Homeમેટિનીસમય મફતમાં મળે છે, પણ હોય છે અમૂલ્ય. તમે એનો ઉપયોગ કરી...

સમય મફતમાં મળે છે, પણ હોય છે અમૂલ્ય. તમે એનો ઉપયોગ કરી શકો, પણ માલિક ન બની શકો

અરવિંદ વેકરિયા

ખરેખર! ઘનશ્યામ નાયકે મને નાટક બનાવવાનું કહી મને દ્વિધામાં મૂકી દીધો. બીજો કોઈ વાંધો નહોતો, વાત તો પોરસાવાની હતી, પણ લેખક રાજેન્દ્ર શુકલ હાજર નહોતો. એ વખતે મોબાઈલ હતા નહિ તો કુરિયર સર્વિસ પણ આજના જેટલી ‘ફાસ્ટ’ નહોતી. બધું કામ આંગડિયા વતી થતું. નાટક તો કરવું જ હતું પણ રાજેન્દ્ર હાજર નહિ, એ સમસ્યા. સમસ્યા પેદા કરવાનું કામ પુણ્યનું, સમસ્યા પેદા જ ન થવા દે એ કામ ધર્મનું. મેં બીજે દિવસે રાજેન્દ્રને ફોન કરી મારો ધર્મ બજાવી દીધો. બધી વાત કરી. એણે કહ્યું કે દોસ્ત, હજી તો ત્રણ જ દિવસ થયા છે કામને કદાચ મેં કહ્યું હતું કે ૧૦-૧૫ દિવસ એ પણ વધી જવાની શક્યતા છે. તું અનિલ મહેતાનો કોન્ટેક્ટ કરી જો પણ તક ગુમાવતો નહિ. મારે પણ આવેલો આ રૂડો સમય ગુમાવવો તો નહોતો જ. માન્યું, સમય મફતમાં મળે છે, પણ હોય છે અમૂલ્ય. તમે એનો ઉપયોગ કરી શકો પણ માલિક ન બની શકો, એને વાપરી શકો પણ રાખી ન શકો. એકવાર આવેલો સમય ગુમાવી દો તો પછી એને ક્યારે’ય પાછો મેળવી ન શકો. મેં અનિલ મહેતાને ફોન કર્યો. મારી સમય અને કેટલી ત્વરાથી જોઈએ એ પણ જણાવ્યું. એમણે મને એક મરાઠી નાટકનું નામ કહ્યું (અત્યારે એ યાદ નથી આવતું) એના લેખક હતા, વસંત સબનીસ. તેઓ ત્યારે ખારમાં રહેતા. અનિલભાઈએ એમના ઘરે મળવા માટે સાંજનો સમય આપ્યો. એ વખતે હું ઘણા મરાઠી નાટકો વાંચતો રહેતો, પણ અત્યારે મગજ શૂન્ય થઇ ગયું હતું. વાંચેલા જ્ઞાન કરતા રહેલી પરિસ્થિતિ વધારે શીખવી જતી હોય છે. મેં અનિલભાઈ સાથે જવાનું નક્કી કરી લીધું, ઘનશ્યામભાઈએ બધું મારા પર છોડેલું એટલે એમને હમણાં કહેવાનો અર્થ નહોતો.
સાંજે સાતેક વાગે અમે પહોંચ્યાં. એ મરાઠી નાટક ગુજરાતી ભાષામાં રજૂ કરવાના રાઈટ લીધા. એમના લેટર-હેડ પર એમણે એ લખી આપ્યા. અનિલ મહેતાએ તો એમના ઘણાં નાટકો ટ્રાન્સલેટ કરેલા. ‘અપ્પાજી ચી સેક્રેટરી પરથી જ્યારે ગુજરાતીમાં ‘પપ્પાની સેક્રેટરી’ કરેલું, જેનો પહેલો પ્રયોગ નરહરિ જાનીનો અવાજ બેસી જવાથી મારે કરવો પડ્યો હતો. (આ વાત આગળ જણાવી ચૂક્યો છું). એ પ્રથમ શૉમાં વસંત સબનીસ અને શરદ તલવલકર સાથે જોવા આવેલા. એ વાત યાદ દેવડાવતા તેઓ મને ઓળખી ગયા. એમણે મને દિલથી લાગણી બતાવી. બાકી જ્યાં લાગણી મરી જાય છે ત્યાં પછી સંબંધ, સંબંધ નહિ પણ વ્યવહાર બની જતો હોય છે. અહીં લાગણી અને સંબંધ બંને હતા, પણ મહેનતાણાનો વ્યવહાર પણ કરવાનો હતો. જે રકમ નક્કી કરી એ અનિલભાઈ બીજે દિવસે આપી દેશે એવું નક્કી થયું.
નાટકના રાઈટના એ લેટર સાથે સબનીસજીને ત્યાંથી ચા પીને હું અને અનિલભાઈ બંને બહાર નીકળ્યા. મરાઠી નાટકની બુક અનિલભાઈ પાસે હતી જેને તેઓ રૂપાંતરિત કરવાના હતા. સબનીસજીને અનિલભાઈએ આપેલ રકમ હું એમને આપવા જઈશ ત્યારે એ બે સીન્સ તો આપી દેશે એવું મને કહ્યું. એ સાન્તાક્રુઝ વેસ્ટમાં ‘સાકેત’ બિલ્ડિંગમાં રહેતા હતા. એ એમની રીતે નીકળ્યા અને હું ટ્રેઈનમાં કાંદિવલી પહોંચ્યો.
બીજે દિવસે સવારમાં હું ભાદરણ નગર- મલાડ, ઘનશ્યામભાઈનાં ઘરે પહોંચી ગયો. મેં અનિલભાઈ સાથે થયેલ વાત અને વસંત સબનીસનાં ઘરે ગયેલા એ બધી વાત કરી. ત્યાંથી અમે નિર્માતા દીપકભાઈનાં સ્ટેશનરી સ્ટોરમાં ગયા. એમની પાસેથી અમુક રકમ એડ્વાન્સ પેટે લઇ લીધી. ત્યાંથી પાછા ઘનશ્યામભાઈનાં ઘરે આવ્યા. પાત્રોમાં કોને લેવા એ નક્કી કરવા બેઠા. એ દિવસ હતો ૩૧, જુલાઈ.
ઘરની મોભી માનું મુખ્ય પાત્ર હતું. બીજું અગત્યનું પાત્ર એમના પતિનું હતું. દીકરો-દીકરી, દીકરીનો પ્રેમી અને એક અતિ અગત્યનું પાત્ર હતું ઘર નોકરનું. મેં એ વખતે અમિતભાઈના દિગ્દર્શનમાં બે-ચાર નાટક કરેલા એટલે ટ્યુનિંગ સારું હતું, મેં પતિના રોલમાં એમને લેવાનું વિચાર્યું. એમનું લોકપ્રિય નાટક ‘પ્રીત, પીયુ ને પાનેતર’ ચાલતું રહેતું. એમનો દોરી સંચાર વ્રજલાલ વસાણી કરતા. એમને ઘનશ્યામભાઈએ વાત કરી અને રજૂઆત ૧૫ ઑગસ્ટે કરવાનું પણ કહી દીધું. હું બઘવાઈ ગયો. કોઈ થિયેટર હાથમાં નહોતું અને…ખેર! પછી આવ્યું ‘મા’નું પાત્ર. થોડા દિવસ પહેલા જ એક ગુજરાતી ફિલ્મમાં ઘનશ્યામભાઈ અને દેવયાની ઠક્કર મળેલા. ત્યારે દેવયાની બહેને નાટક માટે પોતે ઇંટરેસ્ટ બતાવેલો. ઘનશ્યામભાઈએ એને પણ ફોન કર્યો. એ તૈયાર હતા પણ એમને પોતાનો રોલ સમજવો હતો. એ જવાબદારી મેં લઇ લીધી. દીકરાના પાત્રમાં કિરણ ભટ્ટ (કે.બી.) અને બીજલ રાજડા. નોકરની અગત્યની ભૂમિકામાં ઘનશ્યામભાઈ. ‘સાળી સદ્ધર…’ એડ્જસ્ટ કરવાનું મેં જ એમને કહી દીધું. એનું કારણ હતું, નિર્માતા દીપકભાઈ એમના મિત્ર. એટલે જો ઘનશ્યામભાઈ નાટકમાં સંકળાયેલા રહે તો જે પથરો પથરાય એની જવાબદારી સહિયારી થઇ જાય, કારણ દિવસો ઓછા હતા, હતા જ નહિ એમ કહો તો ચાલે. થયું, લીલા એટલી જ કરવી જેટલી સંકેલી શકીએ…
ત્યાંથી હું પૈસા લઈને અનિલ મહેતાને ત્યાં પહોંચી ગયો. એમને પૈસા આપ્યા. આખી રાત જાગીને અનિલભાઈએ આખો પહેલો અંકનું ટ્રાન્સલેશન કરી લીધું હતું. એટલું જ નહિ બીજા અંકના શ્રી-ગણેશ પણ કરી દીધા હતા. મને કહે ૧૫ ઑગસ્ટ બહુ નજીક છે એટલે હું તને બે દિવસમાં આખું નાટક લખીને આપી દઈશ. થઇ જાય તો સારું. સાત-દિવસમાં થઇ ગયું તો ઘમંડ ન રાખતો કે જોયું? મેં સાત દિવસમાં પ્રોજેક્ટ પાર પાડ્યો. માણસ એનો ઘમંડ એના આવા સારા સમયે બતાવે છે, પરંતુ કરેલા એ ઘમંડનું પરિણામ એના ખરાબ સમયે ભોગવવું પડે છે. મેં એમની આજ્ઞા માથે ચઢાવી કહ્યું કે હું કોઈ ટેન્સન નહિ લઉં, શક્ય એટલી દિલથી મહેનત કરીશ. મેં હવે કારણ વગર ખુશ રહેવાનું શીખી લીધું છે, કારણ સાથે ખુશી મોંઘી પડે છે. આ શીખ માટે હું દેવેન્દ્ર પંડિતનો
આભારી છું.
ત્યાંથી નીકળી મેં બધા થિયેટરોમાં તપાસ કરી. થિયેટરના એલોટમેન્ટ તો ક્યારના થઇ ગયા હોય. અંગત લગતા નિર્માતાઓને પણ પૂછી જોયું. મારે નાટક ઓપન કરવું છે એવી કાકલુદી પણ કરી. અમિત દિવેટિયાએ વસાણીકાકાને પણ પૂછી જોયું, પણ…
એક સત્ય સમજાય ગયું કે સંબંધો તો ઈશ્ર્વરની દેન છે, બસ ! નિભાવવાની રીતમાં થોડો ફેર છે, કોઈ પ્રેમથી નિભાવે છે તો કોઈ સ્વાર્થથી.
આજે અહીં જુઓ છો જે પથ્થર નવા-નવા, કાલે બની જવાના એ ઈશ્ર્વર નવા-નવા.
——–
પુરુષ પ્રેમનો ભૂખ્યો હોય અને ી સન્માનની… પણ હરામ જો એક-બીજાને આપતાં હોય

 

RELATED ARTICLES

Most Popular