આ પાવર કપલે અલીબાગમાં કરોડોની કિંમતમાં ખરીદ્યું આલીશાન ફાર્મહાઉસ

ફિલ્મી ફંડા

અનુષ્કા શર્મા અને તેના ક્રિકેટર પતિ વિરાટ કોહલી ટિન્સેલટાઉનમાં સૌથી પ્રિય કપલ છે. લોકો તેમની ઝીણી ઝીણી વાતો વાંચવા પણ આતુર હોય છે. હવે એવી માહિતી મળી છે કે આ પાવર કપલે મહારાષ્ટ્રના અલિબાગમાં આલીશાન ફાર્મહાઉસ ખરીદ્યું છે. તેમણે ગણેશ ચતુર્થીના પાવન દિવસે આ ડીલ સાઇન કરી હતી.

આ આલીશાન બંગલો અલીબાગના જીરાદ ગામ પાસે 8 એકર જમીનમાં બનાવવામાં આવશે. આ જગ્યા માટે અનુષ્કા અને વિરાટે રૂ.19.24 કરોડનો ખર્ચ કર્યો છે. અનુષ્કા અને વિરાટે 6 મહિના પહેલા આ સ્થળની મુલાકાત લીધી હતી.

આ જગ્યા માટે 1 કરોડ 15 લાખની રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવી છે. વિરાટના ભાઈ વિકાસ કોહલીએ ગણપતિની ઉજવણીના એક દિવસ પહેલા સ્ટેમ્પ ડ્યૂટીનું ટ્રાન્ઝેક્શન પૂરું કર્યું હતું. ક્રિકેટર વિરાટ હાલમાં એશિયા કપ ટુર્નામેન્ટ માટે દુબઈમાં છે, જેથી તેના ભાઈએ આ સોદો પૂરો કર્યો હતો. આ ડીલ સમીરા હેબિટેટ્સ નામની જાણીતી રિયલ એસ્ટેટ કંપનીએ કરી હતી.

અનુષ્કા અને વિરાટે 6 મહિના પહેલા આ જગ્યાની મુલાકાત લીધી હતી. વિરાટના વ્યસ્ત કાર્યક્રમના કારણે તે અલીબાગ આવી શક્યો ન હતો. પરિવારે 3 લાખ 35 હજારની સ્ટેમ્પ ડ્યૂટી ભરી છે.

અલીબાગ મુંબઈનો હાઈપ્રોફાઈલ વિસ્તાર છે. અહીં ઘણા સેલેબ્સ અને ક્રિકેટરોના ફાર્મહાઉસ છે. ટૂંક સમય પહેલા આ વિસ્તારમાં ક્રિકેટર રોહિત શર્માએ પણ ફાર્મ હાઉસ ખરીદ્યું હતું. સચિન તેંડુલકર પણ અહીં ફાર્મહાઉસ ધરાવે છે. હવે આ લિસ્ટમાં વિરાટ કોહલી અને અનુષ્કા પણ જોડાઈ ગયા છે. આ ડીલ અંગે હજુ સુધી કપલ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે વિરાટ કોહલીએ પીઢ ગાયક કિશોર કુમારના જુહુમાં આવેલા બંગલાનો મોટો ભાગ લીઝ પર લીધો છે. વિરાટ અહીં રેસ્ટોરન્ટ ખોલશે. આ જગ્યા વિરાટને 5 વર્ષ માટે લીઝ પર આપવામાં આવી છે. આ સમાચારની પુષ્ટિ કિશોર કુમારના પુત્ર અમિત કુમારે કરી છે.

અનુષ્કા શર્માના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ ચકદા એક્સપ્રેસથી કમબેક કરી રહી છે. તે છેલ્લે ઝીરો ફિલ્મમાં જોવા મળી હતી. એવી પણ અટકળો છે કે વિરાટ-અનુષ્કા કોઈ પ્રોજેક્ટમાં સાથે આવવાના છે. વિરાટ અને અનુષ્કા વર્ક લાઈફની સાથે પારિવારિક જીવનનો પણ આનંદ માણી રહ્યા છે. દંપતીને એક સુંદર પુત્રી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.