થોમસ પેન ક્રાંતિકારી વિચારો થકી પોતાનું નામ અમર કરી ગયા

ઉત્સવ

એક માણસે જીવના જોખમે સામાજિક અને ધાર્મિક સડા સામે અવાજ ઉઠાવ્યો

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

થોડા દિવસો અગાઉ એક પરિચિત યુવાન સાથે મુલાકાત થઈ. તે યુવાનના મનમાં સમાજમાં અને દુનિયામાં ચાલતાં દૂષણો સામે ખૂબ જ આક્રોશ છે. તેણે કહ્યું કે થોડા સમય અગાઉ ફલાણા દુષ્ટ માણસે ધર્મની આડશમાં ખોટી ટિપ્પણી કરી ત્યારે મને બહુ ગુસ્સો આવ્યો અને મેં સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી કે આ ખોટું કહેવાય. એ પછી કેટલાય માણસો સોશિયલ મીડિયા પર મારી સામે એ રીતે મેદાનમાં આવી ગયા અને મને ગાળો આપવા લાગ્યા કે જાણે મેં જેની વિરુદ્ધ પોસ્ટ લખી હતી તે ખેપાની માણસ મહાન હોય અને હું ખોટો હોઉં! છેવટે મારે એ પોસ્ટ ડિલીટ કરવી પડી.
તે યુવાનનો આક્રોશ સાંભળીને મેં તેને શાંત પાડતા કહ્યું કે અસત્યની અને અનિષ્ટની સામે અવાજ ઉઠાવનારા માણસોએ સહન કરવું જ પડે છે. મેં તેને અઢારમી સદીના વૈચારિક આગેવાન થોમસ પેનની વાત કરી.
ત્રણ સદી અગાઉ સમાજમાં સુધારો લાવવા માટે, દુનિયાને વધુ સારી બનાવવા માટે ઘણા ક્રાંતિકારી નેતાઓએ અવાજ ઉઠાવ્યો અને રૂઢિઓ સામે, ધર્મ સામે અવાજ ઉઠાવવા માટે તેમણે આકરી કિંમત પણ ચૂકવવી પડી. એવા જ એક વૈચારિક નેતા હતા, થોમસ પેન.
એ સમયમાં ધર્મ વિશે બોલનારા માણસોની જિંદગી પર જોખમ આવી જતું હતું. ધર્મની કે ધર્મગુરુઓની ટીકા કરનારાઓને દેહાંતદંડ સુધીની સજાઓ થતી હતી. એ સમયમાં થોમસ પેને ધર્મની ટીકા કરી હતી.
૨૯ જાન્યુઆરી, ૧૭૩૭ના દિવસે અમેરિકામાં જન્મેલા થોમસ પેન યુવાવસ્થામાં લેખન તરફ વળ્યા હતા અને તેમણે લેખન ક્ષેત્રે જ આગળ વધવાનું નક્કી કર્યું હતું. તેમણે અમેરિકાથી પ્રકાશિત થતા ‘પેન્સિલવેનિયા’ મેગેઝિનનું સંપાદકપદ પણ સાંભળ્યું હતું.
૧૭૭૬ના વર્ષમાં ‘કોમનસેન્સ’ નામનું તેમનું પુસ્તક પ્રકાશિત થયું હતું. એમાં અમેરિકન વસાહતીઓના સ્વાતંત્ર્ય માટે તેમણે અવાજ ઉઠાવ્યો હતો. તેમના એ લેખનને કારણે અમેરિકાનો જનમત ઘડાતો ગયો અને એમાંથી જ અમેરિકન રાજ્યક્રાંતિને એક બળ મળ્યું.
પેન અમેરિકાના સશ ક્રાંતિ આંદોલનના વૈચારિક નેતા હતા અને તેઓ હબસી લોકોની ગુલામગીરીના સખત વિરોધી હતા. તેમનું એક વાક્ય જગમશહૂર બન્યું હતું: ‘મારું પોતાનું મન એ જ મારું ચર્ચ છે.’ અને એ પ્રમાણે જ તેઓ જીવનભર જીવ્યા.
તેમણે ૧૭૮૦માં ‘પબ્લિક ગુડ’ નામનાં પુસ્તકમાં બ્રિટિશ સામ્રાજ્યશાહીઓ વિરુદ્ધ લડવા માટે શક્તિશાળી રાજ્યસંઘ તૈયાર કરવા માટે આહવાન કર્યું હતું.
એ સિવાય તેમણે ‘ડેઝર્ટેશન ઓન ધ અફેર્સ ઓફ ધ બેન્ક’ નામનો ગ્રંથ લખ્યો. એ ગ્રંથે એ સમયના અર્થશાીઓને હચમચાવી દીધા હતા. તેમણે એ ગ્રંથમાં તમામ પ્રકારની મૂડીવાદી ઈજારાશાહીનો પ્રચંડ વિરોધ કર્યો હતો.
થોમસ પેનના શબ્દો લોકોના દિલ સુધી પહોંચતા હતા અને તેમના દિમાગને વિચલિત કરી દેતા હતા. તેમણે અર્થશા ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, ગુલામીગીરી વિશે અને ધર્મના નામે ચાલતાં દૂષણો વિશે ખૂબ લખ્યું. તેમણે ધર્મસંસ્થાઓના ભયંકર સ્વરૂપ વિશે લખીને ધર્મના ઠેકેદારોની ખૂબ ટીકાઓ કરી.
જો કે તેઓ હંમેશા કહેતા રહેતા કે “મારા વિચારોની પ્રેરણા ધર્મભાવનાને નષ્ટ કરવાની નથી, પરંતુ ધર્મશુદ્ધિકરણની છે. તેઓ કહેતા કે “ભગવાન અને માનવી વચ્ચે કોઈપણ વચેટિયા ન હોવા જોઈએ. અને એ માન્યતાને અનુસરીને તેમણે જીવનભર ચર્ચનો વિરોધ કર્યો. એને કારણે રોમન, તુર્કી, પ્રોટેસ્ટન, ગ્રીક એ તમામ ચર્ચોની ખફગી તેમણે વહોરી લીધી હતી.
તેમના ક્રાંતિકારી વલણને કારણે તેઓ કટ્ટર ધર્મગુરુઓને આંખમાં કણાની જેમ ખૂંચતા હતા. એટલે તેમને નાસ્તિક ઠરાવીને તેમને મારી નાખવા માટે ઘણાં ષડયંત્રો પણ ઘડાયાં. એ વખતે તેઓ ફ્રાન્સ નાસી ગયા એને કારણે બચી ગયા હતા.
૮ જૂન, ૧૮૦૯ના દિવસે તેમનું ન્યુ યોર્કમાં મૃત્યુ થયું, પરંતુ તેઓ પોતાના વિચારો થકી પોતાનું નામ અમર કરી ગયા.
આપણે ત્યાં સમાજસુધારક મહાત્મા જ્યોતિબા ફૂલેએ ભારતમાં ક્રાંતિકારી વિચારો રજૂ કર્યા. તેમનાં પર અને ભારતના અહીં અનેક સમાજ સુધારકો પર થોમસ પેનનો ઊંડો પ્રભાવ હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.