ત્રણ લાખ સહકારી મંડળીઓ બૅંક સાથે જોડાશે: અમિત શાહ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: દેશમાં આવનારા પાંચ વર્ષમાં ત્રણ લાખ મંડળીઓને બેંક સાથે જોડી તેમને બહુહેતુક બનાવવાની સરકારની નેમ છે. આ માટે દરેક પંચાયતમાં સહકારી મંડળીની સ્થાપના માટે રૂ. ૧૫૦૦ કરોડ અને તેના કમ્પ્યુટરાઇઝેશન માટે રૂ. ૧૦૦૦ કરોડ સહિત કુલ રૂ. ૨,૫૦૦ કરોડ સરકારે ફાળવ્યા છે એવું કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું. પ્રભાસ પાટણમાં સોમનાથ મહાદેવના દર્શન તેમજ પૂજન અર્ચન કર્યા હતા.
અમરેલીની અમર ડેરીના પટાંગણમાં વિવિધ ક્ષેત્રોની સાત સહકારી મંડળીઓની સંયુકત વાર્ષિક સામાન્ય સભામાં બોલતા શાહે વધુમાં કહ્યું હતું કે, ‘હું રાજ્ય સરકારમાં ગૃહ પ્રધાન હતો અને નરેન્દ્રભાઈ મુખ્ય પ્રધાન હતા, ત્યારે કેબિનેટમાં એક પ્રસ્તાવ આવ્યો. આ કૉંગ્રેસ સરકાર જ્યારે તેમની સરકાર હતી ત્યારે સૌરાષ્ટ્રની ડેરીઓ પર મોટું ખંભાતી તાળું મારીને જતા રહ્યા હતા. રફાળેશ્ર્વર જેવા કૌભાંડ કરી બધી ડેરીઓને નિષ્ફળ કરી નાખી હતી. સૌરાષ્ટ્રમાં પશુપાલકો તેમનું દૂધ વેપારીઓના શોષણ સાથે વેચતા હતા, કારણ અનેક ઠેકાણે સહકારીઓ ડેરીઓ નહોતી. નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રની બધી જ ડેરીઓને મુડી ભંડોળ આપી ચાલુ કરી અને આજે મને કહેતા ગૌરવ છે કે સૌરાષ્ટ્ર બધા જૂના જિલ્લાઓમાં ડેરી ધમધોકાર ચાલે છે અને બહેનોને દર ૧૦ દિવસે પૈસા મળે છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રના વિકાસ માટે સરકાર મધમાખી ઉછેર અને ગાય સંવર્ધન જેવા કૃષિના પૂરક વ્યવસાયને પ્રોત્સાહન આપવા સકારાત્મક પ્રયાસો કરી રહી છે. સહકાર યુનિવર્સિટીનું નિર્માણ કરી સહકારી ક્ષેત્રની તાલીમ આપવામાં આવશે. તેનો ડેટાબેઇઝ તૈયાર કરવામાં આવશે. જેનાથી મંડળીની પ્રગતિ ઓનલાઈન જાણી શકાશે અને તેના વિકાસ માટે કામગીરી થઈ શકશે.
શાહે વધુમાં કહ્યું હતું કે, ગોબર ગેસ, ગોડાઉન, વીજ કલેક્શન, માર્કેટિંગ, ગેસ વિતરણ એજન્સી, જલ સે નલ વગેરે ક્ષેત્રનો સહકારી ક્ષેત્રમાં સામેલ કરવામાં આવશે. જેનાથી સહકારી ક્ષેત્રનો વ્યાપ વધશે અને તેની પ્રગતિ વધુ સઘનપણે થઈ શકશે.
આ સંમેલનમાં કેન્દ્રીય પશુપાલન, મત્સ્યઉદ્યોગ અને ડેરી પ્રધાન પરષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, દેશમાં સહકારથી સમૃદ્ધિનું સૌથી મોટું ઉદાહરણ અમૂલ છે. પ્રતિદિન ૧૫૦ કરોડ રૂપિયાનું વેચાણ અમૂલના માધ્યમથી થાય છે, જેનો સીધો લાભ ઉપભોક્તાઓને થાય છે. ભારત સરકાર દ્વારા જેવી રીતે ખેડૂતોને કેસીસી આપવામાં આવી રહી છે એવી જ રીતે હવે પશુપાલકો અને માછીમારોને પણ આપવામાં આવે છે, આ ડબલ એન્જિનની સરકારમાં સહકાર અને સરકારથી સૌની સમૃદ્ધિ થઈ રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.