Homeઉત્સવશ્રદ્ધા અને વિશ્ર્વાસ થકી ગમે એવી કપરી સ્થિતિમાં પણ રસ્તો કાઢી શકાય

શ્રદ્ધા અને વિશ્ર્વાસ થકી ગમે એવી કપરી સ્થિતિમાં પણ રસ્તો કાઢી શકાય

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

થોડા સમય અગાઉ અમે એક મિત્રની ઑફિસમાં બેઠા હતા. એ મિત્ર એક ફિલ્મ બનાવવા ઇચ્છતા હતા. તેમની અગાઉની ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. એટલે તેઓ મર્યાદિત બજેટમાં એક અલગ જ પ્રકારની ફિલ્મ બનાવવા ઈચ્છતા હતા.
હું તે મિત્રની ઑફિસમાં ગયો ત્યારે તેમની ટીમ સાથે તેમની મીટિંગ ચાલી રહી હતી. મારા મિત્રએ તેમની ટીમના સભ્યોને કહ્યું કે ‘આ વખતે આપણી પાસે મર્યાદિત બજેટ છે.’ એ સાથે તેમની ટીમના તમામ સભ્યોના ચહેરા પર નિરાશાના ભાવ ઊભરી આવ્યા.
મેં એ વાત નોંધી અને મારા મિત્રને પણ એ વાત સમજાઈ ગઈ.
મારા મિત્રએ તેમની ટીમ સાથે મીટિંગ પૂરી કરી એ પછી હું મારા મિત્ર સાથે એકલો બેઠો હતો. એ વખતે મેં તેમને કહ્યું, ‘આ તમારી ફિલ્મ કદાચ પૂરી નહીં થાય. તમારી ટીમના સભ્યો પોતાની સંપૂર્ણ શક્તિ આ પ્રોજેકટ પાછળ નહીં લગાવે એવું મને લાગે છે.’
તેમણે કહ્યું, ‘એ તો મને ય સમજાયું, પણ મારી પાસે ખરેખર મર્યાદિત બજેટ છે.’
મેં તેમને કહ્યું, ‘હું તમારી જગ્યાએ હોઉં તો મારી ટીમમાં એવી જ વ્યક્તિઓને પસંદ કરું કે જે લડાયક હોય, જે ટાંચાં સાધનો સાથે પણ ઝઝૂમવાની તૈયારી રાખતી હોય.’
મારા મિત્રએ કહ્યું કે ‘એવા માણસો તો આજના સમયમાં ક્યાંથી શોધવા?’
મેં તેમને કહ્યું ‘બીજો રસ્તો એ પણ અજમાવી શકાય કે તમે તેમને બજેટ વિશે વાત જ ન કરો અને તમે ફિલ્મ શરૂ કરી દો અને એ લોકોને કહો કે આ અલગ પ્રકારનો ક્ધસેપ્ટ છે એટલે આપણે બહુ ઓછા બજેટમાં આ ફિલ્મ બનાવી શકીશું.’
મારી વાત મારા મિત્રના ગળે ઊતરી નહીં. એ પછી મેં તેમને વર્ષો અગાઉ વાંચેલી એક ઝેન કથા કહી.
એ કથા કંઈક આવી હતી:
એક વખત એક જપાનીઝ રાજાના રાજ્ય પર તેના દુશ્મને આક્રમણની તૈયારી કરી. દુશ્મન સૈન્યએ જાપાનીઝ રાજાના રાજ્ય તરફ પ્રયાણ કર્યું એ વિશે રાજાને ખબર પડી. એ સૈન્યના સૈનિકોની સંખ્યા જપાનીઝ રાજાના સૈન્ય કરતાં દસ ગણી વધુ હતી.
દસ ગણું સૈન્ય ત્રાટકવા માટે આવી રહ્યું છે એવી ખબર પડી એટલે જપાનીઝ રાજાના સૈનિકો ડઘાઈ ગયા. તેમને થયું કે હવે આપણું આવી બનશે.
આપણાથી દસ ગણા મોટા સૈન્ય સામે આપણે કોઈ કાળે ન જીતી શકીએ. તમામ સૈનિકો
હતાશ થઈ ગયા. કેટલાક મૃત્યુના ડરથી ફફડવા લાગ્યા તો કેટલાક ભાગી છૂટવાની તૈયારી કરવા લાગ્યા.
જપાનીઝ રાજા પણ મૂંઝાઈ ગયો, પણ તેનો સેનાપતિ ચતુર હતો. તેણે વિશ્ર્વાસપૂર્વક રાજાને કહ્યું, ‘ચિંતા ન કરો. આપણે આ યુદ્ધ જીતી જઈશું!’
તે સેનાપતિએ સૈન્યને ભેગું કર્યું. સેનાપતિ એ વિશાળ મેદાનની વચ્ચે ઊભા કરેલા એક મંચ ઉપર ચડ્યો અને તેણે સૈનિકોને એક સિક્કો બતાવતા કહ્યું કે ’મારી પાસે આ એક ચમત્કારિક સિક્કો છે.
મુશ્કેલીના સમયમાં આ ચમત્કારિક સિક્કો મને હંમેશાં માર્ગદર્શન આપે છે. આ સિક્કો મને એક ઝેન ગુરુએ આપ્યો હતો અને તેમણે કહ્યું હતું કે ‘મુશ્કેલીના સમયમાં તું આ સિક્કો ઉછાળજે અને જો આ સિક્કો નીચે પડે ત્યારે ઉપર હેડ આવે તો માની લેજે કે ઈશ્ર્વર તારી સાથે છે તું ધારીશ તે કરી શકીશ. અને એ સિક્કો નીચે પડે ત્યારે જો ટેલ આવે તો માની લેજે કે તું પરાજિત થઈ જઈશ.
આપણા ઉપર ત્રાટકવા માટે દુશ્મન સૈન્ય આગળ વધી રહ્યું છે ત્યારે આપણી જીત કે હારનો આધાર આ સિક્કા પર છે.’.
એ પછી તેણે પોતાના હાથમાં પકડેલો સિક્કો હવામાં ઊછાળ્યો. એ સિક્કો નીચે પડ્યો ત્યારે હેડની બાજુ ઉપર હતી.
સેનાપતિએ તેના ચુનંદા સાથીદારોને નજીક બોલાવીને સિક્કો જોવા કહ્યું. તેમણે જોયું કે સિક્કાની ઉપરની બાજુએ હેડ છે એટલે તેઓ ખુશ થઈને ચિચિયારીઓ પાડતા બોલી ઉઠ્યા કે આપણો વિજય નિશ્ર્ચિત છે. ઈશ્ર્વર આપણી
સાથે છે.’
અને એ વાત ચોતરફ ઊભેલા તમામ સૈનિકો સુધી પહોંચી ગઈ કે ‘સેનાપતિના દૈવી સિક્કાએ નિર્દેશ આપ્યો છે કે આપણો જ વિજય થશે.
એ પછી તે સૈનિકો દુશ્મન દેશના દસ ગણા મોટા સૈન્ય સામે પૂરી તાકાતથી લડવા ધસી ગયા અને તેમણે દુશ્મન રાજાના વિશાળ સૈન્યને હરાવી દીધું.
દોસ્તો, સાર એ છે કે આપણી શ્રદ્ધા અથવા આપણી માન્યતાના આધારે આપણે સફળ કે નિષ્ફળ સાબિત થતા હોઈએ છીએ. આપણે ત્યાં કહેવત છે કે ‘રોતો જાય એ માણસ મૂઆના જ ખબર લાવે.’
વાત ફિલ્મની હોય, સંઘર્ષની હોય, યુદ્ધની હોય કે પછી જીવનની કોઈ પણ લડાઈની હોય – શ્રદ્ધા સાથે, વિશ્ર્વાસ સાથે અને સફળતા મળશે જ એવી દ્રઢ માન્યતા સાથે આગળ વધવું જોઈએ.

RELATED ARTICLES

Most Popular