નાગપુર: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની ઑફિસમાં ત્રણ ફોન કૉલ્સ કરી શખસે ૧૦ કરોડ રૂપિયા ચૂકવવામાં ન આવે તો નુકસાન પહોંચાડવાની કથિત ધમકી આપ્યા બાદ ભાજપના વરિષ્ઠના નેતાના નાગપુર સ્થિત નિવાસસ્થાન અને ઑફિસની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો.
કૉલ કરનારા શખસે પોતાની ઓળખ જયેશ પૂજારી ઉર્ફે જયેશ કાંથા તરીકે આપી હતી. આ જ શખસે જાન્યુઆરીમાં પણ ગડકરીની ઑફિસમાં ફોન કૉલ કરીને ધમકી આપી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
ઝોન-૩ના ડેપ્યુટી પોલીસ કમિશનર રાહુલ મદનેએ જણાવ્યું હતું કે નાગપુરમાં ઑરેન્જ સિટી હૉસ્પિટલની સામે આવેલી ગડકરીની પબ્લિક રિલેશન્સ ઑફિસમાં મંગળવારની સવારે બે અને બપોરે ૧૨ વાગ્યાની આસપાસ એક કૉલ આવ્યો હતો.
કૉલ કરનારા શખસે ૧૦ કરોડ રૂપિયાની માગણી કરી હતી. રૂપિયા ચૂકવવામાં ન આવે તો નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી.
આ પ્રકરણે ગડકરીના સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને ગડકરીના નિવાસસ્થાન અને ઑફિસ ફરતે સુરક્ષા વધારી દેવામાં આવી હતી, એમ ડીસીપીએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ ૧૪ જાન્યુઆરીએ પણ ગડકરીની ઑફિસમાં પૂજારી નામના શખસે કૉલ કર્યો હતો અને ૧૦૦ કરોડ રૂપિયાની માગણી કરી હતી. કૉલ કરનારા શખસે પોતાની ઓળખ દાઉદ ઈબ્રાહિમ ગૅન્ગના સભ્ય તરીકે આપી હતી.
નોંધનીય છે કે હત્યાના એક કેસમાં મૃત્યુદંડની સજા થયા બાદ પૂજારી નામના એક ગુંડાને કર્ણાટકના બેલગાવી સ્થિત હિંદાલગા જેલમાં રાખવામાં આવ્યો છે. ધમકીભર્યા કૉલ્સમાં પોતાની સંડોવણીનો તેણે ઇનકાર કરી દીધો હતો. (પીટીઆઈ)ઉ