વર્મિકમ્પોસ્ટના ગૃહઉદ્યોગથી આ હોમ ગાર્ડનર કમાય છે વાર્ષિક ચાર લાખ રૂપિયા

લાડકી

લાઈમ લાઈટ-વૈભવ જોષી

જો તમારી પાસે કુશળતા હોય તો તમે ઘરે બેસીને પણ કમાઈ શકો છો. એવી કેટલીય મહિલાઓ છે જે સ્વેચ્છાથી ગૃહિણી છે, પણ પોતાની આવડતનો ઉપયોગ કરીને ફાજલ સમય સર્જનાત્મક કાર્યોમાં વાપરે છે. ઈરાદો ભલે રૂપિયા કમાવાનો ન હોય પણ પોતાની ક્ષમતા થી કંઈક ફળ મેળવવાનો આનંદ તો હોય જ. આ રીતે તમિળનાડુના અરિયાલુરમાં રહેતા અઝાકુ ધીરને વર્મિકમ્પોસ્ટ બનાવવાનું શરૂ કરીને તેણે લાખોનો વ્યવસાય બનાવી દીધો.
૩૬ વર્ષીય અઝાકુના પિતા ખેડૂત છે. અઝાકુએ બાળપણથી જોયું હતું કે સારા પાક માટે તેના પિતા ઘરે જ વર્મિકમ્પોસ્ટ બનાવતા હતા. અઝાકુ પણ પોતાના પિતાને વર્મિકમ્પોસ્ટ તૈયાર કરવામાં મદદ કરતા હતા. તેમાંથી જ તેમને વર્મિકમ્પોસ્ટના બિઝનેસ નો વિચાર આવ્યો. જોકે, તેમણે આ વ્યવસાયની શરૂઆત તો તેમના લગ્ન થઇ ગયા પછી, તેમના બાળકો પણ શાળાએ જવા માંડ્યા પછી કરી. શરૂઆતમાં તો પોતાના માટે ઘર પર વિવિધ પ્રકારના ફૂલો અને શાકભાજીઓ ઉગાડતા હતા. પોતાના હોમગાર્ડનને હર્યોભર્યો રાખવા ૨૦૧૯માં પહેલી વાર તેમણે પિતા પાસેથી શીખેલું વર્મિકમ્પોસ્ટ પોતાના માટે બનાવ્યું.
વર્મિકમ્પોસ્ટ – અળસિયાની મદદથી ખાતર બનાવવાનો વૈજ્ઞાનિક પ્રયોગ છે.
અળસિયા, રસોઈના ભીના કચરા વગેરેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ‘વર્મિકાસ્ટ’નું ઉત્સર્જન કરે છે, જે નાઇટ્રેટ્સ અને ખનીજો, જેવા કે ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને પોટેશિયમથી ભરપૂર હોય છે. ખાતર તરીકે આ ખૂબ સારું હોય છે અને માટીની ગુણવત્તા વધારવામાં મદદ કરે છે.
લોકોની પ્રતિક્રિયાએ કર્યા નિરાશ
જ્યારે અઝાકુએ પોતાના બગીચામાં તેનો ઉપયોગ કર્યો ત્યારે તેમણે જોયું કે પહેલાના પ્રમાણમાં ઉપજ જલદી અને સારી થઇ રહી હતી, ત્યારે તેમને વિચાર આવ્યો કે વર્મિકમ્પોસ્ટને એક બિઝનેસ બનાવી શકાય છે. જોકે, અરિયાલુરના લોકો વર્મિકમ્પોસ્ટથી બહુ પરિચિત નહોતા. અઝાકુના શબ્દોમાં, “એટલે સુધી કે, જયારે લોકોએ મારા ત્રણ બેડરૂમવાળા વર્મિકમ્પોસ્ટ ફાર્મને જોયું અને ફર્ટિલાઇઝર વિષે પૂછપરછ કરી, તો કોઈએ પણ ટ્રાયલ માટે પણ તેને ખરીદ્યું નહિ. લોકો પૂછતાં હતા, “ની એન્ના પંડ્રે? અર્થાત્ આ શું કરો છો? હું તેમને તેના વિષે સમજાવતી હતી, ત્યારે તેમનો જવાબ, “અપ્પડિયા (અચ્છા!) એટલો જ રહેતો અને પછી ચાલ્યા જતા. લોકોના આવા પ્રતિભાવે અઝાકુને ખૂબ નિરાશ કરી, પણ તેમના ઘર પાસેના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરફથી તેમને ઘણું સમર્થન મળ્યું, જેનાથી તેમને વ્યવસાય આગળ વધારવાનો વિશ્ર્વાસ વધ્યો. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના માધ્યમથી હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટને અઝાકુના વ્યવસાય વિષે જાણ થઇ અને તેમણે બજારમાં વેચવા ખાતર લેવાની તૈયારી બતાવી.
ઓનલાઇન સેલથી બદલાઈ ગયો ખેલ
અઝાકુના જણાવ્યા મુજબ કોવિડ લૉકડાઉનના કાળમાં તેમણે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ખાતર વેચવાનું શરુ કર્યું. તેને માટે જરૂરી પેકેજિંગ અને ફોટોશૂટ વગેરે પણ કર્યા. તેમણે પોતાની બ્રાન્ડનું નામ ‘સોઇલ સ્પિરિટ’ રાખ્યું, પણ ઘણા દિવસો સુધી ત્યાંથી પણ ઓર્ડર નહોતા આવી રહ્યા. અઝાકુ જણાવે છે કે, “ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર ખૂબ કોમ્પિટિશન છે. પણ પહેલા મહિને એક ઓર્ડર ચેન્નાઇથી મળ્યો. અઝાકુએ સુનિશ્ર્ચિત કર્યું કે ગ્રાહકને એકદમ સારી ક્વૉલિટીનું ખાતર મળે. તેના પરિણામે ગ્રાહકે ઈ-કોમર્સ ઉપર તેનો સારો રિવ્યૂ આપ્યો.
અઝાકુને મળી રહ્યા છે ઢગલાબંધ ઓર્ડર
પહેલા ઓર્ડર પછી ધીરે ધીરે વેચાણ વધ્યું. તેમને બેંગલૂરુ, ચેન્નાઇ અને કેરળના ટેરેસ ગાર્ડનરના ઢગલાબંધ ઓર્ડર મળવા માંડ્યા, પણ કેટલાક વિક્રેતાઓએ અઝાકુના પ્રોડ્ક્ટ ઇમેજ અને ડીટેલની નકલ કરીને ખરાબ ગુણવત્તાના ખાતર વેચવા માંડ્યા. તેને કારણે તેમનું વેચાણ ઘટ્યું. તેઓ કહે છે કે, “આ ઘટના બાદ મેં મારું ટ્રેડમાર્ક નક્કી કર્યું, પણ આ પ્રક્રિયા થકવી નાખનારી હતી. મારી ઓનલાઇન બ્રાન્ડ માટે પણ તે ન મળ્યું અને અંતે તેનું નામ બદલીને ‘અરબેરીયલ’ કર્યું.
આજે ઈ-કોમર્સ કરતાં વ્યક્તિગત સંપર્કોથી વધુ ઓર્ડર મળી રહ્યા છે. વૉટ્સઍપથી પણ ઓર્ડરો મળે છે. અત્યારે મહિને ૨૧૦ કિલો જેટલું વર્મિકમ્પોસ્ટ વેંચતા અઝાકુ કહે છે, “એક માત્ર પડકાર પાર્સલનો હતો. સૌથી નજીકની પાર્સલ સર્વિસ મારા ઘરથી વિસ કિલોમીટર દૂર હતી. હું પ્રોડ્ક્ટ ટ્રાન્સપોર્ટ માટે બે-ત્રણ લોકોને કામ પર રાખું છું. વધુમાં વધુ દસ દિવસમાં પ્રોડ્ક્ટ ડિલિવરી થઇ જાય છે.
કેટલી કિંમત?
અઝાકુના પાંચ કિલો ખાતરની કિંમત ૧૨૦ રૂપિયા છે અને આ કિંમતે તેઓ કોકોપીટ અને પોટિંગ મિક્સ પણ વેચે છે. તેઓ જણાવે છે કે, “મારા આ બિઝનેસથી મેં એક વર્ષમાં ચાર લાખ રૂપિયા કમાયા. એક લાખ રૂપિયાનું રોકાણ કરીને ચાર લાખ કમાવા મારે માટે મોટી વાત છે.
જો તમે ઘરે વર્મિકમ્પોસ્ટ બનાવવા માગતા હો, તો અઝાકુની ટિપ્સ આ રહી.
સ્વસ્થ અળસિયા પસંદ કરવા બહુ મહત્ત્વપૂર્ણ છે. વર્મિકમ્પોસ્ટની શરૂઆત આસપાસના ખેડૂતો કે નિષ્ણાતોના માર્ગદર્શનમાં કરો.
બીજું પગલું તેની દેખરેખનું છે. મરઘીઓ અને કૂતરા જેવા જાનવરોથી તેને બચાવવું પડે. વર્મિકમ્પોસ્ટ બેડ આ જાનવરોની પહોંચ બહાર હોય તે રીતે તૈયાર કરો.
ઓરડાનું તાપમાન યોગ્ય (૨૫-૨૭ ડિગ્રી સેલશિયસ) જાળવી રાખવું જરૂરી છે. કીડાઓ સીધા તડકાથી દૂર રહેવા જોઈએ. તેમને ઢાંકીને કે છાંયડામાં રાખવા બહેતર છે.
વર્મિકમ્પોસ્ટ તૈયાર થવામાં ૬૦ થી ૯૦ દિવસ જેટલો સમય લાગે છે.
તમે પણ તમારા બગીચા માટે આ પ્રયત્ન કરી જુઓ અને મિત્રોને પણ પ્રેરિત કરો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.