ફર્નિચર બનાવવાના કોન્ટ્રાક્ટરે ઝટપટ રૂપિયા કમાવા કારીગરોની મદદથી લૂંટની યોજના બનાવી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફિલ્મ પ્રોડ્યુસરના મલાડ સ્થિત ફ્લૅટમાં નોકરને બાંધી અંદાજે પચીસ લાખ રૂપિયાની રોકડ લૂંટવાના કેસમાં પોલીસે ત્રણ જણની ધરપકડ કરી હતી.
બાંગુર નગર પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ દેવેશ પ્રેમચંદ સવ્હસિયા ઉર્ફે દીપુ, શેખ મુસ્તકીમ ઉર્ફે સોહેલ અને સર્વેશ શર્મા તરીકે થઈ હતી. આરોપી સર્વેશ કોન્ટ્રાક્ટર હોઈ તેણે પ્રોડ્યુસરના ફ્લૅટમાં ફર્નિચરનું કામ કર્યું હતું. ઝટપટ રૂપિયા કમાવા માટે તેણે દીપુ અને સોહેલ નામના તેના બે કારીગરોની મદદથી લૂંટની યોજના બનાવી હતી.
મલાડમાં રહેતા ફિલ્મ પ્રોડ્યુસર રવિવારે બપોરે સ્ટાફ સાથે મીરા રોડ ગયા હતા. તે સમયે તેમનો નોકર ફ્લૅટમાં એકલો હતો. બપોરના સમયે માસ્ક પહેરેલા બે શખસ માલિકે બોલાવ્યા હોવાની ગપ ચલાવી ફ્લૅટમાં ઘૂસ્યા હતા. બેસવાનું કહીને નોકરી પાણી લેવા કિચનમાં ગયો ત્યારે આરોપી પણ તેમની પાછળ ગયા હતા. પિસ્તોલની ધાકે નોકરને બાંધી બેડરૂમમાંના કબાટમાંથી રોકડ અને સોનાની બે વીંટી ચોરી આરોપી ફરાર થઈ ગયા હતા.
આ પ્રકરણે બાંગુરનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે શકમંદોની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શકમંદો જોગેશ્ર્વરી-વિક્રોલી લિંક રોડ નજીક આસારીપુત નગર ખાતે નજરે પડ્યા હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે પોલીસે છટકું ગોઠવી બન્નેને પકડી પાડ્યા હતા. પૂછપરછમાં તેમના વધુ એક સાથીની પણ ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે ત્રણેયને પોલીસ કસ્ટડી ફટકારી હતી.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી સર્વેશને પ્રોડ્યુસરના ફ્લૅટમાં ફર્નિચર બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. તે સમયે પ્રોડ્યુસર પાસેનાં નાણાં અંગે તેણે અંદાજ લગાવ્યો હતો. પરિણામે ઝટપટ રૂપિયા કમાવા તેણે લૂંટની યોજના બનાવી હતી.
આરોપી દીપુ અને સોહેલ ટૉયગનની મદદથી લૂંટ ચલાવવા ફ્લૅટમાં ઘૂસ્યા હતા. તે પહેલાં નજીકની મેડિકલની દુકાનમાંથી તેમણે માસ્ક ખરીદ્યાં હતાં. ત્યાંના સીસીટીવી કૅમેરામાં બન્ને નજરે પડતા હોવાનું પોલીસનું કહેવું છે. લૂંટ પછી બન્ને ગોરેગામ ગયા અને ત્યાં દીપુએ કપડાં બદલ્યાં હતાં. ત્યાર બાદ જોગેશ્ર્વરીની એક હોટેલમાં બે દિવસ તે રોકાયા હતા.
પોલીસનું કહેવું છે કે ફ્લૅટમાંથી પચીસ લાખની રોકડ લૂંટાયાનું ફરિયાદમાં જણાવાયું હતું. જોકે આરોપીઓ પાસેથી 40 લાખ રૂપિયા હસ્તગત કરવામાં આવ્યા હતા. આ રોકડ ફ્લૅટમાંથી જ લૂંટવામાં આવી હોવાનો દાવો આરોપીએ કર્યો હતો.