અમદાવાદના રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરમાં ત્રણ દિવસ ઉત્સવો: ભંડારો અને વસ્ત્રદાન થશે

આપણું ગુજરાત

જગન્નાથજી રથયાત્રા માટે અખાડિયોની તૈયારી: અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઇ બલરામજી સાથે નગરયાત્રાએ નીકળે છે. ભગવાનની રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ જોડાય છે તેમ જ યાત્રામાં અખાડાના કુસ્તી બાજો કરતબનું પ્રદર્શન કરે છે. ૧લી જુલાઈ એ નીકળનારી આ રથયાત્રા માટે અખાડાના યુવાનો દ્વારા નવાં નવાં કરતબની પ્રેકિટ્સ ચાલી રહી છે. (તસવીરો: જનક પટેલ. અમદાવાદ.)

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારના સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથની રથયાત્રા આગામી તા.૧લી જુલાઈને અષાઢી બીજના દિવસે યોજાવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળતા હોય છે અને ભક્તોની વચ્ચે જઈને દર્શનનો લાહવો આ દિવસે આપતા હોવાથી આ દિવસનું અનેરુ મહત્ત્વ ભક્તો અને ભગવાન વચ્ચે રહેલું છે. શહેરમાં ભગવાન જગન્નાથની આ વર્ષે ૧૪૫મી રથયાત્રાને લઈને જમાલપુર જગન્નાથ મંદિર તરફથી રથયાત્રા મહોત્સવમાં જોડાવા માટે લોકોને નિમંત્રણ પાઠવવાની શરૂઆત થઈ
ગઈ છે.
દર વર્ષે રથયાત્રામાં રાજ્યના મુખ્ય પ્રધાન પહિંદવિધિ કરતા હોય છે અને મંદિર ટ્રસ્ટ તરફથી રથયાત્રામાં પહિંદવિધિ માટે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પહિંદવિધિ માટે નિમંત્રણ પાઠવી દેવામાં આવ્યું છે.
શહેરના ભગવાન જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે, શહેરના ભગવાન જગન્નાથ મંદિરમાં તા. ૨૯થી તા. ૩૦ જૂન અને તા.૧લી જુલાઈ એમ ત્રણ દિવસ મંદિરમાં ઉત્સવનો માહોલ રહેશે.
તા. ૨૯મી જૂને જેઠ વદ અમાસના દિવસે ભગવાન મામાના ઘરેથી પરત આવશે. જેથી સવારે છ વાગ્યે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામની ગર્ભગૃહમાં રત્ન વેદી પર પ્રતિષ્ઠા કરવામાં આવશે. સવારે ૭:૩૦ વાગ્યે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે, જેમાં ભગવાનના આંખે પાટા બાંધવામાં આવશે. ત્યારબાદ ધ્વજારોહણ અને મહાઆરતી કરવામાં આવશે.
જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજરી આપશે.તા. ૨૯મી જૂનના રોજ સવારે ૧૧ વાગ્યે દેશના વિવિધ રાજ્યો અને શહેરમાંથી આવેલા તમામ સાધુ-સંતોનો ભંડારો યોજાશે. ભંડારા બાદ તમામ સાધુ-સંતોને વસ્ત્રોનું દાન કરવામાં આવશે. સાધુ-સંતોના ભંડારામાં પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને પંકજભાઈ મોદી હાજર રહેશે. બીજા દિવસે અષાઢી સુદ એકમને, તા.૩૦મી જૂનના રોજ સવારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામનો સોનાવેશ તેમજ શોડશોપચાર પૂજન થશે. ૧૦.૪૫ વાગ્યે મંદિરના પ્રાંગણમાં ગજરાજોનું પૂજન કરવામાં આવશે.
આ સમગ્ર કાર્યક્રમમાં જય અમિત શાહ હાજર રહેશે. બપોરે ૧૨ વાગ્યે મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા કરવામાં આવશે. બપોરે ત્રણ વાગ્યે ત્રણેય રથનું પૂજન અને આરતી કરવામાં આવશે. જેમાં ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, વિપક્ષના નેતા સુખરામ રાઠવા સહિત કૉંગ્રેસના નેતાઓ હાજર રહેશે. સાંજે ૮ વાગ્યે મહાઆરતી કરવામાં આવશે, જેમાં વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય, ધારાસભ્યો સહિતના નેતાઓ હાજર રહેશે. તા. ૧લી જુલાઈના રોજ અષાઢી બીજના દિવસે સવારે ૪ વાગ્યે મંગળા આરતીમાં દર વર્ષે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજર રહેતા હોય છે. આ વર્ષે પણ સવારે ૪ વાગ્યે અમિત શાહ મંગળા આરતીમાં હાજર રહેશે. સવારે ૭ વાગ્યે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરશે અને રથયાત્રાનો પ્રારંભ કરાવશે તેવું જણાવાયું હતું.
અત્રે ઉલેખનીય છે કે, શહેરમાં આગામી તા.૧લી જુલાઈને આષાઢી બીજને દિવસે ભગવાન જગન્નાથની ૧૪૫મી રથયાત્રાની તૈયારીના ભાગરૂપે શહેર પોલીસ દ્વારા સુરક્ષામાં કોઈ કચાસના રહે તે માટે રથયાત્રાના રૂટ પર તેમ જ મંદિર પરિસરમાં ચેકિંગ હાથ ધરાયું હતું. શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, ત્રણ બીડીડીએસ, બે ડોગ સ્કોડની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું સાથે જ સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન મારફતે ધાબા પોઇન્ટ પર ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસ પણ આ રથયાત્રામાં સુરક્ષા અંગે કોઈ ખામી ના રહી જાય તે માટે મંદિર પરિસર અને ત્રણેય રથમાં દિવસમાં બે દિવસ ચેકિંગ કરી રહી છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.