૮૫,૦૦૦ રૂપિયા કિલોના ભાવે વેચાય છે આ શાક?!

પુરુષ

કવર સ્ટોરી-દર્શના વિસરીયા

જો આપણને કોઈ કહે કે જાઓ બજારમાંથી સૌથી મોંઘામાં મોંઘું શાક લઈ આવો તો…? કદાચ આપણે ૨૦૦-૪૦૦ કે પછી વધુમાં વધુ ૫૦૦ રૂપિયા કિલો વેચાતું હોય એવું કોઈ બહુ જ ઓછું મળતું શાક લઈ આવીએ, બરાબરને? પણ આજે આપણે વાત કરીશું એક એવા શાક વિશે કે જેનો ભાવ સાંભળીને જ આપણે એને ખરીદવાનું માંડી વાળીએ કે એવું વિચારી લઈશું કે આ શાક ખરીદવાનું આપણું ગજું નથી. જોકે અત્યારે આ શાક ખૂબ જ ચર્ચામાં છે, તેની કિંમતને કારણે અને સાથે સાથે જ તેની અંદર રહેલાં પોષક તત્ત્વોને કારણે પણ એટલું જ નહીં, દુનિયામાં મળનારા સૌથી મોંઘામાં મોંઘા શાકનો ખિતાબ પણ આ જ શાકને આપવામાં આવ્યો છે. તો ચાલો, વાતમાં વધારે મોણ નાખ્યા વિના સસ્પેન્સ પરથી પડદો ઉઠાવીએ અને વાત કરીએ હૉપ શૂટ્સ નામના શાક વિશે કે જે બજારમાં ૮૫,૦૦૦ રૂપિયા કિલોના ભાવે વેચાય છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતના બિહાર રાજ્યમાં આ શાકની ખેતી કરવામાં આવી રહી છે, પણ વિસ્તારથી તપાસ કરવામાં આવતાં આ દાવો સાવ ખોટો હોવાનું સાબિત થયું હતું. ખેર, આ બધું તો ચાલ્યા કરે. આટલા મોંઘા ભાવે વેચાતા આ શાકમાં આખરે એવું તે શું હશે એવો સવાલ થાય તે સ્વાભાવિક છે, તો તમારા આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું.
હૉપ શૂટ્સનું વૈજ્ઞાનિક નામ હુમુલસ લ્યુપુલસ છે અને તે હૉપ પ્લાન્ટનાં ફૂલ કે બીજ હોય છે. અર્થાત્ તે કેનબેબેસી પરિવારમાંથી આવે છે. બોલચાલની ભાષામાં આ શાકને હૉપ શૂટ કે પછી હૉપ કોન્સના નામે ઓળખવામાં આવે છે. ઈન્ટરનેટ પર થોડા ખાંખાંખોળા કર્યા તો એવું પણ જાણવા મળ્યું કે ઈ. સ. ૮૦૦માં બિયર બનાવવા માટે કડવા અને કાદવવાળી જમીનમાં ઉગનારા છોડનો ઉપયોગ કરવામાં આવતો અને હૉપ્સ પણ તેમાંથી જ એક હતો અને એના પર ટેક્સ પણ લાગતો હતો.
૧૭૧૦માં ઈંગ્લેન્ડની પાર્લામેન્ટે હૉપ્સ પર ટેક્સ લગાવ્યો અને નક્કી કર્યું કે બિયર કંપની દ્વારા હૉપ્સનો જ ઉપયોગ કરવામાં આવે. ધીરે ધીરે તેની કિંમત વધતી ગઈ અને આ જ કારણે માગ વધતાંની સાથે જ તેની કિંમત આટલી બધી વધી ગઈ. આ શાક મોટા ભાગે ઈન્ટરનેશનલ માર્કેટમાં જ મળે છે અને ભારતમાં તેને સ્પેશિયલ ઓર્ડર પર જ મગાવવામાં આવે છે. જો આંકડાઓ પર ભરોસો કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં છ વર્ષ પહેલાં પણ આ હૉપ શૂટ્સનો ભાવ ૧૦૦૦ પાઉન્ડ (આશરે ૧.૦૧ લાખ રૂપિયા) હતો એટલું જ નહીં, એકાદ વખત હિમાચલ પ્રદેશના લાહોલમાં આ શાક ઉગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ તેમાં ખાસ કંઈ સફળતા મળી નહીં અને યુરોપીય દેશ તેમાં પણ ખાસ કરીને બ્રિટન ને જર્મનીએ ૧૫મી સદીથી હૉપ શૂટની ખેતી કરવાનું શરૂ કર્યું અને હવે અમેરિકા જર્મની બાદ હૉપ શૂટ શાકનું ઉત્પાદન કરવામાં બીજા નંબરનો દેશ છે. હૉપ શૂટ્સની કિંમત અને તે ક્યાં પેદા થાય છે એ જાણી લીધા બાદ આગળ વધીએ અને વાત કરીએ તેના સેવનથી થનારા ફાયદાઓ વિશે-
ઇન્સોમ્નિયાની સમસ્યાને ‘શૂટ’ કરે છે હૉપ શૂટ્સ
છેલ્લાં કેટલાંક વર્ષોમાં રિસર્ચ કરીને વૈજ્ઞાનિકો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે હૉપ્સમાં મળી આવતા હુમુલિન અન લ્યુપુલિનમાં માઈલ્ડ સિડેટિવ પ્રોપર્ટી હોય છે, જેનો ઉપયોગ દવામાં કરવામાં આવે છે. ૨૦૨૧માં કરવામાં આવેલા એક સર્વેમાં ફરનારા કે રાતની શિફ્ટમાં કામ કરનારી મહિલા નર્સને બે અઠવાડિયાં સુધી મદિરાની સાથે સાથે બિયર પણ આપવામાં આવ્યો હતો અને તેમની ઊંઘવાની પેટર્નનો અભ્યાસ કરવામાં આવતાં એવું જાણવા મળ્યું કે બિયરે તેમને ૮ મિનિટ જલદી ઊંઘી જવામાં મદદ કરવાની સાથે સાથે તેમની અનિદ્રાની સમસ્યાના લેવલને ઘટાડવામાં પણ મદદ કરી હતી.
હાર્ટ સંબંધિત સમસ્યામાં ‘હૉપ’ની હૉપ
એથેરોસ્ક્લેરોસિસ એ હાર્ટ સંબંધિત એક એવી બીમારી છે જેમાં ધમનીઓ કડક થઈ જાય છે અને તેને કારણે સ્ટ્રૉક કે પછી હૃદયરોગના હુમલાનું જોખમ વધી જાય છે, પણ હૉપ્સમાં જોવા મળનારા જેથે હુમોલમાં એન્ટિ-રેસ્ટેનોટિક રહેલા હોય છે, જે ધમનીઓને રિલેક્સ કરવામાં મદદ કરે છે અને એટલું જ નહીં, તે લોહીના પરિભ્રમણને પણ સુધારવાનું કામ કરે છે.
ડિપ્રેશનને દૂર કરે છે
મૂડ સ્વિંગ્સ, ડિપ્રેશન જેવી સમસ્યામાં પણ આ શાકનું સેવન કરવું મદદરૂપ સાબિત થાય છે. ૨૦૧૭ના એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતું કે હૉપ્સના નિયમિત સેવનને કારણે તાણ, ચિંતા અને ડિપ્રેશનમાં રાહત મળે છે. રિસર્ચમાં હળવા ડિપ્રેશનનો ભોગ બનેલી ૩૬ જેટલી પ્રૌઢ વ્યક્તિઓને ૪૦૦ મિલિગ્રામ મેપલિન હૉપ્સ કે પછી ચાર અઠવાડિયાં સુધી પ્લેસબો આપવામાં આવી હતી અને તેમના સ્ટ્રેસ લેવલ, ચિંતા કે તાણના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો હતો.
હૉટ ફ્લેશની સમસ્યામાં પણ છે કારગર
હૉટ ફ્લેશ એટલે એવી બીમારી કે જેમાં અચાનક અપર બૉડી એટલે કે ચહેરા, ગળા અને છાતીનું તાપમાન વધી જાય છે, પણ હૉપ્સમાં જોવા મળતા ફ્લેવોનોઈડ ૮-પ્રીનિલારિનિંગિન, ફાઈટોએસ્ટ્રોજન જે એક પ્લાન્ટ આધારિત કંપાઉન્ડના રૂપમાં ક્લાસિફાઈડ કરવામાં આવ્યું છે, મહિલા હોર્મોન એસ્ટ્રોજનની એક્ટિવિટીને કોપ કરી છે. કેટલાક નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે હૉટ ફ્લેશમાં રાતે પરસેવો થાય છે અને એસ્ટ્રોજનને કારણે પેદા થનારાં ટીપાંઓને કારણે આ સમસ્યાને મહદંશે ઓછી કરી શકાય છે.
હૉપ શૂટ્સના ફાયદાઓ વિશે તો વાત કરી લીધી, પણ ફાયદા અને ગેરફાયદા એ એક સિક્કાની બે બાજુ છે. જેમ આના સેવનના ફાયદા છે એ જ રીતે તેના કેટલાક ગેરફાયદા પણ છે અને હવે વાત કરીએ તેના ગેરફાયદાઓ વિષે.
જ્યાં સુધી તમે આરોગ્ય માટે હોપ શૂટ્સનું સેવન કરો છો ત્યાં સુધી તેના ડોઝને સુરક્ષિત માનવામાં આવે છે અને તેની ઓછામાં ઓછી સાઈડ ઈફેક્ટ જોવા મળે છે, પણ આના સેવનથી અમુક લોકોને થાકનો અનુભવ પણ થઈ શકે છે. આ સિવાય તેના સેવનથી એલર્જી પણ થઈ શકે છે, જેમાં શરીર પર હળવાં ચાઠાં જોવા મળી શકે છે. આ સિવાય જો તમારી કોઈ પણ પ્રકારની સર્જરી થવાની હોય તો તમારે બે અઠવાડિયાં પહેલાં તેનું સેવન બંધ કરી દેવું જોઈએ, કારણ કે તે સિડેટિંગ ઈફેક્ટને વધારી શકે છે, એટલે સર્જરીમાં કોમ્પ્લિકેશન્સ થવાના ચાન્સીસ વધી જાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.