આ પદ્મશ્રી માસ્તર મોશાય છોકરાઓને ભણાવે છે માત્ર એક રૂપિયામાં

પુરુષ

વિશેષ -પૂજા શાહ

જે દિવસે મેં મારી અનુસ્નાતકની ડિગ્રી મેળવી તે જ મિનિટે હું બંગાળ ખાતેના મારા વતન ઔસગ્રામ દોડ્યો શિક્ષક બનવા માટે. હા, મને મોટાં શહેરોમાં વધારે વેતન સાથેની નોકરી મળી શકે તેમ હતી, પણ મારા માટે મારા ગામની સ્કૂલમાંથી મળેલી રૂ. ૧૬૯ની નોકરી ઘણી અનમોલ હતી.
હું મારા ગામની સ્કૂલમાં ભણાવવા માટે તલપાપડ હતો જ્યાં એક સારા શિક્ષકની જરૂર હતી. અહીં ૩૯ વર્ષ સેવા આપ્યા બાદ હું નિવૃત્ત થયો, કારણ કે મારી નિવૃત્તિની વયમર્યાદા આવી ગઈ હતી. કેવો વિચિત્ર કાયદો છેને…
ઠીક છે. હવે હું ૬૦નો થયો હતો, આથી મારે હવે ખાંડવાળી ચા પીવાની હતી અને ખાટલામાં પડી આરામ કરવાનો હતો, પણ મારે આરામ નહોતો કરવો. હું સતત મારી જાતને પૂછ્યા કરતો કે હવે હું શું કરું અને થોડા દિવસ બાદ મને મારો જવાબ મળી ગયો.
એક દિવસે સવારે સાડાછ વાગ્યે ત્રણ નાનકડી છોકરીઓ મારા આંગણે આવી. હું અચંબામાં પડી ગયો જ્યારે તેમણે કહ્યું કે તેઓ આ નિવૃત શિક્ષકને મળવા માટે ૨૩ કિલોમીટર સાઇકલ ખેંચીને આવી છે.
તે આદિવાસી છોકરીઓ હતી અને હાથ જોડી વિનંતી કરતી હતી કે હું તેમને ભણાવું. મેં તેમને ભણાવવાની તૈયારી બતાવી, પણ સાથે કહ્યું કે તમારે મને આખા વર્ષની ફી આપવી પડશે.
તેમણે કહ્યું હા, અમે ગમે તેમ કરીને આપી દઈશું. ત્યારે મેં કહ્યું કે મારી વર્ષની ફી એક રૂપિયો રહેશે. તેઓ એકદમ ખુશ થઈને મને ભેટી પડી અને કહ્યું કે અમે એક રૂપિયો આપીશું ને સાથે ચાર ચોકલેટ પણ.
મને તો ચાનક ચડી. મેં ધોતિયું ચડાવ્યું ને સીધો ગયો મારી સ્કૂલે. ત્યાં મેં તેમને એક ક્લાસરૂમ આપવા વિનંતી કરી. તેમણે ના પાડી. હું હાર્યો નહીં. પાછો ઘરે આવ્યો. મારું ફળિયું સાફ કર્યું અને ત્યાં જ ભણાવવાનું શરૂ કર્યું.
મારામાં શિક્ષક હજુ એટલો જ થનગનતો હતો. એ સમય હતો ૨૦૦૪નો. મારી પાઠશાળા ત્રણ વિદ્યાર્થીથી શરૂ થઈ અને આજે વર્ષે ૩,૦૦૦ વિદ્યાર્થી ભણે છે.
મારો દિવસ આજે પણ સવારે છ વાગ્યે શરૂ થાય છે. હું સવારે આખા ગામનો આંટો મારું છું અને જેવો ઘરે આવી દરવાજો ખોલું કે મારા વિદ્યાર્થી મને ઘેરી લે છે.
આ છોકરીઓ ૨૦ કિલોમીટર જેટલું ચાલીને આવે છે. મારે તેમની પાસેથી ઘણું શીખવાની જરૂર છે. આટલાં વર્ષોમાં મારા ઘણા વિદ્યાર્થીઓ પ્રોફેસર, આઈટી ડિપાર્ટમેન્ટના હેડ બન્યા છે.
તેઓ હંમેશાં મને ફોન કરતા રહે છે અને તેમની કારકિર્દી અને જીવન વિશે સારા સમાચાર આપતા રહે છે અને હું તેમની પાસેથી ચોકલેટ્સ માગું છું. ગયા વર્ષે મને જ્યારે પદ્મશ્રી મળ્યો ત્યારે મારો ફોન બંધ થતો જ નહોતો. આખું ગામ મારી સાથે ઉજવણીમાં જોડાયું હતું. અમે બહુ ખુશ હતા, પણ હા મેં મારા વિદ્યાર્થીઓને ક્લાસ બંક કરવા દીધો નહોતો. તમે પણ આવો ને મારી પાઠશાળાની મુલાકાત લો. મારું ગામ ખૂબ જ સુંદર છે અને મારા વિદ્યાર્થીઓ ઘણા પ્રતિભાશાળી છે. મને ખાતરી છે તમે તેમની પાસેથી ચોક્કસ કંઈક શીખશો.
તો આ હતી મારા જીવનની વાર્તા. હું એક સાદોસીધો શિક્ષક છું. મારી ચાની પ્યાલી સાથે ખાટલામાં પડીને સાંજનો આરામ માણું છું. મારા જીવનની સાર્થકતા એ છે કે મને બધા માસ્તર મોશાય તરીકે ઓળખે છે. મારે મારા જીવનના છેલ્લા શ્ર્વાસ સુધી ભણાવવું છે. આ પૃથ્વી પર મને આ કરવા જ ભગવાને મોકલ્યો છે.
આ વાર્તા છે સુજીત ચટ્ટોપાધ્યાયની. કોલકતાથી માત્ર ત્રણ કલાકના અંતરે આવેલા પૂર્બા બારધામનના શિક્ષકની. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમણે શિક્ષણ ક્ષેત્રમાં કરેલા પ્રદાન બદલ તેમને પદ્મશ્રી એનાયત
કર્યો હતો.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.