પુણે: મહારાષ્ટ્રના મહાવિકાસ આઘાડી દ્વારા કરવામાં આવી રહેલા સારા કામને અટકાવનાર ‘દેશદ્રોહી’ને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે, એવું એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવારે જણાવ્યું હતું. અજિત પવાર ચિંચવડ પેટાચૂંટણી માટે એક રેલીમાં બોલી રહ્યા હતા. ઉદ્ધવ ઠાકરે સરકારનું જેને કારણે પતન થયું હતું એ બળવાખોર શિંદે માટે તેઓ આડકતરી રીતે બોલી રહ્યા હતા. શિંદે ભાજપના સમર્થનથી બાદમાં મુખ્ય પ્રધાન બન્યા હતા. ચિંચવડ ઉપરાંત પુણેના કસબા મતદારસંઘ માટે પણ પેટાચૂંટણી નિશ્ર્ચિત થઇ છે. આ પેટાચૂંટણી ૨૬મી ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. કસબા અને ચિંચવડના વર્તમાન ભાજપના વિધાનસભ્યો મુક્તા ટિળક અને લક્ષ્મણ જગતાપના મૃત્યુને કારણે આ પેટાચૂંટણી યોજવી જરૂરી છે. પવાર એનસીપીના ઉમેદવાર નાના કાટે માટે પ્રચાર કરી રહ્યા હતા, જેઓ ચિંચવડમાં ભાજપનાં અશ્ર્વિની જગતાપનો હરીફ છે. આ બંને બેઠકો જીતીને આપણે બધાને દેખાડી દેવું પડશે કે ઉદ્ધવ ઠાકરે હેઠળની એમવીએ સરકાર દેશદ્રોહીઓ તેને અટકાવે તે પહેલાં સારું કામ કરી રહી હતી, એવું પવારે જણાવ્યું હતું. તેઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે, એટલે અમારા માટે આ બંને પેટાચૂંટણીઓ અમારા માટે ખૂબ મહત્ત્વની છે, એવું પવારે વધુમાં જણાવ્યું હતું. (પીટીઆઈ)
પુણે પેટાચૂંટણી દેશદ્રોહીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો: અજિત પવાર
RELATED ARTICLES