મુંબઈઃ મધ્ય રેલવેમાં આંબિવલી રેલવે સ્ટેશન ખાતે અજાણ્યા શખસે ટિકિટ ચેકર પર બ્લેડ વડે હુમલો કરવાના કિસ્સામાં ટીસી ઘાયલ થયો હોવાનું રેલવે પોલીસે જણાવ્યું હતું.
સોમવારે સવારના નવ વાગ્યાના સુમારે એક ખુદાબક્ષે ટીસી પર હિંસક હુમલો કરવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. કલ્યાણ તાલુકાના આંબિવલી સ્ટેશન ખાતે આ બનાવ બન્યા પછી સ્ટેશનના પરિસરમાંથી એ શખસ નાસી ગયો હતો. સવારના સમયગાળા દરમિયાન ટિકિટ ચેકિંગ માટે સુનિલ કુમાર ગુપ્તા નામના ટિકિટ ચેકર ડ્યૂટી પર હતા ત્યારે એક યુવક પાસેથી ટિકિટ માગી હતી, પરંતુ તેની પાસેથી ટિકિટ મળી નહોતી.
સ્ટેશનમાંથી ભાગ્યા પહેલા એ શખસે ટિકિટ ચેકરના ગળા પર બ્લેડ મારી હતી અને ટીસીના ગળામાં બ્લેડ મારતા ઈજા પહોંચી હતી. આ બનાવ પછી વધુ સારવાર અર્થે કલ્યાણની હોસ્ટિપટલમાં ટીસીને દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે ફરજ પરના રેલવે કર્મચારી પર હુમલો કરવાના કિસ્સામાં અજાણ્યા શખસની સામે સંબંધિત આઈપીસી (ઈન્ડિયન પીનલ કોડ) અન્વયે કેસ નોંધવામાં આવ્યો છે, એમ પોલીસે જણાવ્યું હતું.