જેમણે જીવનમાં કંઈક પ્રકાશ પામવો છે એમણે અવલોકન કરતા રહેવું જોઈએ

ધર્મતેજ

માનસ મંથન -મોરારિબાપુ

મારાં ભાઈ-બહેનો, પરમાત્માની અતિશય અને અહેતુક કૃપાથી સનાતન ધર્મનું પરમ શ્રદ્ધાનું કેન્દ્ર એવું ગયાતીર્થ અને ભગવાન બુદ્ધને જ્યાં પ્રકાશની પ્રાપ્તિ થઈ, બોધ પ્રાપ્ત થયો, એવું બોધગયા; આ પવન ભૂમિ પર રામકથાનું અનુષ્ઠાન કરવાનો ઠાકોરજીએ મોકો આપ્યો છે. ભગવાન બુદ્ધની પ્રકાશ પ્રાપ્તિની આ ભૂમિને સાંકળીને આ કથાને આપણે ‘માનસ-બોધગયા’ના રૂપમાં સાંભળીશું, સત્સંગ કરીશું અને સાથે મળીને વાર્તાલાપ કરીશું.
રામકથાના માધ્યમથી નવ દિવસ સુધી આપણે આપણા જીવનનું અવલોકન કરીશું. જોવું અને અવલોકન કરવું એ બંને જુદી બાબતો છે. અહીં આપણે કોઈને જોવા માટે નથી આવ્યા, નવ દિવસ આપણે અહીં અવલોકન કરવા માટે આવ્યા છીએ. અને કઈ બાબતોનું અવલોકન કરી શકાય, એનો જવાબ તથાગત ભગવાન બુદ્ધે આપ્યો છે. ભગવાન બુદ્ધ કહે છે કે, કેટલાંક એવા કેન્દ્રો છે જેનું શ્રાવકે, સાધકે, જેમણે આ જીવનમાં કંઈક પ્રકાશ પામવો છે એમણે અવલોકન કરતાં રહેવું જોઈએ. ભગવાન તથાગત બુદ્ધે ઘણી પ્રેક્ટિકલ વાતો કહી છે. એ લાગશે સ્થૂળ, પરંતુ જ્યારે કોઈ બુદ્ધપુરુષ કહે છે, કોઈ સદ્ગુરુ કહે છે, કોઈ પરમ ચેતના બોલે છે, ત્યારે એની પાછળ પાછળ ઘણાં રહસ્યો આવતાં હોય છે.
ભગવાન બુદ્ધે કહ્યું, સૌથી પહેલાં વ્યક્તિએ પોતાના શરીરનું અવલોકન કરવું જોઈએ. બિલકુલ સ્થૂળ બાબત છે. અને આ એ મહાપુરુષ કહી રહ્યા છે કે જેમણે સાધનાપક્ષમાં શરીરની બિલકુલ ખેવના નથી કરી. અહીં આવતાં-આવતાં તો ભગવાનની કેવી સ્થિતિ થઈ ગઈ હતી એ તમે જાણો છો. એમણે પોતાના અનુભવ બાદ આ વાક્ય કહ્યું કે, માણસે એના શરીરનું અવલોકન કરવું જોઈએ. એ આવશ્યક છે. હું સમજું છું કે છે બિલકુલ સ્થૂળ. પરંતુ હું મારી રીતે વિચારું તો માણસે અરીસામાં જોઇને પોતાના શરીરનું અવલોકન કરવું જોઈએ. કોઈની સામે ઊભા રહીને નિર્ણય ન કરાવવો જોઈએ કે હું કેવો લાગુ છું? અને બીજા કોઈ કંઈ કહે એના આધારે અવલોકન ન કરવું, કેમ કે એમાં તો ખુશામત પણ હોઈ શકે છે, સ્વાર્થ પણ હોઈ શકે છે. ખુદને જુઓ. કાં તો મનના દર્પણમાં જુઓ અને ત્યાં
સુધી આપણી પહોંચ ન હોય તો કમ સે કમ ઘરમાં રાખેલા દર્પણમાં આપણે આપણા દેહનું અવલોકન કરીએ.
તુલસી કહે છે-
પૂજ્યપાદ કલિપાવનાવતાર ગોસ્વામીજી કહે છે, ઘણા બધા ભાગ્યને અંતે મનુષ્યદેહ પ્રાપ્ત થાય છે.
પરમાત્માએ ઘણી કરુણા કરીને મનુષ્યદેહ આપ્યો છે. એનું અવલોકન કરવું જોઈએ. આંખ બગડે છે ત્યારે આંખનું મૂલ્ય સમજાય છે; કાન સાંભળવાનું બંધ કરવા માંડે છે ત્યારે કાનનો મહિમા સમજાય છે. દાંત પડવા માંડે છે ત્યારે દાંતનો મહિમા સમજાય છે; એટલે પહેલાં જ એનું અવલોકન કરવું જોઈએ. તો બાપ, શરીરનું અવલોકન કરીએ કે, શરીર ચાલે છે તો પણ કંઈક ઊર્જા પ્રગટ થાય છે અને શરીર કોઈનું સ્મરણ કરીને એક જગ્યાએ બેસી જાય છે, તો પણ કેન્દ્રસ્થ ઊર્જાનાં આંદોલનો ચારેબાજુ વિખેરાવા લાગે છે. ભગવાન બુદ્ધ પણ બહુ જ ઘૂમ્યા; અને પછી બેસી ગયા તો બેસી ગયા. શ્રીમદ્ ભાગવતજી’ માં લખ્યું છે-
‘પરમાત્માએ આપણને આટલો સુંદર દેહ આપ્યો છે, તો આપણા કાનને પ્રભુની કથાનું શ્રવણ કરવામાં લગાવીએ. આ દેહ-અવલોકન છે. આપણી વાણી ઠાકોરજીના ગુણગાન ગાય; નેત્ર એના દર્શન કરે; હાથ અર્ચન કરે. ભગવાન બુદ્ધનું કહેવું છે કે શરીરનું અવલોકન કરવું; અને તે પણ વિવેકથી, અવિવેકથી નહીં. અને વિવેક મળે છે સત્સંગથી.
ભગવાન બુદ્ધ ત્યાર પછી કહે છે કે, માણસે પોતાના ચિત્તનું અવલોકન કરવું જોઈએ. આપણું ચિત્ત કેવું છે? ચિત્ત શું છે ? નિરંતર ચિત્તનું અવલોકન કરવું. મન કહો, ચિત્ત કહો, મને કોઈ ફરક નથી પડતો. અલબત્ત, એ બંનેના અર્થ અને ભૂમિકામાં ભેદ છે, યસ. છતાં પણ ચિત્ત અને મન એક જ અંત:કરણના વિભાગો છે.
વિનોબાજીએ ક્યારેક કદાચ કીધું હતું,  ચિત્તનું અવલોકન કરવું જોઈએ. ગોસ્વામીજી ‘વિનય’માં કહે છે, ‘ચિત્ત, તું ચિત્રકૂટ ચાલ.’ ચિત્તનું અવલોકન, ચિત્તશોધન સાધકે કરવું જોઈએ. પછી બહુ જ સુંદર વાત છે ત્રીજા સ્થાને, ચિત્તનું શોધન થયા બાદ ચિત્તવૃત્તિનું અવલોકન કરવું. ચિત્ત તો સમજી લીધું, પરંતુ એનો ક્રિયાકલાપ શું છે ? ચિત્તવૃત્તિ કેવી છે એ નિરંતર ચાલે છે, પાછળ રહે છે કે આગળ નીકળી જાય છે? ચિત્તની વૃત્તિઓનું અવલોકન કરવું જોઈએ. વ્યક્તિની ચિત્તવૃત્તિ કૃષ્ણાર્પિત થઈ જાય; ઠાકોરજીનાં ચરણોમાં ચિત્ત લાગી જાય.સાધક ચિત્તવૃત્તિનું અવલોકન કરે કે ચિત્ત ભ્રમિત કેમ છે ? ચિત્તનું પણ અવલોકન કરવું અને ચિત્તવૃત્તિનું પણ અવલોકન
કરવું.
પછી ભગવાન બુદ્ધ આગળ વધે છે અને કહે છે, માણસે પોતાના હૃદયનું અવલોકન કરતા રહેવું જોઈએ. આ હૃદય છે એ રક્તને શુદ્ધ કરીને પહોંચાડે છે. પછી અશુદ્ધ રક્ત આવે છે, ફરી શુદ્ધ કરીને પહોંચાડે છે. આ પંપ છે, જ્યાંથી રૂધિરાભિસરણ થતું રહે છે. આ હૃદય શું છે ? હૃદય કેવી રીતે સ્વચ્છ થાય, વિશુદ્ધ
થાય, પરિશુદ્ધ થાય ? એનું અવલોકન કરવું
જોઈએ.
બુદ્ધની પરિભાષામાં કહું તો, બુદ્ધપુરુષ કોને કહેવાય? જેમનું હૃદય વિશુદ્ધ છે, એમને બુદ્ધપુરુષ થવામાં વાર નથી લાગતી. બધા જ વિકારો ખતમ થઈ જાય. એ બહુ કઠિન છે; એ બોલવું બહુ આસાન છે. પરંતુ હૃદય શુદ્ધ હોય, એવા હૃદયમાં પરમાત્માનો નિવાસ હોય છે. ભગવાન તથાગત જયારે એમ કહે છે કે, હુદયનું અવલોકન કરો, ત્યારે સામેવાળાની સ્થિતિ-પરિસ્થિતિ ન જુઓ. આશ્રિતએ જોવું જોઈએ કે, મારું દિલ સાફ છે કે કેમ? બસ, બાત ખતમ ! અને મારા શ્રાવક ભાઈ-બહેનો, આપણે જેમનાં ચરણોનાં આશ્રિત છીએ એમનું હૃદય શુદ્ધ છે કે નહીં, એની બહુ ચિંતા ન કરવી. આપણું હૃદય શુદ્ધ છે કે કેમ, એની ચિંતા કરવી.
આપણે નવ દિવસ કંઈક અવલોકન માટે આવ્યા છીએ. તપાસ કરવા નહીં, ભીતરી અવલોકન કરવા આવ્યા છીએ. તો બાપ, રામકથાનો આવા રૂપમાં પ્રારંભ થઈ રહ્યો છે. કથાના પ્રસંગોનું અવલોકન પણ આપણે કરશું. એનાં તત્ત્વોનું, પાત્રોનું અવલોકન પણ કરીશું. અને એમ કરતાં-કરતાં આપણે આપણા શરીરનું અવલોકન, આપણા ચિત્તનું અવલોકન અને હૃદયના ધબકારા શું કહી રહ્યા છે, એનું અવલોકન કરવાની કોશિશ કરશું.
– સંકલન: જયદેવ માંકડ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.