મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી
સરસ રીતે,લાઈન બંધ,એકસરખા યુનિફોર્મમાં, કોઈ શાળાનાં બાળકો શિસ્તબદ્ધ રીતે પ્રાણી સંગ્રહાલયના દરેક પિંજરામાં રહેલાં પ્રાણીને નિહાળી રહ્યા હોય આનંદીત થતા હોય ત્યારે અચાનક કોઈ એકાદ પાંજરાનું પ્રાણી દેકારો બોલાવવા માંડે એટલે પ્રવાસના તમામ બાળકો, શિક્ષકોનું ધ્યાન એ પાંજરા તરફ જાય.કોઈને ખબર ન પડે કે આ વાંદરો આટલો બધો ગાંડો કેમ થયો, પરંતુ તેની પાછળનું સાચું કારણ એ હોય કે એકાદ ટણક ટપોરી જેવો છોકરો વાંદરાની પૂંછડી આમળી આવ્યો હોય. આવા સમયે આપણને તો નહીં, પરંતુ વાંદરાને પણ થાય કે આ પ્રજાતિ ક્યાંથી આવે છે?
જોકે આજકાલ જો સૌથી વધારે આ પ્રશ્ર્ન થતો હોય તો તે ટીવી જોયા પછી ખાસ થાય છે. અને તેમાં પણ ખાસ કરીને તમે જ્યારે ન્યુઝ ચેનલ જુઓ ત્યારે તમને ખરેખર એંકરને સાંભળી અને આ પ્રશ્ન થાય ખરો કે “આ પ્રજાતિ ક્યાંથી આવે છે? આજે અમુક મને ખબર છે તેવી ખુફિયા માહિતી તમને આપવી છે. બન્યું એવું કે હમણાં અમારી સોસાયટીમાં પાણીના પ્રશ્ર્ને બાજુ બાજુમાં રહેતા બે બૈરાઓ વચ્ચે વાક્ યુદ્ધ જામી પડ્યું.ધબધબાટી, બગડાટી, બાપોમારી, કાં તું નહીં કાં હું નહીં, સામસામા ડોલ ડબલા બેડા ઉપાડાઇ ગયા હતા. આખી સોસાયટી ભેગી થઈ આ તમાશો નિહાળી રહી હતી.તેમાં કોઈકે ઓળખીતા ટીવી ચેનલવાળાને બોલાવી લીધા. બે ચાર લોકલ ચેનલે તો લાઈવ ટેલિકાસ્ટ પણ ચાલુ કરી દીધું, પરંતુ કોઈ ડાહ્યા માણસે પોલીસતંત્રને પણ જાણ કરેલી એટલે બે મહિલા પોલીસ સાથે અધિકારીએ આવી અને પ્રશ્ર્નનું સ્થળ પર નિરાકરણ કર્યું. આ આમ જુઓ તો તમને રુટિન કાર્યવાહી થઈ તેવું લાગે, પરંતુ વાત હવે શરૂ થાય છે પંદર દિવસ પછી આ બંને લડવૈયા બહેનો ટીવી ચેનલ પર એન્કર તરીકે જોવા મળ્યા.ખરેખર આ બંને બહેનોમાં રહેલું હુન્નર ટીવી ચેનલના સીઈઓ, માલિકે ઓળખી અને પ્રાઈમ ટાઈમમાં ન્યુઝ રિપોર્ટર,એન્કર તરીકે નોકરી આપી દીધી.
અબ તક કી સબસે બડી ખબર, દેખીએ ક્યા હો રહા હૈ ઉધર, દેખિયે સબસે બડા ખુલાસા, ક્યોં નહીં હો રહા કોઈ કામ, આવાં વાક્યો તમે અવારનવાર સાંભળ્યા હશે અને એ પણ તમે જાણે ગજની હો અને વારેવારે ભૂલી જતા હો તેમ એક ને એક વાક્ય તમને દસ વાર સંભળાવે. તમે કંટાળી અને સાથે સાથે ન બોલવા મંડો ત્યાં સુધી ગોખાવે વાતમાં જરાય દમ ન હોય, પરંતુ તમારા કાન બહેરા થઈ જાય તેટલી રાડો નાખી ખબર નહીં શું સાબિત કરવા માંગે છે. અમુક એંકર તો સ્ટુડિયોમાં બેઠા છે કે બોર્ડર ઉપર તે જ ખબર ન પડે, પરંતુ આ બધું જોયા પછી તમને જરૂરથી થાય કે ‘આ રાડકી પ્રજાતિ ક્યાંથી આવે છે’?
સામાન્ય રીતે કોઈ આંદોલન થતું હોય ત્યારે કોઈ પણ પક્ષના કાર્યકરો પૂરા જોશ જનૂનથી, જાણે
પોતાનાં મા બાપને કોઈએ નુકસાન પહોંચાડ્યું હોય કે પોતાનાં પરિવાર ઉપર હુમલો થયો હોય તેવી રીતે સામેના પક્ષ પર તૂટી પડે છે.જાહેર મિલકતોનું નુકસાન કરે છે અને પોતે વગર કારણે,પોતાના નેતાના અહમને ખાતર, કાયદાની ચુંગાલમાં ફસાઈ અને જિંદગી બરબાદ કરી બેસે છે, પરંતુ આ બુદ્ધિના બારદાનો ક્યારેય એવું વિચારતા નથી કે તમને જે ઉશ્કેરે છે તેના પરિવારના કોઈ સભ્યો ઝંડા પકડી અને આંદોલનમાં ક્યારે આગેવાની લે છે? બુલેટપ્રૂફ ગાડી કે ઝેડ પ્લસ સુરક્ષા વચ્ચે બેફામ બોલતા નેતાઓ સામાન્ય માણસની લાગણી સાથે છેડછાડ કરી,તેને ઉશ્કેરી આગળ કરી દેતા હોય છે. પોતાના દીકરાને ક્યારેય આંદોલનમાં આગળ ઊભો નહીં રાખે અને અમુક મૂરખના સરદાર જેવા જુવાનિયાઓ તેમના માટે માથા ફોડાવવા તૈયાર થઈ જાય છે.ત્યારે આવા જુવાનિયાઓને જોઈ અને એમ થાય કે ‘આવી મૂરખ જેવી પ્રજાતિ ક્યાંથી આવે છે’ તો આવા અમુક નફ્ફટ નેતાઓ ને જોઈને પણ એમ થાય કે ’આવી નીચ પ્રજાતિ ક્યાંથી આવે છે’.
ટૂંકમાં સાવ અંતરિયાળ ગામોમાં ટૂંકી ચડ્ડી અને અતિ ધનાઢ્ય અદ્યતન વિસ્તારમાં હાથ એકનો ઘુંઘટ જોઈ મિશ્ર ભાવ સાથે તમને થાય ને કે ‘આ પ્રજાતી કયાંથી આવે છે’?