ખારકોપર સ્ટેશન નજીક ઘટના બનતાં નેરુલ સુધીની રેલવેસેવા થઇ ઠપ
નવી મુંબઈ: હાર્બર લાઈનમાં ખારકોપર રેલવે સ્ટેશન નજીક આવી રહેલી લોકલ ટ્રેનના ૩ ડબા અચાનક ખડી પડ્યા હતા. નસીબજોગ આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી. જોકે ખારકોપરથી નેરુલ વચ્ચેની રેલવેસેવા સંપૂર્ણ રીતે ઠપ થઇ ગઇ હતી. વહેલી સવારે પોણાનવે ઘટના બનતાં પ્રવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કોચને ફરી પાટે ચડાવવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું, પણ મોડી સાંજ સુધી રેલવેસેવાને અસર થઇ હતી.
બેલાપુરથી ખારકોપર તરફ જતી લોકલ ટ્રેનનાં પૈડાં પાટા પરથી મંગળવારે સવારે પોણાનવ વાગ્યે ખડી પડ્યા હતા. આ ઘટનમાં કોઇ જાનહાનિ તો નહોતી થઇ, પણ ટ્રેન પાટા પરથી ખડી પડવાને કારણે રેલવેવ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઇ ગયો હતો, જેને કારણે પ્રવાસીઓએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
હાર્બર લાઈન પર લોકલમાં અનેક વાર ખામી સર્જાતી હોવાનું સાંભળવા મળે છે. જોકે મંગળવારે ટ્રેનના ૩ કોચ જ પાટા પરથી ખડી પડવાની ઘટના ઘટી હતી. નસીબજોગ આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નહોતી. આ ઘટનાને કારણે પ્રવાસીઓ ભારે પ્રમાણમાં મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા અને ભયનું વાતાવરણ સર્જાયું હતું.
ટ્રેનમાં ભારે પ્રમાણમાં ભીડ હતી અને લોકોએ રીતસર પોતાને બચાવવાને ઉદ્દેશથી ટ્રેનમાંથી કૂદકા માર્યા હતા. દરમિયાન અકસ્માતના ઠેકાણે રેલવે કર્મચારીઓ પહોંચી ગયા હતા અને ટ્રેનને પાટે ચડાવવાનું કામ યુદ્ધની ગતિથી શરૂ કર્યું હતું.
દરમિયાન રિલીફ ટ્રેન ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને રેલવેવ્યવહારને પૂર્વવત્ કરવાનું કામ પુરઝડપે શરૂ કરી દેવામાં આવ્યું હતું. જોકે અકસ્માતને કારણે બેલાપુર/નેરુલ-ખારકોપર માર્ગના રેલવેવ્યવહારને બંધ કરી દેવામાં આવ્યો હતો.