સૌરાષ્ટ્રમાં લમ્પીથી હજારો ગૌવંશના મોત, રાજકોટ અને કાલાવડમાં મૃતદેહોના ઢગલા જોવા મળ્યા

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Rajkot: ગુજરાત ભરમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી ગુજરાતના 14 જિલ્લાઓમાં લમ્પી વાયરસ ફેલાઈ ચૂક્યો છે. લમ્પી વાયરસના સંક્રમણને કારણે હજારો ગૌવંશના મોત નીપજ્યાં છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લમ્પીએ હાહાકાર મચાવ્યો છે. સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ ગૌવંસના મૃતદેહોના ઢગલા જોવા મળી રહ્યા છે. બીજી તરફ તંત્ર મૃતદેહોની યોગ્ય રીતે દફનવિધિમાં બેદરકારી દાખવી રહી છે. જેથી આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજકોટથી 15 કિમી દૂર આવેલા માલિયાસણ ગામ પાસે એક મેદાનમાં ગૌવંશના મૃતદેહોના ઢગલા જોવા મળી રહ્યા છે. રાજકોટ મનપાએ જ આ જગ્યા પશુઓના મૃતદેહોને દફના કરવા માટે ફાળવી છે. પરંતુ લોકો મૃતદેહોની દફનવિધિ કરવાને બદલે રઝળતા મૂકીને જતા રહે છે. જેણે કારણે મેદાનના 1 કિલોમિટરના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે. ખુલ્લામાં પડેલા પશુઓના મૃતદેહો કુતરાઓ ચૂંથી રહ્યા છે. જેથી અડધો કિલોમિટર દુર આવેલા 12000નો વસ્તી ધરાવતા માલિયાસણ ગામમાં લોકોનું જીવવું મુસ્કેલ થઇ ગયું છે. લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય છે. સ્થાનિકો લોકોના જણાવ્યા 200થી વધારે ગાયના મૃતદેહ અહીં આવ્યા છે. હાલ મ્યુનિ.ની ટીમ જેસીબી મશીનની મદદથી પશુઓના મૃતદેહોની દફન વિધિ કરી રહી છે.
જામનગરના કાલાવડ શહેરમાં પણ લમ્પી વાયરસથી અનેક ગાયોના મોત થયા છે. તંત્રની બેદરકારીને કારણે શહેરમાં આવેલી ટોડા સોસાયટી પાસે ગાયોની લાશોના ઢગલા જોવા મળી રહ્યા છે. જેની દુર્ગંધ ફેલાતા આસપાસ વિસ્તારના રહિશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
લમ્પીરોગ ઝડપથી ફેલાતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. સરકાર દ્વારા પશુપાલકો તથા સ્થાનિક પશુ ચિકિત્સકોને માર્ગદર્શન પૂરું પાડવા સિનિયર સાયન્ટિસ્ટ સાથેની ટીમોને વિવિધ વિસ્તારમાં મોકલવામાં આવી રહી છે. સરકાર મોટા પ્રમાણમાં વેક્સિનેશન કરી રહ્યાનો દાવો કરી રહી છે તો બીજી તરફ વિવિધ વિસ્તારમાં વેક્સિનના ડોઝ ખૂટી ગયાની ફરિયાદ ઉઠી રહી છે.
રાજકોટના ઉપલેટાની વડચોક ગૌશાળાના સંચાલકોએ તંત્ર પાસે રસીની માંગણી કરી કરી હતી. તંત્ર પાસેથી વેક્સિનની વ્યવસ્થા ન હોવાનું માલુમ પડતા ગામલોકોએ પોતાના સ્વખર્ચે વેક્સિનની વ્યવસ્થા કરીને વેક્સિન આપવાની કામગીરી શરૂ કરી હતી. ગૌશાળાની 800 ગાયને આ વેક્સિન આપી દેવામાં આવી છે. હજુ 400 જેટલી ગાયને રસી આપવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.