પિઝાનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. તે વિશ્વની સૌથી વધુ પસંદ અને ખાવામાં આવતી વાનગીઓમાંની એક છે. આજે બજારમાં પિઝાની હજારો વેરાયટી આવી ગઈ છે. હાલમાં જ અમેરિકાના લોસ એન્જલસમાં વિશ્વનો સૌથી મોટો પિઝા બનાવવામાં આવ્યો છે. લગભગ 13 હજાર 900 સ્ક્વેર ફીટ વિસ્તારમાં ફેલાયેલા પિઝાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વિશ્વના સૌથી મોટા પિઝાનો ખિતાબ આપવામાં આવ્યો છે.
અમેરિકાની પ્રખ્યાત પિઝા કંપની Pizza Hurt અને YouTuber Airrackએ મળીને તેને બનાવ્યું છે. આ પિઝા લોસ એન્જલસ કન્વેન્શન સેન્ટરમાં બનાવવામાં આવ્યો છે. તેમાં 13,653 પાઉન્ડ (6,193 કિગ્રા) કણક, 4,948 પાઉન્ડ (2,244 કિગ્રા) પિઝા સોસ, 8,800 પાઉન્ડ (3,992 કિગ્રા) ચીઝ અને લગભગ 630,496 પેપરોનીના ટુકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ પિઝાની કુલ 68 હજાર સ્લાઈસ છે. તેને બનાવવા માટે 400 શેફે સખત મહેનત કરી હતી. પિઝા કંપનીના પ્રેસિડેન્ટ ડેવિડ ગ્રેવ્સે જણાવ્યું કે આ પિઝા તેમના બિગ ન્યૂયોર્કરના પરત ફરવાની ઉજવણી માટે બનાવવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પિઝા બિલકુલ વેડફાશે નહીં. આ પિઝાને શહેરની ફૂડ બેંકોને આપવામાં આવશે, જેથી લોકો આ પિઝાની મજા માણી શકે.
આ પહેલા દુનિયાના સૌથી મોટા પિઝાનો વર્લ્ડ રેકોર્ડ ઈટાલીના નામે હતો. વર્ષ 2012માં ઈટાલિયન શેફે સાથે મળીને 13,580 સ્ક્વેર ફીટ એરિયાનો પિઝા બનાવ્યો હતો, જેને ‘ઓટાવિયા’ નામ આપવામાં આવ્યું હતું. પરંતુ હવે આ રેકોર્ડ તૂટી ગયો છે. એવું પણ કહેવાય છે કે રેકોર્ડ બનાવતાની સાથે જ તૂટી જવાના હોય છે.