રાજસ્થાનના સીકર જિલ્લાના ખાટુ શ્યામજી મંદિરમાં નાસભાગ, ત્રણ મહિલા શ્રદ્ધાળુઓના મોત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

રાજસ્થાનના(Rajasthan) સીકર(Sikar) જિલ્લામાં આવેલા ખાટુ શ્યામજી મંદિરમાં(Khatu shyamaji temple) આજે વહેલી સવારે થયેલી નાસભાગમાં(stampede) ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે. આજે સવારે 5 વાગ્યાની આસપાસ મંદિરમાં યોજાયેલા મેળા દરમિયાન આ નાસભાગ મચી ગઈ હતી. ઘાયલોને જયપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા છે.
પોલીસ તંત્રનાના જણાવ્યા અનુસાર સવારે લગભગ 5 વાગે મંદિરના પ્રવેશદ્વાર પાસે નાસભાગ મચી ગઈ હતી. દરવાજા ખુલવાની રાહમાં મંદિરની બહાર શ્રદ્ધાળુઓની ભીડ એકઠી થઈ હતી. ગેટ ખોલતાની સાથે લોકોએ ધક્કામુક્કી કરી હતી ત્યારે એક મહિલા બેભાન થઈ ગઈ અને નીચે પડી ગઈ. જેના કારણે તેની પાછળ અન્ય લોકો પણ પડી ગયા હતા. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓએ જીવ ગુમાવ્યો હતો અને બે ઘાયલ થયા હતા. હાલ સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. ભીડને નિયંત્રિત કરવામાં આવી રહી છે.
રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે આ ઘટના અંગે દુખ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું હતું કે, ‘સીકરમાં ખાટુશ્યામજીના મંદિરમાં નાસભાગને કારણે 3 મહિલા શ્રદ્ધાળુઓના મૃત્યુની ઘટના ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે, ભગવાન તેમને આ આઘાત સહન કરવાની શક્તિ આપે અને મૃતકોની આત્માને શાંતિ આપે.’

આ ગોઝારી ઘટના બાદ પણ ભક્તોની ભીડદર્શન માટે ઉમટી રહી છે

મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે જાહેરાત કરી છે કે શ્રી ખાટુશ્યામ જી મંદિરમાં થયેલા અકસ્માતની તપાસ વિભાગીય કમિશનર દ્વારા કરવામાં આવશે. આ ઘટનામાં મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા અને ઘાયલોને 20,000 રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડ (CMRF)માંથી આપવામાં આવશે.

નોંધનીય છે કે ખાટુ શ્યામજી મંદિર રાજસ્થાનના સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થળોમાંનું એક માનવામાં આવે છે. દર વર્ષે લાખો લોકો આ મંદિરની મુલાકાત લે છે. આજે શુક્લ પક્ષ એકાદશી છે, આજનો દિવસ ભગવાન કૃષ્ણનો અવતાર ગણાતા ખાટુ શ્યામજીના દર્શન માટે શુભ માનવામાં આવે છે. જેથી દર્શન કરવા હજરો શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.