(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: રાજ્યભરમાં ટ્રાફિક અને સુરક્ષાના તમામ નિયમોનું પાલન કરવાની વારંવાર હિમાયત કરવામાં આવતી હોવા છતાં કારચાલકોની બેદરકારી કે ઉતાવળને લીધે રોજ માર્ગ અકસ્માતો સર્જાય છે. કચ્છમાં કુલ ત્રણ અકસ્માતમાં ત્રણે જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ત્રણેય ઘટનાની વિગતો જોઈએ તો સરહદી કચ્છના નખત્રાણા તાલુકાના રોહા ગામના ઐતિહાસિક કિલ્લા નજીક ગત શુક્રવારની સાંજે ભુજના એક તબીબની કાર અને સિમેન્ટ લઇ જતા વાહન વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કારચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે તબીબને ઇજાઓ પહોંચતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાણઘાતક અકસ્માત અંગે ભુજની પોલીસ ચોકી પાસેથી મળતી માહિતી અનુસાર, ભુજની ખાનગી હૉસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ.વિષ્ણુ રાઠવા સાંજના પાંચેક વાગ્યે દર્દીને તપાસવા નલિયા જવા માટે પોતાની હ્યુન્ડાઇ આઈ ૨૦ કારમાં ચાલકને સાથે રાખી નીકળ્યા હતા. તેઓ ભુજ-નલિયા માર્ગ પરના રોહા કિલ્લા નજીક પહોંચ્યાં ત્યારે સામેથી ધસી આવેલા બલકરે તબીબની કારને સામેથી જોરદાર ટક્કર મારી દેતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં કાર અને બલ્કર પલ્ટી જતાં ગંભીર ઈજાઓથી માનકુવાના ૩૫ વર્ષીય કારચાલક પિયુષ લહેરીલાલ પરમારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે પાછળની સીટ પર રહેલા તબીબ વિષ્ણુ રાઠવાને ઇજાઓ પહોંચતા સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે. નખત્રાણા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ, સીમાવર્તી રાપરના ગેડી ગામે દારૂના નશામાં ટ્રેક્ટર હંકારી શખસે ઈરાદાપૂર્વક બેદરકારી દાખવતાં ટ્રેક્ટર પલટી જતાં પાછળ ટ્રોલીમાં બેસેલી તેની પત્નીનું મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસે આ ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાપરના દેશલપર ખાતે રહેતો મંગા ગણેશા ગોહિલ નામનો શખસ શરાબના નશામાં હોવા છતાં પોતાના ટ્રેક્ટરમાં પત્ની ખીમીબેન અને પુત્ર દીપકને બેસાડીને ગેડી તરફ આવતો હતો તે દરમ્યાન સ્ટિયરીંગ પરથી હાથ અધ્ધર કરી દેતાં ટ્રેક્ટર બેકાબૂ બનીને નજીકના ખાડામાં પલટી મારી ગયું હતું. જેમાં ટ્રોલીમાં બેઠેલી પત્નીને માથામાં ગંભીર ઈજા થતાં તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.
બનાવ અંગે પૌત્ર દીપકે આપેલાં નિવેદનના આધારે હતભાગીના પિતા રાઘાભાઈએ જમાઈ વિરુદ્ધ રાપર પોલીસ મથકે પુત્રીનું મોત નીપજાવવા બદલ ઈપીકો ૩૦૪-એ સહિતની વિવિધ કલમો તળે ફરિયાદ નોંધાવી છે.
દરમ્યાન, પેટિયું રળવા દોઢ મહિના અગાઉ છેક ઉત્તર પ્રદેશના સુલતનાપુર જિલ્લાના ગામથી કચ્છ આવેલા ૨૩ વર્ષના યુવાન મોહમ્મ્દ ફિરોજ માસુક અલીનું ભુજના નાડાપા ગામની રેતીની ફેક્ટરીમાં સર્જાયેલાં અકસ્માતમાં મોત નીપજ્યું હતું.
આ અંગે પોલીસે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, યુવક અંજારની ટ્રાન્સપોર્ટ પેઢીમાં ટ્રેઇલર હંકારતા તેની ફોઈના પુત્ર મોહમ્મદ તૌફિક સાથે ટ્રેલરમાં હરતો ફરતો રહેતો હતો. બંને ભાઈઓ નાડાપાની ફેક્ટરીમાં રેતી ભરવા પહોંચ્યાં હતા જ્યાં તેમનું ટ્રેઇલર લોડ થવામાં વિલંબ થતાં બંને ટ્રેલરની કેબિનમાં જ નિંદ્રાધીન થઇ ગયા હતા. દરમિયાન, લઘુશંકા કરવા નીચે ઉતરેલો ફિરોજ રીવર્સમાં આવી રહેલાં આઈવા ડમ્પર નીચે કચડાઈ જતાં માથા અને પેટના ભાગે ગંભીરરીતે ઘવાઈને સ્થળ પર મૃત્યુ પામ્યો હતો.
ઘટના અંગે તૌફિકે ડમ્પરચાલક હરેશ ગોપાલજી ગાગલ (રહે. ચપરેડી) સામે પદ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ઉ
કચ્છમાં અલગ અલગ અકસ્માતમાં ત્રણનાં મોત
RELATED ARTICLES