વિરારમાં સાડાત્રણ વર્ષના બાળકનો દફનાવી દેવાયેલો મૃતદેહ પોલીસે બહાર કાઢ્યો

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાયંદર: વિરારમાં સાડાત્રણ વર્ષના બાળકના શંકાસ્પદ મૃત્યુ બાદ જમીનમાં દફનાવી દેવાયેલા તેના મૃતદેહને પોલીસે તપાસ માટે ફરી બહાર કાઢ્યો હતો.
વિરાર પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ મિકેશ વાઘ તરીકે થઈ હતી. પ્રશાસકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ શનિવારે બાળકના મૃતદેહને જમીનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુંબઈની જે. જે. હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. પોસ્ટમોર્ટમના અહેવાલ બાદ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાશે. હાલના તબક્કે આ મામલે કોઈ પણ માહિતી આપવાનો પોલીસે ઇનકાર કર્યો હતો. વિરાર પૂર્વમાં જીવદાની ચોકડી નજીક ઝૂંપડામાં રહેતો ગણેશ વાઘ (૨૫) ભિક્ષા માગીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગણેશે જ પુત્રની કથિત હત્યા કરી હોવાની શંકા સ્થાનિકોએ વ્યક્ત કરી હતી. હત્યા બાદ મૃતદેહને ઘર નજીકની જમીનમાં ખાડો ખોદી દફનાવી દેવામાં આવ્યો હતો.
આ બાબતની જાણકારી મળતાં પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. બાળકીની દાદીએ પોલીસને જણાવ્યું હતું કે મિકેશ બીમાર હતો અને બીમારીને કારણે જ તેનું નિધન થયું હતું. આ મામલે તપાસ કરવા માટે પોલીસે બાળકનો દફનાવાયેલો મૃતદેહ બહાર કાઢવા પ્રશાસન પાસે પરવાનગી માગી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.