(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં બુધવારે વરસાદનું જોર હળવું થયું હતું અને છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. જોકે દિવસ દરમિયાન સાયનના ચુનાભઠ્ઠીમાં ભેખડ ધસી પડતાં ત્રણ લોકો જખમી થયા હતા.
ચુનાભઠ્ઠીમાં નાગોબા ચોકમાં આવેલી નારાયણ હડકે ચોક પાસે બુધવારે સવારના ભેખડ ધસી પડીને ત્યાં રહેલા ગ્રાઉન્ડ પ્લસ એક માળાની ચાલ પર પડી હતી. તેને કારણે ત્યાં ઘરમાં રહેલા ત્રણ લોકો ગંભીર રીતે જખમી થયા હતા.
ડિઝાસ્ટર મૅનેજમેન્ટના જણાવ્યા મુજબ ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ અને પોલીસ પહોંચી હતી અને જખમીઓને તુરંત નજીક આવેલી સાયન હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. તો ભેખડ તૂટી પડતાં ત્યાં રહેલા મકાનને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.
પાલિકાએ તકેદારીના પગલારૂપે આજુબાજુના ઘર પણ ખાલી કરાવી દીધા હતા. જખમીમાં ૧૫ વર્ષનો શુભમ સોનાવણે, ૪૦ વર્ષનો પ્રકાશ સોનાવણે અને ૨૦ વર્ષની સુરેખા વિરકારનો સમાવેશ થાય છે. ત્રણેય પર હૉસ્પિટલમાં સારવાર ચાલી
રહી છે.
