સાયરસ મિસ્ત્રીના આકસ્મિક નિધનના ત્રણ કારણ

આમચી મુંબઈ

સાયરસ મિસ્ત્રીના આકસ્મિક નિધનના ત્રણ કારણ

પૂરપાટ વેગ, ખામીભર્યું અનુમાન અને સીટ બૅલ્ટ ન બાંધ્યો

મુંબઈ: પાલઘર જિલ્લાના દહાણુ પાસે નડેલા કારઅકસ્માતમાં ટાટા સન્સના ભૂતપૂર્વ ચૅરમૅન સાયરસ મિસ્ત્રી (૫૪) અને સહપ્રવાસી જહાંગીર પંડોલના થયેલા અવસાન પાછળ ત્રણ મુખ્ય કારણ હોવાનું તારણ પોલીસે કાઢ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ કારનો પૂરપાટ વેગ, અન્ય વાહનને ઓવરટેક કરતી વખતે પૂરતા અનુમાનનો અભાવ અને બન્ને જણે સીટ બૅલ્ટનો ઉપયોગ કર્યો ન હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.
મુંબઈ-અમદાવાદ હાઈવે પર દહાણુના ચારોટી નાકા પાસે સૂર્યા નદી પરના બ્રિજ પર રવિવારની બપોરે ૨.૩૦ વાગ્યે બનેલી ઘટનામાં મુંબઈનાં વિખ્યાત ગાયનેકોલૉજિસ્ટ ડૉ. અનાહિતા પંડોલ (૫૫) અને તેમના પતિ દારાયસ પંડોલ (૬૦) ઇજા પામ્યાં હતાં, જ્યારે સાયરસ મિસ્ત્રી અને દારાયસના ભાઈ જહાંગીર પંડોલનાં નિધન થયાં હતાં. એક સાક્ષીના કહેવા મુજબ કાર મહિલા ચલાવી રહી હતી અને અન્ય વાહનને તેણે ડાબી તરફથી ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મહિલાએ કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર રસ્તા પરના ડિવાઈડર સાથે ભટકાઈ હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માત થયો ત્યારે લક્ઝરી કાર પૂરપાટ વેગે દોડતી હતી. ચારોટી ચેક પોસ્ટ પસાર કર્યા પછી મર્સિડીઝ કારે માત્ર નવ મિનિટમાં જ ૨૦ કિલોમીટરનું અંતર કાપ્યું હોવાનું પ્રથમદર્શી જણાયું હતું.
ચારોટી નાકા ચેક પોસ્ટ ખાતેના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં પાલઘર પોલીસને જાણવા મળ્યું હતું કે કાર ૨.૨૧ વાગ્યે ચેક પોસ્ટથી પસાર થઈ હતી અને અકસ્માત મુંબઈની દિશામાં ૨૦ કિલોમીટરના અંતરે ૨.૩૦ વાગ્યે થયો હતો. આ બાબત દર્શાવે છે કે કારે ફક્ત નવ મિનિટમાં ૨૦ કિલોમીટરનું અંતર કાપ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ કાર અનાહિતા પંડોલ ચલાવી રહી હતી અને પતિ દારાયસ પંડોલ તેની બાજુની સીટ પર હતા. મિસ્ત્રી અને જહાંગીર પંડોલ કારની પાછલી સીટ પર બેઠા હતા અને બન્નેએ સીટ બૅલ્ટનો ઉપયોગ કર્યો નહોતો. અકસ્માતને કારણે બન્ને જણ કારની બહાર ફંગોળાઈ ગયા હતા.
પોલીસનું માનવું છે કે વધુપડતી સ્પીડે કાર દોડાવી ઓવરટેક કરવાના પ્રયાસમાં મહિલાએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હશે. વાહન અને ડિવાઈડર વચ્ચેના અંતરનું અનુમાન લગાવવામાં મહિલાની ભૂલ થઈ હશે, જેને કારણે આ અકસ્માત થયો હતો. જોકે આ મામલે પોલીસની વધુ તપાસ ચાલી રહી છે. (પીટીઆઈ)
અનાહિતા પંડોલ પર શસ્ત્રક્રિયા
કરાશે: પતિ આઈસીયુમાં
મુંબઈ: દહાણુ પાસે થયેલા કારઅકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલાં પંડોલ દંપતીને સારવાર માટે મુંબઈની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. જખમી અનાહિતા પર શસ્ત્રક્રિયા કરવાની જરૂર છે, જ્યારે તેના પતિ દારાયસ પંડોલને ઈન્ટેન્સિવ કૅર યુનિટમાં દાખલ કરાયા હતા. મુંબઈ આવતી વખતે દહાણુના ચારોટી નાકા પાસે રવિવારે બપોરે થયેલા અકસ્માત વખતે અનાહિતા કાર ચલાવી રહી હતી. અકસ્માતમાં અનાહિતા અને તેના પતિ દારાયસ ગંભીર રીતે ઘવાયાં હતાં. બન્નેને સારવાર માટે વાપીની હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં. પ્રાથમિક સારવાર પછી તેમને સોમવારે સવારે મુંબઈની સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં ખસેડાયાં હતાં. હૉસ્પિટલના મેડિકલ ઑફિસરના જણાવ્યા મુજબ અનાહિતા પર સર્જરી કરવામાં આવશે, જ્યારે દારાયસને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. (પીટીઆઈ)
જે. જે. હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયું
મુંબઈ: કારઅકસ્માતમાં જીવ ગુમાવનારા ટાટા સન્સના ભૂતપૂર્વ ચૅરમૅન સાયરસ મિસ્ત્રી અને સહપ્રવાસી જહાંગીર પંડોલના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ મુંબઈની જે. જે. હૉસ્પિટલમાં કરાયું હતું. હૉસ્પિટલના અધિકારીના જણાવ્યા મુજબ બન્નેના મૃતદેહો કાસા ઉપજિલ્લા હૉસ્પિટલમાંથી રવિવારે મધરાતે ૧૨.૦૫ વાગ્યે જે. જે. હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સોમવારના મળસકે ૨.૩૦ વાગ્યે પોસ્ટમોર્ટમ કરાયાં હતાં. પછી મૃતદેહોને હૉસ્પિટલના મોર્ગમાં રાખવામાં આવ્યા હતા. આ અંગે વધુ માહિતી આપવાનો અધિકારીએ ઇનકાર કર્યો હતો. (પીટીઆઈ)
———–
ફોર્ડ અને મર્સિડીઝની કાર સામાન્ય નહીં, છતાં ન બચ્યા મેટે-મિસ્ત્રીના જીવ

મુંબઈ: શિવસંગ્રામ પાર્ટીના અધ્યક્ષ વિનાયક મેટે અને ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીના અલગ અલગ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા હતા. આ બંને મહત્ત્વની વ્યક્તિઓના અકસ્માતે મૃત્યુમાં એક સમાનતા જોવા મળે છે. બંને લોકો પાછળની સીટ પર બેઠા હતા. બીજું તેમની કાર દુનિયામાં અગ્રેસર અને સુરક્ષિત માનવામાં આવતી કારમાં મુસાફરી કરી રહ્યા હતા. આના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે કાર ગમે તેટલી મજબૂત હોય તો પણ ગતિ નિયંત્રિત હોવી જોઈએ તો જ એક્સિડન્ટમાં બચી શકાશે. વિનાયક મેટેનું ગયા મહિને અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારે તેઓ ફોર્ડ એન્ડેવર કારમાં મુંબઈ આવી રહ્યા હતા. તેઓ પાછળની સીટ પર બેઠા હતા અને તેમની કારની સ્થિતિ જોતાં કારનું ભારે નુકસાન થયું નહોતું, પરંતુ પાછળ બેસાવધ અવસ્થામાં રહેલા મેટેને માથામાં ઈજા થઈ અને તેમનું મૃત્યુ થયું. મેટે જે કારમાં હતા તે ફોર્ડ એન્ડેવર દુનિયાની અગ્રણી પંક્તિમાં આવતી એસયુવી છે. સાયરસ મિસ્ત્રી અકસ્માત વખતે મર્સિડીસ બેન્ઝ જીએલસી ૨૨૦ ડી ફોરમેટિકમાં હતા. આ કાર સુરક્ષિત અને મોંઘી કારના સેગમેન્ટમાં આવે છે અને તેમાં
સાત એરબેગ હોય છે. આ કારમાં પાછળની સીટ પર બેઠેલા લોકો માટે સામેની એરબેગ હોતી નથી, પરંતુ સાઈડ અને પાછળ એરબેગ હોય છે. અકસ્માતમાં આ કારના બંપર અને એન્જિનને નુકસાન થયું છે, પરંતુ કારનો ભૂક્કો બોલી ગયો નથી. મેટેની જેમ જ બેસાવધ અવસ્થામાં પાછળની સીટ પર બેઠેલા મિસ્ત્રીને માથામાં ઈજા થઈ હતી અને તેમનું મૃત્યુ થયું હતું. મિસ્ત્રીની કારની સીટ પાછળની એરબેગ પણ ખુલી ગઈ હતી તેમ છતાં તેમનું મૃત્યુ થયું હતું. અન્ય કોઈપણ કારની જેમ જ આ કારમાં એરબેગ એસઆરએસ એટલે કે સપ્લીમેન્ટરી રિસ્ટ્રેઈન્ટ સિસ્ટમ તરીકે કામ કરે છે, પહેલી અથવા પ્રાથમિક સુરક્ષા માટે સીટ-બેલ્ટનો જ આધાર છે. આ કારનો અકસ્માત થયો ત્યારે તે ૧૨૫થી ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી અને ફક્ત નવ મિનિટમાં તેણે ૨૦ કિલોમીટરનું અંતર કાપ્યું હતું.
આ બંને એક્સિડન્ટમાંથી એક વાત સિદ્ધ થાય છે કે કાર ગમે તેટલી મજબૂત હોય, તેમાં ગમે તેટલી એરબેગ હોય, પરંતુ ગતિ અને તમારી સાવધ અવસ્થા જ તમને બચાવી શકે છે. વિનાયક મેટેની કાર અંદાજે ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી અને મિસ્ત્રીની કાર ૧૨૫-૧૫૦ કીલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી. આટલી વેગમાં કાર હોય ત્યારે અકસ્માતની સ્થિતિમાં પાછળની સીટમાં બેઠેલી વ્યક્તિએ સીટ-બેલ્ટ ન લગાવ્યો હોય તો તેનું માથું કારમાં ગમે ત્યાં અથડાવાની પૂરી શક્યતા રહેલી હોય છે અને મેટે તેમ જ મિસ્ત્રીના મૃત્યુનું કારણ પણ માથામાં થયેલી ઈજા જ હતી.
——–
મર્સિડીઝ કંપનીની ટીમ દ્વારા મિસ્ત્રીની અકસ્માતગ્રસ્ત કારનું નિરીક્ષણ
મુંબઈ: સાયરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં રવિવારે મૃત્યુ થયા બાદ જર્મન લક્ઝરી કાર કંપની મર્સિડીસ-બેન્ઝની ટીમે સોમવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. કોંકણ રેન્જના આઈજી સંજય મોહિતેએ કહ્યું હતું કે પોલીસ કારની બ્રેક ફ્લુઈડ લેવલની ચકાસણી કરશે. બ્રેક ફ્લુઈડ ઓછું હોય ત્યારે બ્રેક લાઈનમાં હવા ભરાઈ જતી હોય છે જેને કારણે બ્રેક સોફ્ટ થઈ જાય છે. આવી બ્રેક જોખમી નીવડી શકે છે. અમે આ બધી બાબતો અંગે કંપનીની ટીમ પાસેથી માહિતી મેળવીશું જેમ કે ટાયર પ્રેશર, બ્રેક ઓઈલ વગેરેના સ્તરની જાણકારી પણ લેવામાં આવશે.
———-
સાયરસ મિસ્ત્રીના અગ્નિસંસ્કાર મુંબઈમાં થશે
મુંબઈ: રવિવારે મુંબઈ નજીક થયેલા માર્ગઅકસ્માતમાં મૃત્યુ પામેલા ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ભૂતપૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીના અગ્નિસંંસ્કાર મંગળવારે સવારે થશે, એવું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. ૫૪ વર્ષીય સાયરસ મિસ્ત્રીની અંતિમક્રિયા મંગળવારે સવારે વરલી સ્મશાનગૃહ ખાતે કરવામાં આવશે.
સાયરસ મિસ્ત્રીનાં અમુક સગાંવહાલાં સોમવારે રાતે આવવાનાં હોવાથી મંગળવારે સવારે ૧૧ વાગ્યે તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવશે, એવું તેમના પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું.
—–
સાયરસ મિસ્ત્રીનું મૃત્યુ થયું તેના આઠ કલાક પહેલાં શું કર્યું હતું
થોડા કલાક પહેલાં અગિયારીમાં પ્રાર્થના પણ કરી હતી અને ચંદન પણ વેચાતું લીધું હતું
મુંબઈ: ટાટા સન્સના ભૂતપૂર્વ અધ્યક્ષ અને શાપુરજી-પાલનજી ગ્રુપના વારસદાર સાયરસ મિસ્ત્રીનું રવિવારે માર્ગઅકસ્માતમાં મૃત્યુ થયું તેના ૮ કલાક પહેલાં તેમણે શું કર્યું હતું. પારસી સમાજના ધર્મગુરુ રવિવારે ગુજરાતના નવસારી નજીક ઉદવાડા ખાતે આવ્યા હતા અને મિસ્ત્રીએ ઉદવાડા સ્થિત આવેલી અગિયારીમાં પ્રાર્થના કરી હતી. ધર્મગુરુની મુલાકાત પણ તેમણે કરી હતી અને તેમના આશીર્વાદ પણ લીધા હતા. અમુક સમય તેમણે અગિયારીમાં જ વિતાવ્યો હતો. ત્યાર બાદ થોડો સમય તેમણે ધર્મગુરુ સાથે વાતચીત પણ કરી હતી. આટલું જ નહીં મિસ્ત્રીએ ઉદવાડા ખાતેથી ચંદન પણ વેચાતું લીધું હતું. ચંદન લેતા સમયે પાડવામાં આવેલો ફોટો એ કદાચ તેમની જિંદગીનો આખરી ફોટો હતો. પોતાના નિયોજિત કાર્યક્રમને પૂરો કરીને તેઓ મુંબઈ તરફ રવાના થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે ટાટા ગ્રુપના ભૂતપૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીનું
માર્ગઅકસ્માતમાં મૃત્યુ થયું હતું. પાલઘરના ચારોટી વિસ્તારમાં તેમની કારને ભીષણ અકસ્માત નડતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેઓ ગુજરાતથી મુંબઈ તરફ આવી રહ્યા હતા, પણ કાળ તેમને કોળિયો કરી ગયો હતો. તેમના નિધનને કારણે ઉદ્યોગજગતમાં ભારે પ્રમાણમાં શોક પ્રવર્ત્યો હતો. સાયરસ મિસ્ત્રી ધાર્મિક વ્યક્તિ હતા. જ્યારે જ્યારે સમય મળતો ત્યારે તેઓ અગિયારીમાં પ્રાર્થના કરવા જતા હતા.
———
સાયરસને રોડ મુસાફરી અને રોડસાઇડ ફૂડ ગમતા
મુંબઇ: સાયરસ મિસ્ત્રીનો દયાળુ સ્વભાવ અને રોડસાઇડ ફૂડ પ્રત્યેનો તેમનો પ્રેમ મને હંમેશાં યાદ રહેશે, એમ ભૂતપૂર્વ ડેપ્યુટી કલેક્ટર ગણેશ જગતાપે કહ્યું હતું.
ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેનનું રવિવારે મુંબઈ નજીક કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
સાયરસ ખૂબ જ નમ્ર, દયાળુ અને નિરાભિમાની હતા. અમે જ્યારે પહેલીવાર મળ્યા ત્યારથી લઇને તેમના અવસાન સુધી તે એવા જ રહ્યા હતા. તેઓ રોડ સાઇડ ફૂડ જેવા કે વડાપાંઉ, પાંઉ-ભાજી અને રોડ પર ટપરી પર મળતી ચાના ખૂબ જ શોખીન હતા. તેઓ ખાસ કરીને મહારાષ્ટ્રીયન ફૂડના શોખીન હતા, એમ જગતાપે જણાવ્યું હતું.
ભૂતપૂર્વ ડેપ્યુટી કલેક્ટર જગતાપે ભૂતપૂર્વ ગૃહપ્રધાન આર. આર. પાટીલના સહાયક તરીકે પણ સેવા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યારે પણ જમીન સંપાદનનો મામલો હોય, ત્યારે મિસ્ત્રી મને ફોન કરતા હતા. તેને હંમેશા રોડ મુસાફરી કરવાનું પસંદ હતું. ક્યારેક હવાઈ મુસાફરીનો વિકલ્પ ઉપલબ્ધ હોવા છતા, તેમણે રોડ મુસાફરીને પ્રાધાન્ય આપ્યું હતું. તેમનો ડાઉન ટુ અર્થ સ્વભાવ અને સાદગી તેમની આકર્ષક લાક્ષણિકતા હતી. અમારી સાઇટ મુલાકાત દરમિયાન તેઓ કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે પૂછપરછ કરતા હતા. તેઓ મને તેમની ઓફિસમાંથી બહાર
નિકળીને મારી કારમાં સુધી મૂકવા માટે આવતા હતા. મિસ્ત્રીના આગ્રહથી પોર્ટ માટે જમીન સંપાદન માટે હું તેમની સાથે ગુજરાત ગયો હતો, જ્યારે નવી જમીન સંપાદન લઇને સ્થાનિકોમાં વિરોધ જોવા મળ્યો હતો, ત્યારે ભાવમાં સુધારો કરીને તેમને વધુ વળતરની ઓફર કરવામાં આવી. કાયદાકીય રીતે આવું કરવા માટે તેઓ બંધાયેલા ન હતા, તેમ છતાં જેમની જમીન પહેલાંથી જ સંપાદિત કરી લેવામાં આવી હતી તેને પણ સુધારેલા ઊંચા દર આપવાનું નક્કી કર્યું હતું. આ નિર્ણયને કારણે તેમને પંદર કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થયો હતો. આવી ગુણી વ્યક્તિ મળવો દુર્લભ છે. તેમના એક નિર્ણયથી લોકોનો તેમની કંપની પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો અને એ લોકોએ આગળની પ્રક્રિયાઓમાં પણ સહકાર આપ્યો, એમ જગતાપે વધુમાં જણાવ્યું હતું.
તે અન્ય લોકોને મારી ભલામણ કરતા હતા. તેણે તેની હદની બહાર જઇને પણ મને મદદ કરી હતી. આવો ઉદાર અને પ્રેમાળ સ્વભાવ દુર્લભ છે. તેની મને ખૂબ જ યાદ આવશે, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઇ)

1 thought on “સાયરસ મિસ્ત્રીના આકસ્મિક નિધનના ત્રણ કારણ

  1. This is very sad. With all the safety features of Mercedes if you don’t implement them, they don’t work. Everyone please note that the air bags work in CONJUNCTION with the seat belts. Wet roads cause hydroplaning reducing tires’ contact with the road. Speed must be reduced in view of this fact. It is depressing to note that even educated people overlook these facts. The attitude that accidents will not happen to me tantamount to playing Russian Roulette.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.