ નાયકને કવર આપ્યું. એ મને બાજુમાં લઇ ગયો. મને કહે, ‘આ મારું પહેલું અને છેલ્લું કવર. હું મેક-અપ કરીને પણ તમને જોઈતું પરિણામ ન આપી શક્યો. મને હવે કોઈ હક નથી કે હું આ નાટક આગળ કરું. આમ પણ હું વચનબદ્ધ હતો. અમે નાયકો, કહેલી વાત મરણપર્યંત નિભાવનારા.’ પછી આંખની ભીનાશ લૂછતાં બોલ્યો… ‘મારા કારણે અને મારા વધુ પડતા આત્મવિશ્ર્વાસને કારણે મેં તમને હેરાન કર્યા. સારું છે કે આ પ્રાયોજિત પ્રયોગ હતો. હવે જાહેર પ્રયોગ માટે આપ આપને જોઈતો કલાકાર લઇ આપને જોઈએ એવું કામ કરાવી નાટક આગળ વધારજો. બધાને મારી શુભેચ્છા અને હા, મારે માટે બધા પૂછશે જ, તો કહેજો કે મારે ઓચિંતાં દેશમાં જવાનું થવાથી હું હવે નાટક કરી શકું એમ નથી… આટલું કરશો તો રહસ્ય બંધ મુઠ્ઠીમાં અકબંધ રહેશે.’
આટલું કહી પોતાની આંખો લૂછતાં એ રામલીલા મેદાનની બહાર નીકળી ગયો. આ આખી લીલા હું સ્તબ્ધ થઈને ભીની આંખે જોઈ રહ્યો.
મારે હવે એ પાત્ર માટે કોને લેવો? ફરી પાછાં રિહર્સલ? એ ચિંતા થવા લાગી. સમય તમને જેટલા રગદોળે છે, તમને એટલા ચમકાવે પણ છે, એ વાત મનમાં યાદ કરી તરુણના પાત્રમાં કોને લઉં? એ વિચારે ફરી ચડી ગયો… (ક્રમશ:)ઉ
* * *
રહી રહીને પ્રથમ તો સ્ટેજ દેખાશે,
પછી તો દૃશ્ય મટી જશે – તેજ દેખાશે,
રૂંવે રૂંવે જો પ્રગટ થાય ભાવ રાધાનો,
તો મોરપિચ્છ ને બાંસુરી બે જ દેખાશે.
* * *
—————
એક વિમાની એર-લાઈન્સે અનોખી યોજના શરૂ કરી. એક ટિકિટ ખરીદો તો સાથે તમારી પત્નીને ટિકિટ મફત મળશે. આ યોજનાને સફળતા મળ્યા પછી કંપનીએ બધી પત્નીઓને ફોન કરી પૂછ્યું કે ‘તમારી યાત્રા કેવી રહી?’
બધી પત્નીઓએ એક જેવો જ જવાબ આપ્યો…
‘કઈ યાત્રા? હું તો સોસાયટીની બહાર નીકળી જ નથી.’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.