ફિલ્મનામા-નરેશ શાહ
શાહરુખ ખાન માટે એ દિવસો ભારે કષ્ટદાયક હતા
સંતાનો હંમેશાં માતા-પિતામાંથી કોઈ એક પર જતાં હોય છે. શાહરૂખ ખાન લૂકમાં પિતા મીર તાજ મૌહમ્મદ જેવો છે તો બીજી બધી વાતોમા ફાતિમા બેગમ પર ગયો છે. પિતા-પુત્ર એકબીજાને યાર (પઠાણી યારાનું અપભ્રંશ)નું સંબોધન કરતા હતા. જો કે શાહરુખ કરતાં મોટી બહેન શહનાઝ પિતાની વધુ નજીક હતી અને એટલે જ પિતાના અવસાન પછી એ સિવિયર ડિપ્રેશનનો ભોગ બની ગઈ. એ બિમારીમાંથી કદાચ, તેનો ક્યારેય છૂટકારો થયો નહીં અને એટલે જ આજીવન બેચલર બનીને એ શાહરૂખ ખાન સાથે જ રહે છે… એ શાહરૂખના સ્ટારડમની જ તાકાત છે કે તેની મોટી બહેન શહનાઝ વિષ્ો ક્યારેય કશું ડિટેઈલમાં જાહેર થયું નથી. માતા ફાતિમાના અવસાન પછી અને ગૌરી સાથેના લગ્ન પહેલાં મુંબઈમાં રહેતાં શાહરુખ સાથે શહનાઝ પણ રહેતી હતી. શાહરૂખ સાથે તે સેટ પર જતી અને ગુમસૂમ બેઠી રહેતી. ૧૯૯૦માં રાજુ બન ગયા જેન્ટલમેન (ત્યારે આ ફિલ્મનું નામ આસમાન સે ઊંચા હતું)નું મઢ આઈલેન્ડના બંગલામાં શૂટીંગ હતું ત્યારે તમારો આ નાચીઝ લેખક બન્ને ભાઈ-બહેનને મળી ચૂક્યો છે. એ ફિલ્મમાં શાહરૂખની સાથે બાળપણની મિત્ર અમૃતા સિંઘ પણ હતી. દિલ્હીમાં બન્નેએ અમિતાભની અનેક ફિલ્મો સાથે જોઈ હતી અને ફૂરસદમાં તેઓ સપનાં જોતાં. શાહરૂખ ઈચ્છતો કે તે એક દિવસ અમિતાભ બનશે. અમૃતા ઈચ્છતી કે એક દિવસ તે અમિતાભની હિરોઈન બનશે
ખુદા અને વાહે ગુરુએ બન્નેની ખ્વાહિશ પૂરી કરી દીધી છે.
***
શાહરુખ ખાન નાનો હતો ત્યારે તુકબંદી જેવી શાયરી કરતો અને ઘરની નજીક થતી રામલીલામાં ક્યારેક વાનરસેનાનો હિસ્સો પણ બનતો હતો. તેના માતા-પિતા કટૃરપંથી નહોતા કે નહોતા કડક઼ સંતાનોને ઉડવા માટે આકાશ આપવાના મત ધરાવતાં આ પેરેન્ટસે તેને દિલ્હીની સેંટ કોલંબસ હાઈસ્કૂલમાં ભણવા મૂક્યો હતો. પોતાની જ ઊર્જાથી ફાટફાટ થતો ખાન ફૂટબોલ, હોકી અને ક્રિકેટ, ત્રણેય ટીમનો કેપ્ટન બનતો. ફૂટબોલમાં એ રાઈટ સાઈડ રમવામાં એક્સપર્ટ હતો તો ક્રિકેટમાં વિકેટ કિપર હતો. બેટિંગમાં ચોથા-પાંચમા ક્રમે ઉતરતો. હોકીમાં એ સેન્ટર ફોરવર્ડ હતો. અલબત, આ વાત શાહરુખ હંસરાજ કોલેજમાં ભણતો ત્યારની છે. અહીં બે ઘટના બની હતી. હંસરાજ કૉલેજની ટીમને હોકીમાં ખાલસા કોલેજની ટીમ સામે શાહરુખે વિજયી બનાવી. એ વિરોધી ટીમને ખૂંચ્યું. તેમણે ગોલનો બદલો મારામારીથી લીધો. ખાલસા કોલેજની ટીમના એક મેમ્બરને આ કામ સોંપાયું. તેણે શાહરુખની ધોલધપાટ કરી… બાવડાનું બળ વાપરનારો આ યુવાન એટલે ગૌરી છિબ્બાનો મોટો ભાઈ વિક્રાંત.
યસ બોસ. આપણો શાહરુખ ખાન પંજાબી ગૌરી છિબ્બાને સૌ પ્રથમ ૧૯૮૪માં મળવાનો છે પણ એ માટે હંસરાજ કોલેજના દિવસોમાં બનેલી એક બીજી ઘટના નિમિત્ત બનવાની હતી. પહેલે ઉસે સુનતે હૈ. ફૂટબોલની એક મેચ દરમિયાન શાહરુખ ખાનને પીઠની નીચેના ભાગમાં ઈજા થાય છે અને નક્કી થાય છે કે છ મહિના આરામ ર્ક્યા પછી શાહરુખ નોર્મલ તો થઈ જશે, બટ હવે એ સ્પોર્ટસમાં કેરિયર નહીં બનાવી શકે
નિરંતર પ્રવૃત્તિમય રહેવાના ડીએનએ ધરાવતાં શાહરુખ ખાન માટે આ દિવસો ભારે કષ્ટદાયક હતા. મનગમતું થઈ શક્તું નહોતું અને બીજે કશે ધ્યાન ચોટતું નહોતું. બોરિયતથી છૂટવા માંગતો હતો એ જ દિવસોમાં કિંગ ખાનને ખબર પડી કે લેડી શ્રી રામ કૉલેજ નાટકની તૈયારી કરી રહ્યું છે અને પુરુષ્ા એકટરો માટેનું ઓડિશન ચાલી રહ્યું છે. સિલેકટ થનારાએ બપોરના ત્રણ થી આઠ રિહર્સલ કરવાનું રહેશે… શાહરુખને પાંચ કલાકની પ્રવૃત્તિમાં રસ પડયો. તે ઓડિશન આપવા ગયો ત્યારે તેને એક પ્રમુખ વ્યક્તિ પાસે મોકલવામાં આવ્યો, જે બાદશાહ ખાનના પ્રથમ અને આખરી એકિટંગ-ગુરુ બન્યા : બેરી જહોન.
એની ગેટ યોર ગન નામના એ મ્યુઝિકલ ડ્રામામાં જો કે શાહરુખને પ્રમુખ ભૂમિકા એટલે આપવામાં નહોતી આવી કારણ કે, એ સારું ગાઈ શક્તો નહોતો. નાટકનું રિહર્સલ અને ભજવણી તો ચાર મહિનામાં પૂરી થઈ ગઈ પણ બેરી જહોને પોતાના થિયેટર એકશન ગ્રૂપ (ટેગ) ના એક વર્કશોપમાં જોડાવાનું એસઆરકેને આમંત્રણ આપ્યું અને… કહી શકો કે કિંગ ખાનની જે લાઈફ બનવાની હતી, તેની શરુઆત થઈ ગઈ. ટેગ દિલ્હીની થિયેટર આલમનું પ્રતિષ્ઠિત નામ હતું અને તેની સાથે વિદ્યાર્થી તરીકે સિદ્ધાર્થ બસુ, લિલેટ દુબે, રાજીવ મેહરોત્રા, પામેલા રુક્સ (ટ્રેન ટૂ પાકિસ્તાન), રીતુ રાજ, મનોજ બાજપેયી, રઘુવીર યાદવ કામ કરતા હતાં. જૂનિયર તરીકે શાહરુખ ખાન ટેગમાં સામેલ થયો ત્યારે દિવ્યા શેઠ (સુષ્મા શેઠની પુત્રી) પણ નવીસવી હતી. અહીં આપણા ખાનસાહેબે ઓલ્ડ કિંગ કોલ, ધ ડાન્સિંગ ડંકી (જેમાં ક્યારેક ખાન ગધેડાનો રોલ પણ કરતો ) ધ ઈન્ક્રેડિબલ વેનિશિંગ જેવા અંગે્રજી નાટકો ર્ક્યા અને પછી બગદાદ કા ગુલામ નામના કોમેડી નાટકમાં ખાલિદ તરીકે શાહરુખને અને બેનઝિર તરીકે દિવ્યા શેઠને હીરો-હીરોઈન બનાવાયા હતા.
દિવ્યા શેઠ એ દિવસોમાં માસ્ટરપીસ સિરિયલ હમ લોગમાં પણ કામ કરતી હતી ત્યારે માત્ર તેનો અભિનય જોવા માટે લેખ ટંડન (દુલ્હન વહી જો પીયા મન ભાએ, અગર તુમ ન હોતે જેવી ફિલ્મો અને સિરિયલોના નિર્દેશક) આવ્યાં અને તેને દાઢીધારી શાહરુખ ગમ્યો. તેણે ખાનને દિલ દરિયા સિરિયલના સેટ પર બોલાવ્યો પણ કલિનશેવ ચહેરો જોઈને તેમનાથી કહેવાઈ ગયું: અરે તું તો છોકરડો છે
એની વે, વાળ ટૂંકા કરાવી નાખવાની શરતે શાહરુખ ખાનને દિલ દરિયા સિરિયલ થકી પ્રથમ ટેલિવિઝન બે્રક મળી ગયો. એ વખતે શાહરુખને ખબર નહોતી કે આવી ટેલિ-સિરિયલો જ તેની ઓળખ બનાવીને તેને બોલીવૂડનો બાદશાહ અને છિબ્બા ફેમિલીનો દામાદ પણ બનાવશે
***
કુદરત ક્યારે, કેવા સોગઠાં અને ચોકઠાં ગોઠવતી હોય છે, તેનો પામર ઈન્સાનને અંદાજ આવતો નથી યા તો મોડો-મોડો આવતો હોય છે. દિલ્હીના પંચશીલ પાર્કમાં રહેતી ગૌરી છિબ્બા તેના ઘર નજીકની પંચશીલ કલબમાં અવારનવાર જતી ત્યાં તે શાહરુખ ખાનને તેના મિત્રો સાથે પહેલી વખત મળી ત્યારે તેને યાદ આવ્યું કે આ વેરવિખેર વાળવાળા દુબળા પાતળાં યુવાનને તો તે શ્રી રામ કૉલેજમાં(રિહર્સલ થતાં ત્યારે) જોઈ ચૂકી છે.
ગૌરી લેખક મુલ્તાક શેખને શાહરુખની ફર્સ્ટ ઈમ્પ્રેશન વિશે કહે છે : એ વખતે તો એ મને કુરુપ (અનાકર્ષ્ાક) જ લાગ્યો હતો
કર લો બાત. જેના પર સ્ત્રીત્વ નામેઠામે પ્રગટ – અપ્રગટ રીતે ફિદા છે, એ કિંગ ખાન પહેલે પહેલે ગૌરીને જરાય ગમ્યો નહોતો પણ… શાહરુખ તો પ્રથમ નજરે જ ગૌરીને પસંદ કરવા લાગ્યો હતો. એ લોકો મળતાં રહ્યા. સંપર્કો પછી ઓળખાણ અને પછી સંબંધ બન્યાં પરંતુ શાહરુખની પઝેસિવનેશ દિન – બ – દિન ખતરનાક બનતી જતી હતી. ગૌરીની એક બહેનપણીના બોયફ્રેન્ડની એક્વાર તેણે એટલે પિટાઈ કરેલી કે, તે ગૌરીના ઘેર ગયો જ કેમ ? ગૌરીના ટૂંકા સ્કર્ટ, સ્લિવલેસ ડ્રેસ અને છુટ્ટાવાળ રાખવા સામે પણ શાહરુખને વાંધો પડતો. એ કોઈ સાથે હસીને વાત કરે તો આ દિલવાલે સળગી ઉઠતો અને એક દિવસ શાહરુખ ખાનની આવી જોહૂકમીથી કંટાળીને…
વધુ હવે પછી…