Homeવાદ પ્રતિવાદરહેમતો, બરકતો અને નજાત મેળવવાનો આ રહ્યો અજોડ અમલ

રહેમતો, બરકતો અને નજાત મેળવવાનો આ રહ્યો અજોડ અમલ

અનવર વલિયાણી -અનવર વલિયાણી

‘જે લોકોના દિલમાં કુરાન શરીફનો કોઈ ભાગ નથી તે વેરાન ઘર સમાન છે. જે ઘરમાં કુરાન શરીફ પઢાય છે તેમાં બરકતો અને ભલાઈઓ વધી જાય છે. તેમાં ફરિશ્તાઓ ઊતરે છે અને તે ઘરમાંથી સેતાન ચાલ્યો જાય છે.’
પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ (સ.અ.વ.)નું મજકુર કથન પવિત્ર કુરાનની મહાનતાને સ્પષ્ટ કરે છે.
કુરાન શરીફની તિલાવત (વાંચન) કરવી એ જાણે અલ્લાહતઆલાની સાથે વાતચીત કરવા સમાન છે. ખુદાનો આ કલામ (વાણી) દિલની સફાઈ, ખુદાનું કુર્બ (સાંનિધ્ય) અને આત્માની શુદ્ધિનું કારણ બને છે. તેથી તેની તિલાવત કરવાનો અને હિફઝ (કંઠસ્થ) કરવાને અલ્લાહતઆલાએ આદેશ આપ્યો છે. હુઝુરે કરીમ (સ.અ.વ.) પોતે કુરાને કરીમની તિલાવત કરતા હતા અને સહાબાઓ (સાથી, સંગાથીઓ)ને તિલાવતની તાકીદ કરતા હતા.
સુજ્ઞ વાચક મિત્રો! કુરાને મજીદ દીને ઈસ્લામનું મૂળ છે તેના પ્રચાર અને તેના બાકી રહેવા પર જ ધર્મનો આધાર છે. પવિત્ર કુરાન પઢવા અને પઢાવવા સંબંધી ઘણી હદીસો આવી છે. હુઝુરે અનવર (સ.અ.વ.)ના જમાનામાં તમામ, સ્ત્રી, પુરુષ, બાળકો પોતાના વતનમાં, મુસાફરીમાં, લડાઈના મેદાનમાં, દિવસ અને રાત કુરાને પાકની તિલાવત કરતા હતા.
આપ સરકારે દોઆલમ (સ.અ.વ.) ફરમાવ્યું છે કે, ‘જે માણસ પોતાની ઔલાદને કુરાન શરીફ માત્ર વાંચતા પણ શીખવાડે (એટલે નાઝરા કુરાન) તો તેના આગળ પાછળના બધા ગુના માફ થઈ જાય છે.’ આપ ફરમાવો છો કે, ‘જે શખસ પોતાની ઔલાદને કુરાન કરીમ હિફઝ (કંઠસ્થ – મોઢે) કરાવે તો તેને કયામતમાં ચૌદમી રાતના ચંદ્રની માફક ઉઠાવવામાં આવશે કે પઢવાનું શરૂ કર, જયારે તે સંતાન એક આયત (શ્ર્લોક) પઢશે, તો તેના પિતાનો એક દરરજો બુલંદ કરવામાં આવશે જ્યાં સુધી આખા કુરાન શરીફની તિલાવત સંપૂર્ણ થઈ જાય.’ આપે એવું પણ ફરમાવ્યું કે – ‘જે માણસે કુરાન શરીફ પઢયું અને તેનો હાફીઝ (સંપૂર્ણ કુરાન મોઢે કરવાને કુરાને હાફીઝ કહે છે) થયો અને તેમાંના હલાલને હલાલ જાણ્યું અને હરામ વાતને હરામ જાણી તો અલ્લાહતઆલા તેને જન્નતમાં
દાખલ કરશે તથા તેના ખાનદાનમાંથી દસ માણસોની શફાઅત (પવિત્રતા) કબુલ ફરમાવશે જેમના માટે જહન્નત વાજીબ થઈ
ચૂકી હતી.’
વહાલા વાચકો! યાદ રહેવું ઘટે કે કુરાને કરીમના સઘળા શબ્દોને સહી ઉચ્ચારથી અદા કરવા જોઈએ. એકની જગ્યાએ બીજો હર્ફ (શબ્દ) નીકળવો જોઈએ નહીં. જ્યાં આયત આવે ત્યાં બરાબર થોભવું જોઈએ. અવાજને દર્દભર્યો – મીઠા – સુમધુર બનાવીને પઢો કે જેથી દિલ પર અસર થાય. ‘તશ્દીદ’ (જે શબ્દને બે વખત બોલવામાં આવે) અને ‘મદ’ (જે શબ્દને ઉચ્ચારથી બોલાય) આવતો હોય ત્યાં બરાબર અદા કરો કારણ કે તેમાં કુરાન શરીફની અઝમત (મહાનતા) જાહેર થાય છે. આખું કુરાન અલ્લાહતઆલાનો પાકિઝા (પવિત્ર) કલામ છે જેમાં ૧૧૪ સૂરતો (વિભાગ) છે.
આજના આ ભાગદોડના જમાનામાં ઈન્સાનને જાણે સમય નથી. પરંતુ તમારા ઘરોમાં બરકત માટે અને તમારી પોતાની પણ જિંદગીમાં અમન-શાંતિ તેમજ બરકત અને આખેરતની નજાત (છુટકારા) માટે પણ આ પાક કલામમાંથી અમૂક સૂરતો દરરોજ સવારે અને રાતે સૂતી વખતે એક વખત પઢી લેવી જોઈએ. જે શખસ રાતે સૂતી વખતે એક વખત ‘સૂરએ ફાતેહા’ અને ત્રણ વખત ‘સૂરએ ઈખ્લાસ’ (કુલહો વલ્લાહ) પઢતો રહેશે, તો તે શખસ ગુનાહોથી એવો પાક થઈ જશે જાણે માના પેટથી આજે જ જન્મ્યો છે.
કુરાને પાકની ૧૧૪ સૂરતો બરકતવાળી છે જ, પરંતુ નાની સૂરતોની તિલાવત દરરોજ કરવી જ જોઈએ. એવી નાની સૂરતોની ફઝિલત્ (કૃપા, બરકત) પણ તમે જાણી શકો અને તેનો શકય તેટલો વધુ લાભ ઉઠાવી શકો તે માટે આ લખનાર વખતોવખત એક એક સૂરતોની ફઝિલત (કૃપા) આપતા રહેવાનો ઈન્શાઅલ્લાહ નમ્ર પ્રયાસ કરશે.જે સૂરતને કુરાન કરીમનું દિલ કહેવામાં આવે છે તે સૂરહ (પ્રકરણ) યાસીન શરીફની ફઝિલતને આપણે આવતા અંકમાં વાચીશું.
– કબીર સી. લાલાણી
* * *
ઈસ્લામ અને સલામ
સલામ સલામતી અને બરકતનું એક અતિ ઉત્તમ કારણ, સાધન છે જેથી હુઝૂર નબીએ કરીમ (સ.વ.અ.) પોતાના ખાસ સેવક અનસ (રદ્યિલ્લાહો અન્હો)થી ફરમાવ્યું કે, અય વહાલા બેટા! જ્યારે તું ઘરમાં પ્રવેશ કરે તો ઘરવાળાઓને સલામ કર, કેમ કે તારો સલામ તે તારા માટે અને ઘરવાળા માટે બરકતનું કારણ બની રહે છે.’
સલામ કરવું સુન્નત (શિષ્ટાચાર અને સુકૃત્ય) છે અને પ્રત્યુત્તર આપવું વાજીબ છે. શિયા હોય કે સુન્ની! દરેક મુસ્લિમ સ્ત્રી અને પુરુષ માટે સલામ કરવાની અને જવાબ દેવાની ઈસ્લામી રીત આ પ્રમાણે છે: અસ્સલામો અલયકુમ અને જવાબમાં વઅલયકુમુસ્સલામ કહેવાય. આ સિવાયના બધા તરીકાના સલામ અને જવાબ ગૈર ઈસ્લામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular