‘આ શિવસેનાને ખતમ કરવા માટેનું ષડયંત્ર છે’, સંજય રાઉતની ધરપકડ પર આદિત્ય ઠાકરેની પ્રથમ પ્રતિક્રિયા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

શિવસેનાના સાંસદ સંજય રાઉતની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ અંગે ઉદ્ધવપુત્ર આદિત્ય ઠાકરેએ મોટું નિવેદન આપ્યું છે. દેખીતી રીતે જ તેમણે ભાજપ અને બળવાખોર શિંદે જૂથ પર નિશાન તાક્યું છે. તેમણે કહ્યું હતું કે આ મહારાષ્ટ્રનો અવાજ દબાવવાનું અને શિવસેનાને ખતમ કરવા માટેનું ષડયંત્ર છે, જે બધા લોકો જાણે છે.
ઠાકરે પહેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ જણાવ્યું હતું કે, “શિવસેનાના મુખ્ય પ્રવક્તા અને સામનાના સંપાદક સંજય રાઉતની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તપાસ પછી સત્ય બહાર આવશે.” સંજય રાઉતે મારી અને અમારી સાથેના 50 ધારાસભ્યની વારંવાર ટીકા કરી છે, પણ અમે સંજય રાઉતની ટીકા નહીં કરીએ. અમે તેમની ટીકાનો અમારા કામથી જવાબ આપીશું.
શિવસેનાના નેતા સંજય રાઉતની ગત મોડી રાત્રે પતરા ચાલ જમીન કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ પહેલા લગભગ 18 કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. સંજય રાઉતને આજે પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમની ધરપકડથી શિવસેનાના કાર્યકરો નારાજ થયા હતા. તેમણે ED ઓફિસની બહાર એકઠા થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.