Homeઆમચી મુંબઈનાલાસોપારામાં ગોળી મારી યુવાનની હત્યા: ત્રણ પકડાયા

નાલાસોપારામાં ગોળી મારી યુવાનની હત્યા: ત્રણ પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: કામને બહાને ભિવંડી લઈ ગયા બાદ પારોળ-ભિવંડી રોડ પર નાલાસોપારા નજીક ગોળી મારી યુવાનની હત્યા કરવાના કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.
વસઈ ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૨ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીઓની ઓળખ નદીમ ઈકબાલ અબ્દુલ અહમદ શેખ (૩૫), મોહમ્મદ સુફિયાન ઝાકીર હુસેન શેખ (૨૨) અને જીસાન ઉર્ફે સોનુ જાવેદ ખાન (૧૮) તરીકે થઈ હતી. આરોપીઓ પાસેથી એક પિસ્તોલ, ૩૬ કારતૂસ અને મોબાઈલ ફોન્સ જપ્ત કરવામાં આવ્યા હતા. નાલાસોપારા પૂર્વમાં રહેતા ત્રણેય આરોપીને કોર્ટે ૨૨ નવેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
પોલીસના જણાવ્યા મુજબ પારોળ-ભિવંડી રોડ પર ધુમાળપાડા ખાતેથી ૧૩ નવેમ્બરે કમરુદ્દીન ગયાસુદ્દીન ચૌધરી (૨૧)નો મૃતદેહ મળી આવ્યો હતો. માથા પરની ઇજાને જોતાં મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મુંબઈની જે. જે. હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. પોસ્ટમોર્ટમના પ્રાથમિક અહેવાલ અનુસાર ગોળી મારી યુવકની હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણે માંડવી પોલીસે ગુનો નોંધ્યો હતો, જેની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે નાલાસોપારા પૂર્વમાં પેલ્હાર સ્થિત વાકણપાડા ખાતે રહેતો ચૌધરી એ જ વિસ્તારમાં રહેતા મોહમ્મદ સુફિયાન શેખ સાથે ભિવંડી જવા નીકળ્યો હતો. શંકાને આધારે તાબામાં લઈ સુફિયાનની પૂછપરછ કરવામાં આવતાં તેણે હત્યાનો ગુનો કબૂલ્યો હોવાનો દાવો પોલીસે કર્યો હતો.
ચૌધરી પાસેની રોકડ લૂંટવાને ઇરાદે સુફિયાને તેના મિત્રો નદીમ અને જીસાન સાથે આ કાવતરું ઘડ્યું હતું. ભિવંડીમાં ભંગારનો માલ દેખાડવાને બહાને ચૌધરીને બાઈક પર લઈ જવામાં આવ્યો હતો. પાછા ફરતી વખતે ચૌધરી બાઈક પર વચ્ચે બેઠો હતો, જ્યારે તેની પાછળ નદીમ બેઠો હતો. ચાલતી બાઈક પર જ નદીમે ચૌધરીના માથામાં બે ગોળી મારી તેની હત્યા કરી હતી.
પોલીસે માહિતીને આધારે જીસાનને નાલાસોપારાથી પકડી પાડ્યો હતો. જોકે મુખ્ય આરોપી નદીમ બિહારના તેના વતન જવા નીકળ્યો હોવાનું જાણવા મળતાં પોલીસે ભુસાવળ રેલવે પોલીસની મદદ લીધી હતી. ભુસાવળ રેલવે સ્ટેશનેથી નદીમને તાબામાં લઈ નાલાસોપારા લાવવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular