માનસ મંથન -મોરારિબાપુ
सबहि मानप्रद आपु अमानी।
भरत पान सम मम ते पानी ॥
સૌ પ્રથમ હું પુણ્યશ્ર્લોક માનદાદાની પ્રસિદ્ધીમુક્ત સેવામય ચેતનાને પ્રણામ કરું છું. નાગરિક સન્માન સમારંભ પ્રતિવર્ષ શિશુવિહારમાં આવી રીતે યોજાય છે. ‘વિષ્ણુસહસ્ત્રનામ’માં, એના શ્ર્લોકમાં એક બહુ જ પ્રસિદ્ધ વચન છે, ‘अमानी मानदो मान्यों ભગવાન વિષ્ણુનાં હજાર નામમાં આ વાત કહેવામાં આવી છે એમાંથી તલગાજરડાને ગુરુકૃપાથી એવો અર્થ સૂઝે છે કે વિધવિધ ક્ષેત્રમાં કે એના જીવનમાં કેટ કેટલાં વર્ષો સેવામાં સમર્પિત કરે છે એમનું સન્માન થવું જ જોઈએ અને એ આપણો સમાજ કરી રહ્યો છે, પરંતુ કોનું સન્માન થવું જોઈએ ? કોની વંદના થવી જોઈએ ? આપણો નાગર નરસિંહ મેહતા તો આપણને સમજાવી ગયો કે ‘સકલ લોકમાં સૌને વંદે.’ વૈષ્ણવ તો એ છે જે દરેકને વંદન કરે. ઉપનિષદ તો એમ કહે, ‘सर्वम खलु इदम ब्रह्म’ આ સમગ્ર જગત બ્રહ્મમય છે. અમારે ગોસ્વામીજી એમ કહે કે ‘सीय राममय सब जग जानी।’ બધા જ વંદનીય છે; ચોક્કસ વંદનીય છે પરમતત્ત્વના અંશ હોવાને લીધે. પરંતુ એમાંથી જેમણે પોતપોતાના ક્ષેત્રમાં સેવાનો મંત્ર લઈને કંઈક વિશેષ કર્યું છે એની વંદના થવી જોઈએ, પરંતુ મૂળમાં તો આ સ્તોત્ર ‘મહાભારત’માં છે. આપ સૌ જાણો જ છો. એમાંથી કોની વંદના કરશું ? જગત આખું વંદનીય છે, નિ:શંક. અંદરનો ભાવ મારે ને તમારે આખીરી વ્યક્તિથી લઈને પરમતત્ત્વથી માંડીને બધાંના તરફ રાખવો જ પડશે;પણ કોનું સન્માન થવું જોઈએ ?
બે લક્ષણો છે. ‘અમાની’, જે પોતાના અંગત જીવનમાં બિલકુલ અમાની છે. જેમણે કોઈ દિવસ પોતાને માન મળે તે માટે કોઈ નેટવર્ક ગોઠવ્યું નથી. કોઈની પાસેથી ભલામણ પત્રો લીધા નથી, જે-તે સંસ્થાના વડીલો સાથે સંબંધ હોવાને લીધે કે આ ભલામણ કરે તો આમ થાય.આ બધા અનુભવોમાંથી હું પસાર થયો છું એટલે કહું છું. ઘણા લોકો મને એમ કહે કે બાપુ, તમે એક પત્ર લખી આપો તો મને પદ્મશ્રી મળે. મેં કીધું, એના કરતાં તો હું તને આખું તળાવ જ આપી દઉં તો ! કોનું સન્માન કરવું ? કોઈની ભલામણથી જેને સન્માનિત થવું છે એની કુશળતાને લીધે એ ગોઠવી લે બધું ! કોનું સન્માન કરવું ?’ ‘મહાભારત કાર’ વ્યાસ નું વચન છે બાપ! કે ‘હૃદયના અંદરના ખૂણાથી જે અમાની છે; જેને પોતાની સેવાના બદલે કોઈ સન્માનની ભૂખ નથી તે સન્માનને પાત્ર છે. કેટલો મોટો શબ્દ છે’ અમાની’. અમારા રામચરિત માનસમાં પણ મહાભારતના આ શબ્દને તુલસીએ ઝીલ્યો છે- સબહી માનપ્રદ આપુ અમાની. જે બધાને માન આપે, હૃદયથી માન આપે અને પોતે અમાની રહે. ભગવાન વ્યાસ કહે છે, જે અમાની છે; જેને સન્માન સ્વીકારતા પરમ તત્ત્વ યાદ આવે છે કે જેમણે મને નિમિત્ત બનાવ્યો; અંદર ભારોભાર સંકોચ હોય તે સન્માનને યોગ્ય છે.
બીજું, એ પોતે બીજાને સન્માન આપતો હોય; એ માનદ હોય; બીજાને માન આપતો હોય. નાનામાં નાની વ્યક્તિથી લઈને દરેક ક્ષેત્રમાં જે હોય. હા, અવલોકન જરૂર કરે, નિંદા કોઈની ન કરે. નરસિંહ મહેતાએ ના પાડી છે. નિંદા ન કરે કેની રે. અવલોકન જરૂર કરે, પોતાનો દ્રષ્ટિકોણ જરૂર રાખે પણ હૃદયમાં દરેકના તરફનો માનનો ભાવ હોય. આ બે જ લક્ષણ; એ સમાજમાં વંદના માટે માન્ય છે, યોગ્ય છે. બીજી કોઈ જ આચારસંહિતાની જરૂર નથી; બીજા કોઈ બંધારણની જરૂર નથી કે કોને આપવું ? કે કેમ આપવું ? એ પણ જરૂરી છે; હું સમજુ. પણ આવી કોઈ સંસ્થા, સાધુ ચરિત સંસ્થા; એના મૂળમાં એક એવી વ્યક્તિ હોય જે ગમે તેને ગમે ત્યારે ગમે તેવા સમારંભમાં ગમે તેવા કડવા શબ્દોથી ધૂળ કાઢી નાખે ! પણ હૃદયમાં ક્યાંય દુર્ભાવ ન હોય.
ત્રીજું, કોઈને સારી સલાહ આપો, સારો જવાબ આપો. થઈ ગયું સન્માન, થઈ ગયું દાન. અરે કોઈને સારું આસન આપો. ભલે ભલે આવ્યા. આવો, બેસો-થઈ ગઈ વાત. સૌરાષ્ટ્રની કેટલી યે કથા એવી છે કે ઘરમાં એક સમયનું ભોજન ન હોય. એક સંત આવ્યા. પત્નીએ કહ્યું કે હવે એક જોડ કપડાં બચ્ચાં છે જે શરીર પર છે. સંત ભૂખ્યા જાય એ તો અમારી પરંપરા કલંકિત થાય ! તો કહે કે કરે શું ? કહે, હું કપડાં કાઢી નાખું, તમે જઈને કપડાં વેચી આવો. સ્ત્રી રડી પડે બોલે કેમ રડે છે ? વૈષ્ણવ દંપતી હતા. કહે કે સાધુ જ્યારે ભોજન કરશે ત્યારે હું એના દર્શન નહીં કરી શકું. હું દર્શન કરતી હોઉં તો મને સારું લાગતે, પણ નિર્વસ્ત્ર, સાધુની સામે કેવી રીતે આવું ? અનાજ ભરવાની માટીની કોઠી હતી. એ મહિલા અનાજ ભરવાની કોઠીમાં બેસી ગઈ, કપડાં ઉતાર્યા અને કોઠીમાં જે છિદ્ર હોય છે તેમાંથી સાધુના દર્શન કરે. પતિ ગયો, એક જોડી જે કપડાં હતા તે વેચી દીધાં. એમાંથી રેશન ખુદ લાવ્યો, ભોજન બનાવ્યું અને સાધુને પત્નીએ કહ્યું હતું, એવી રીતે બેસાડ્યો કે જેથી એ સાધુના દર્શન કરી શકે. સાધુને ભોજન પીરસે છે અને કોઠીમાં બેઠેલી એ મહિલા રડતા રડતા સાધુના દર્શન કરે છે.
દો… દો… તમારી પાસે જે હોય તે આપો. આ દુનિયામાં જીત્યા છે આપવાવાળા, લેવાવાળા કદી જીત્યા નથી. જેમણે આપ્યું છે, એમની સમાધિ પૂજાય છે અને જેમણે કંઈ નથી આપ્યું, એમનું નામનિશાન ક્યાંય રહ્યું નથી ! કોઈ પૂછતું નથી, કોણ આવ્યા ને કોણ ગયા ? તેથી આપણા સાહિત્ય લખ્યું છે-
એમ એ તક પાસ હો, ઉત્તમ અભ્યાસ હો,
ખાસ હોય સુજાન સુપુત ખાનદાન હો,
કર્નલ કપ્તાન હો, જનરલ યુવાન હો,
ભોજ કિ કમાન હો, તોરલ તુફાન હો,
ઐસે ઈજનેર હો આપ ગિરિ મેરુ હો,
કલા બોત્તેર હો, વાકેફ પુરાણ કા,
ઉત્તમ સ્વભાવ હો, દિલ દરિયાવ હો,
પિંગળ બચન નહીં અંત બને નહિ કામકા.
પ્રસાદ એકલા ખાઈ જ ન શકાય. આવી વ્યક્તિનું સન્માન થાય, થવું જોઈએ.
(સંકલન: જયદેવ માંકડ)