રખડતા શ્ર્વાનનો રૉબિન હૂડ છે આ રૉબિન સિંહ

પુરુષ

કવર સ્ટોરી-દર્શના વિસરીયા

આપણે બાળપણમાં એક વસ્તુ તો શીખ્યા જ છીએ કે પ્રકૃતિમાં આવનાર બધા જ જીવો એકબીજા પર નિર્ભર હોય છે અને આ એક કડી કડી જોડીને બનાવેલી સાઈકલ છે. જો તેમાંથી એકપણ કડી આડીઅવળી થાય તો આખી સાઈકલ ખોરવાઈ જાય છે એટલું જ નહીં, એક સમય એવો પણ આવી જશે કે ધરતી માણસો માટે રહેવાલાયક પણ નહીં રહે. શીખ્યા તો આપણે બધા જ છીએ, પણ આ સાઈકલ નિરંતર ચાલતી રહે અને તે ક્યારેય ન ખોટકાય એ માટે મહેનત કરનારા આપણામાંથી કેટલા? સવાલનો જવાબ આપણે બધા જ જાણીએ છીએ, પરંતુ આજે આપણે અહીં વાત કરીશું એક એવી પર્સનાલિટી વિશે કે જે આ વાતને સારી રીતે જાણે છે અને આઠ વર્ષથી તે આ જ દિશામાં કામ કરી રહ્યો છે અને ૨૦૨૧થી તો રસ્તા પર રખડતા શ્ર્વાન માટે ખાસ એક ફીડિંગ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે, એમના જ નેજા હેઠળ. દરરોજ આશરે ૪૦૦ શ્ર્વાનને ખાવાનું આપવામાં આવે છે અને એ માટે ગામની મહિલાઓને રાશન અને બીજી અન્ય આવશ્યક વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે.
શ્ર્વાન માટે કામ કરતી એક એનજીઓના સંસ્થાપક અને આપણી કવર સ્ટોરીના હીરો રૉબિન સિંહ જાનવરો માટે ૨૦૧૪થી કામ કરી રહ્યા છે અને પોતાના આ અનોખા પ્રોગ્રામની શરૂઆત ક્યાંથી અને કઈ રીતે થઈ એ વિશે વાત કરતાં તેઓ જણાવે છે, ‘એક દિવસ કઝામાં રહેતી વાંગચુક ડોલમા નામની મહિલા પોતાના ભાઈ અને દીકરા સાથે મારી ઓફિસ પર આવી અને તેણે રસ્તા પરના શ્ર્વાનની મુશ્કેલીઓ વિશે વાત કરી અને શું હું કે મારી સંસ્થા આ શ્ર્વાન માટે કંઈક કરી શકીએ છીએ કે એવું પૂછ્યું. આ સાંભળીને હું ખુદ કઝા ગયો અને મેં આ સમસ્યાને સમજીને તેને કઈ રીતે ઉકેલી શકાય એ શોધવાનો પ્રયાસ કર્યો. ઉનાળામાં અહીં આવનારા ટૂરિસ્ટની સંખ્યા ખૂબ વધુ હોય છે એટલે એ દિવસોમાં તો તેમને ખાવાની કોઈ ખાસ સમસ્યા આવતી નથી, પણ શિયાળામાં તેમના માટે અહીં પૂરતું ભોજન ઉપલબ્ધ હોતું નથી. ભૂખને કારણે શ્ર્વાન વધારે ચીડચીડિયા થઈ જાય છે અને ઘણી વખત તો એકબીજા પર જ હુમલો કરીને ખાઈ જાય છે. બસ, આ જ કારણસર મેં શિયાળામાં રખડતા શ્ર્વાનને પૂરતું ભોજન મળી રહે એવી ગોઠવણ કરવાનું વિચાર્યું.’
જોકે ખાલી શ્ર્વાનને ભોજન કરાવવાનો જ હેતુ નહોતો રૉબિન અને તેની સંસ્થાનો. આ સિવાય રૉબિને શ્ર્વાન સંબંધિત અન્ય સમસ્યા અને સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓનું સમાધાન લાવવાનું પણ શરૂ કર્યું એટલું જ નહીં, ઉનાળામાં તેમણે શ્ર્વાનોની નસબંધી માટે એક સ્પેશિયલ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. કામ અઘરું હતું, પણ કરવું જરૂરી હતું. નસબંધી માટે સંસ્થાના કાર્યકર્તા રીતસરના શ્ર્વાનની પાછળ દોડતા. નસબંધીને કારણે શ્ર્વાનની વસતી તો નિયંત્રણમાં રહેશે જ, પણ તેની સાથે સાથે જ તેમને અન્ય ગંભીર બીમારીઓ થવાનું જોખમ પણ નહીં રહે.
દિલ્હીમાં જ ઊછરેલા રૉબિન ૨૦૧૦ સુધી અમેરિકામાં આઈટી સેન્ટરમાં જોબ કરી રહ્યા હતા અને સારી એવી કમાણી કરી રહ્યા હતા, પણ તેમ છતાં તેમને એવું થતું કે કંઈક ખૂટી રહ્યું છે અને આ કંઈક ખૂટી રહ્યું છેની કમીને પૂરી કરવા તેઓ ભારત આવ્યા. ભારત પાછા ફર્યાના થોડાક સમય સુધી તો તેઓ ભારતમાં ફરતા રહ્યા. ૨૦૧૨માં તેઓ પૉન્ડિચેરીમાં આવેલા ઑરોવિલ આશ્રમ ગયા. ત્યાં તેમની મુલાકાત લૉરેન નામની મહિલા સાથે થઈ જે હૉટેલમાં બચી ગયેલું ભોજન રસ્તા પરના શ્ર્વાનને ખવડાવતી હતી. તેને મળ્યા બાદ થોડાક સમય સુધી રૉબિને તેની મદદ કરી અને પછી તો તેમણે જનાવરો માટે કામ કરવાના ઉદ્દેશને પોતાનું જીવન બનાવી લીધું.
રૉબિન સાથે કામ કરતા અને સ્પિતી વેલીના કઝા ગામમાં રહેતા નરિંદર રાણા પણ રૉબિનની જેમ જ શ્ર્વાનને ભોજન પૂરું પાડે છે અને એ વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે ‘પહેલાં વેલીમાં લોકો પાસે બ્લુ શીપ અને આઈબેક્સ જેવાં અનેક પ્રકારનાં પ્રાણીઓ હતાં, પણ હવે આ વિસ્તારમાં શ્ર્વાનની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે લોકો તેમના ડરથી બીજા કોઈ જાનવર પાળવાનું ભૂલી ગયા છે.’
૨૦૧૪માં રૉબિને એક એનજીઓની સ્થાપના કરી અને જાનવરોને રેસ્ક્યુ કરવા, તેમની સ્થિતિને સુધારવા માટે કામ કરવાનું શરૂ કર્યું એટલું જ નહીં, રૉબિન સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલમાં બિલીવ કરે છે એટલે તેમને ત્યાં તમને અનેક ઈકોફ્રેન્ડલી પ્રોડક્ટ્સ પણ મળશે. સોશિયલ મીડિયા અને આજના આ ડિજિટલ વર્લ્ડમાં રૉબિન અને તેમની એક્ટિવિટી એટલી બધી ફેમસ થઈ ગઈ છે કે સ્પિતી વેલી ફરવા આવનારા ટૂરિસ્ટ પણ તેમને મળવા જાય છે અને તેમની આ એક્ટિવિટીમાં ભાગ લે છે.
રૉબિને જે રીતે આ અબોલ જીવોનો વિચાર કરીને તેમના માટે કંઈક કરી છૂટવાના પોતાના વિચારને જીવન જીવવાનું ધ્યેય બનાવી દીધો છે, તે અભિનંદનને પાત્ર તો છે જ, પણ તેની સાથે સાથે તેમના આ પગલાને આપણે લોકોએ પણ અનુસરવું જોઈએ જેથી આપણી આસપાસનાં જાનવરો પણ આપણી સાથે શાંતિથી રહી શકે. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.